ડુબકી:ભૂંસાઈ ન જવાનો પડકાર

Magazine5/16/2026, 11:35:00 PM
ડુબકી:ભૂંસાઈ ન જવાનો પડકાર
વીનેશ અંતાણી માન્ય રીતે લોકો માની લે છે કે એમના જીવનમાં ખાસ કશું બદલાશે નહીં. આવતી કાલ આજ જેવી જ ઊગશે. જીવનનું માળખું અત્યારે છે એવું જ ટકી રહેશે. આ માન્યતાને કારણે તેઓ એમનું રૂટિન ઘડે છે અને તે પ્રમાણે ભવિષ્યની દિશા નક્કી કરે છે. વાસ્તવમાં એવું બનતું નથી. જીવનમાં કશું જ સ્થિર અને કાયમી રહેતું નથી. પરિસ્થિતિ બદલાતી રહે છે. ક્યારેક અચાનક, ક્યારેક ખબર ન પડે તેમ ધીરેધીરે. બદલાવો ગાઈ-વગાડીને આવતા નથી, ચુપચાપ આવી ગોઠવાઈ જાય છે. શરૂઆતમાં મુશ્કેલ લાગતા બદલાવોની આદત પડવા લાગે અને પછી કાયમી બની જાય. ક્યારેક તો યાદ પણ રહેતું નથી કે શું બદલાયું છે. એક પ્રદેશમાં બે ચોમાસાં કોરાં ગયાં. પાણીની સખત તંગી ઊભી થઈ. લોકો દુ:ખી થઈ ગયા. નિયમિત અને પૂરું પાણી મળતું બંધ થવાથી એમણે શરૂઆતમાં ફરિયાદો કરી. પાણીનું એક એક ટીપું સાચવીને વાપરવાની વાત એમને અસહ્ય લાગતી હતી. થોડા મહિના પછી એ જ લોકોએ પાણી બચાવવાના માર્ગ શોધી લીધા અને ઓછાં પાણીથી ચલાવવા લાગ્યા. વડીલોએ પાણીના વપરાશ માટે ઘરમાં કડક નિયમો બનાવ્યા. એક સમયે અસહ્ય જણાતી પરિસ્થિતિ લોકોના જીવનનો ભાગ બની ગઈ. દરેક વ્યક્તિમાં કપરી પરિસ્થિતિને અનુકૂળ થઈ જવાની શક્તિ છુપાયેલી છે. લોકો પારિવારિક. સામાજિક, રાષ્ટ્રીય તથા વૈશ્વિક પડકારોની સામે માનસિક અને શારીરિક રીતે ગોઠવાઈ જવાનું શીખી લે છે. માનવજાતે મહામારી, આર્થિક અસ્થિરતા, કુદરતનો પ્રકોપ, રાજકીય અને સામાજિક કટોકટીનો અનેકવાર સામનો કર્યો છે અને મોટા ભાગે દરવખતે વધારે મજબૂત થઈને બહાર નીકળ્યા છે. અંગત જીવનમાં સ્વજનની અણધારી વિદાય, પરિવારમાં કોઈની ગંભીર બીમારી, સંબંધોમાં તિરાડ, બેકારી, હિંસા અને અકસ્માતોની ઘટનાઓની વચ્ચે લોકો હાર માનતા નથી. લોકો ગમે તેવા સંકટમાં ગોઠવાઈ જઈ જીવનને સામાન્ય રફતારમાં ધબકતું રાખવાના પ્રયાસ કરતા રહે છે. છોકરાં રમે છે – ભણે છે, યુવાનો સફળ કારકિર્દી ઘડવા માટે પ્રયત્નશીલ રહે છે, લોકો ઉત્સવો અને શુભ પ્રસંગોની ઉજવણી કરવાનું ચાલુ રાખે છે, પ્રવાસ કરે છે, ફોટા અપલોડ કરે છે, ટી. વી. સિરિયલો અને રાજકારણની ચર્ચા કરતા રહે છે. ટૂંકમાં, સર્વાઇવલની સમગ્ર પ્રક્રિયા રોજિંદા જીવનની ઘટમાળની સાથે સ્વાભાવિક લાગે તેમ જોડાઈ જાય છે. ગમે તેવી વિષમ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાની તૈયારીનો એક અર્થ છે પોતાને ભૂંસાઈ જતા બચાવી લેવા. પડકાર જ સહન કરવાનું બળ આપે છે. આ સંદર્ભમાં 1914થી 1917 દરમિયાન બનેલી એક પ્રેરણાદાયી ઘટના યાદ કરવા જેવી છે. એ સમયે એન્ટાર્કટિકાના એક છેડાથી બીજા છેડા સુધીનો વિકટ માર્ગ પહેલી વાર પગપાળા પાર કરવાનું સાહસી અભિયાન હાથ ધરાયું હતું. પહેલા તબક્કામાં અમુક સ્થળ સુધી સમુદ્રમાર્ગે વહાણમાં મુસાફરી કરવાની હતી, પછી જમીનમાર્ગે બરફમાં ચાલે એવી સ્લેજનો ઉપયોગ કરી આગળ વધવાની યોજના હતી. એ અભિયાનમાં લગભગ અઢારસો માઇલનું અંતર કાપવાનું હતું. ‘એન્ડ્યૂરન્સ’ નામના વહાણમાં અઠ્ઠાવીસ લોકોનો પ્રવાસ શરૂ થયો. વહાણ ઘણે દૂર નીકળી ગયું પછી ‘વેડેલ સમુદ્ર’ની હિમશીલાઓની વચ્ચે ફસાઈ ગયું. ચારે બાજુથી બરફનું દબાણ આવવાથી વહાણ તૂટીને ડૂબી ગયું. બધા લોકો દરિયામાં કૂદી પડ્યા. એમણે વિષમ હવામાન, ખાવાપીવાની સામગ્રીની અછત અને બીજી ભયાનક પરિસ્થિતિની વચ્ચે બરફની તરતી ચટ્ટાનો પર રહેવું પડ્યું, છતાં તેઓ હિંમત ન હાર્યા. ત્યાર પછી તેઓ વહાણમાંથી બચાવી લેવાયેલી લાઇફબોટ્સમાં બેસી નિર્જન ટાપુ પર પહોંચ્યા. હજી ભય ટળ્યો નહોતો. ટાપુ પર અસહાય બેસી રહેવાને બદલે મદદ મેળવવા પાંચ સાહસિકો ખતરનાક દરિયાઈ માર્ગે લગભગ આઠસો માઇલનું અંતર કાપી સાઉથ જોર્જિયા પહોંચ્યા. છેવટે 1916માં અભિયાનના બધા સભ્યોને જીવતા બચાવી લેવાયા હતા. એ અભિયાનનો મૂળ ઉદ્દેશ સફળ ન થયો, પરંતુ એ ઘટના માનવોના સાહસ, નેતૃત્વ, ધીરજ અને વિષમ સંજોગોમાં ટકી રહેવાની અસાધારણ શક્તિનું અમર ઉદાહરણ બની ગઈ. સીરિયાના ગૃહયુદ્ધ દરમિયાન ત્યાંનું દારાયા શહેર નાકાબંધી અને બોમ્બવર્ષનો ભોગ બન્યું હતું. ઇમારતો તૂટવા લાગી હતી, ઘરો ખંડેર બનવા લાગ્યાં હતાં, લોકોની સલામતી અશક્ય બની ગઈ હતી. એવા મુશ્કેલ સમયે શહેરના કેટલાક યુવાનોએ નાશ પામેલાં મકાનો અને ઘરોના કાટમાળમાંથી પુસ્તકો એકઠાં કરવાનું કામ શરૂ કર્યું. એમણે ઇતિહાસ, ફિલસૂફી, વિજ્ઞાન, ધર્મ, સાહિત્ય વગેરેનાં હજારો પુસ્તકો અંડરગ્રાઉન્ડ સુરક્ષિત મૂકી દીધાં. લોકો ત્યાં વાંચવા આવવા લાગ્યા અને એ ‘અંડરગ્રાઉન્ડ લાઇબ્રેરી’ ભયાનક વિનાશની વચ્ચે સાહિત્ય-સંસ્કૃતિના રક્ષણનું સ્થળ બની ગઈ. બહારની દુનિયા નાશ પામતી હતી ત્યારે પ્રજાએ એમની આંતરિક દુનિયાને બચાવી લેવાનું ભગીરથ કાર્ય કર્યું હતું, ભારતમાં પણ વિદેશી આક્રમણો અને રાજકીય અસ્થિરતાના સમયમાં અનેક અમૂલ્ય હસ્તપ્રતો અને ગ્રંથોને ધર્મસ્થાનોના ભંડાર, ગુફાઓ, દૂરદૂરનાં ગામોની જગ્યાઓમાં સાચવી લેવાયાં હતાં. પરિસ્થિતિને અનુકૂળ થઈ ટકી જવાની શક્તિ માનવને સાચા અર્થમાં માનવ બનતાં શીખવે છે. વૃદ્ધ માતાપિતા અશક્ત બની ગયાં પછી એમને સંભાળવાની જવાબદારી પંચાવન વર્ષના દીકરા પર આવી. શરૂઆતમાં એને પોતાની દિનચર્યા ગોઠવતાં તકલીફ પડી, પરંતુ પછી એ પરિસ્થિતિને અનુકૂળ વ્યવસ્થા ગોઠવતો ગયો. એનું શીડ્યૂઅલ માતાપિતાની દિનચર્યા પ્રમાણે ગોઠવ્યું. બહારથી સામાન્ય જણાતી આ પ્રક્રિયા વ્યક્તિના મનોબળ અને ધીરજની કસોટી કરે છે, એની પ્રાયોરિટી બદલાય છે અને અંગત સમય વિશેની વ્યવસ્થામાં પણ પરિવર્તન આવે છે. પરિસ્થિતિ પ્રમાણે ગોઠવાઈ જવાની શક્તિ કેવળ જીવતા બચી જવાની ક્ષમતા નથી, માનવ તરીકે ટકી જવાનો સંકલ્પ છે. જીવનમાં બદલાતતી રહેતી નાનામોટી પરિસ્થિતિ પ્રમાણે લોકો માનસિક, આધ્યાત્મિક અને લાગણીના સ્તરે પોતાને નવેસરથી ગોઠવતા જાય એ પ્રક્રિયા ચુપચાપ ભૂંસાઈ જવાના પડકારોની સામે ન ઝૂકવાની હઠ છે. પગ નીચેથી જમીન ખસવા લાગે ત્યારે નવા આરંભની દિશા ઊઘડે છે. }
Read Original Article →