અક્ષરનો અજવાસ:વાલિયામાંથી વાલ્મીકિકરણ: પુસ્તકો વાંચો, જેલમાંથી મુક્ત થાવ

Magazine5/24/2026, 12:35:00 AM
અક્ષરનો અજવાસ:વાલિયામાંથી વાલ્મીકિકરણ: પુસ્તકો વાંચો, જેલમાંથી મુક્ત થાવ
જયેન્દ્રસિંહ જાદવ આપણાં શાસ્ત્રોમાં લખ્યું છે કે ‘સા વિદ્યા યા વિમુક્તયે’. વિદ્યા એ છે કે જે સર્વ પ્રકારનાં બંધનોથી મુક્તિ અપાવે છે. પરંતુ શું આ વિદ્યા જેલની ચાર દીવાલો વચ્ચેથી મુક્તિ અપાવી શકે? તો તેનો જવાબ બે રીતે ‘હા’માં આપી શકાય. એક તો બ્રહ્મવિદ્યાના રસને ચાખનારા તત્ત્વજ્ઞાનીઓ જેલને જેલ તરીકે નથી જોતા પરંતુ જેલમાં રહીને પણ મુક્તિનો આનંદ માણે છે. શ્રી અરવિંદને કારાવાસ દરમિયાન આવી જ કોઈ દિવ્ય અનુભૂતિ થઇ હતી અને તેમણે કહ્યું હતું, ‘મારે મન જેલ એ તો મા જગદંબાનો ખોળો છે.’ આ તો થઇ બ્રહ્મવિદ્યાને જાણનારા સાધકોની વાત, પણ શું સામાન્ય કેદીઓને આ વિદ્યા કેદમાંથી મુક્તિ અપાવી શકે તો તેનો ઉત્તર ‘હા’ છે. બ્રાઝિલની સરકારે વર્ષ 2021માં એક ઉત્તમ કાયદો ઘડ્યો છે. જેમાં કેદીઓ પુસ્તકો વાંચીને પોતાની જેલની સજા વહેલી પૂરી કરી શકે છે. બ્રાઝિલ સરકારે ગુનેગારોને માત્ર યાતના આપવાને બદલે તેમના માનસિક પરિવર્તન અને સામાજિક પુનર્વસન પર ધ્યાન કેન્દ્રિત કરીને ‘રેમિસાઓ પેલા લેઇતુરા’ એટલે કે ‘વાંચન દ્વારા મુક્તિઐ નામનો એક ઐતિહાસિક કાયદો લાગુ કર્યો છે, જે સમગ્ર વિશ્વને ફોજદારી ન્યાય પ્રણાલી માટે એક નવો દૃષ્ટિકોણ પૂરો પાડી રહ્યો છે. આ કાયદા અંતર્ગત, કેદીઓને જેલની લાઇબ્રેરીમાંથી સાહિત્યિક, દાર્શનિક કે વૈજ્ઞાનિક પુસ્તકો વાંચવા માટે પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવે છે. એક પુસ્તક વાંચવા માટે કેદી પાસે 21 થી 30 દિવસનો સમય હોય છે, અને ત્યારબાદ તેણે 10 દિવસની અંદર તે દીર્ઘ પુસ્તક સમીક્ષા લખીને જેલતંત્રને જમા કરાવવાની હોય છે. શિક્ષકો અને સામાજિક કાર્યકરોની બનેલી એક માન્યતા સમિતિ આ સમીક્ષાનું મૂલ્યાંકન કરે છે, ક્યારેક તે કેદી સાથે પ્રશ્નોતરી પણ કરે છે અને જો તે સંતોષકારક જણાય તો, એક પુસ્તક વાંચવા બદલ કેદીની સજામાંથી ચાર દિવસ ઓછા કરવામાં આવે છે. આ પ્રકારે કોઈ પણ કેદી એક વર્ષમાં મહત્તમ 12 પુસ્તકો વાંચીને પોતાની સજામાંથી 48 દિવસનો ઘટાડો મેળવી શકે છે. દૃષ્ટિહીન કે ઓછું ભણેલા કેદીઓ માટે બ્રેઇલ લિપિ અને ઑડિયોબુક્સની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તાજેતરમાં આ કાયદો એટલે ચર્ચામાં છે કે બળવાના આરોપમાં 27 વર્ષની સજા કાપી રહેલા બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ જૈર બોલ્સોનારોએ પણ સુપ્રીમ કોર્ટ સમક્ષ આ યોજના અન્વયે તેમણે જેલમાં વાંચેલ પુસ્તકો બદલ સજા માફીની અરજી કરેલ છે. આ કાયદાનાં પરિણામો અત્યંત આશાસ્પદ રહ્યાં છે. સરકારી આંકડાઓ દર્શાવે છે કે 2021થી વાંચન દ્વારા સજા માફીની અરજીઓમાં સાત ગણો વધારો નોંધાયો છે. એક સર્વેક્ષણ મુજબ, બ્રાઝિલના કેદીઓ હવે દેશના સામાન્ય નાગરિકોની સરેરાશ કરતાં નવ ગણા વધુ પુસ્તકો વાંચી રહ્યા છે. સૌથી મોટી ઉપલબ્ધિ પુનરાવર્તિત ગુનાખોરીમાં થયેલ જબરદસ્ત ઘટાડો છે; સામાન્ય જેલોમાં છૂટ્યા પછી 80% કેદીઓ ફરી ગુનાના માર્ગે વળે છે, જ્યારે આ મોડેલ દ્વારા સંચાલિત જેલોમાં આ દર ઘટીને માત્ર 14% થઈ ગયો છે. બ્રાઝિલમાં ડ્રગ્સના કેસમાં જેલમાં રહેલી એમિલી કહે છે કે વાંચન તેને આ ચાર દીવાલોમાંથી બહાર નીકળીને બીજા લોકો સાથે વાત કરવાની અને પોતાના દીકરા પાસે જલદી પહોંચવાની આશા આપે છે. તે કહે છે કે પુસ્તક વાંચ્યા પછી તેને જીવનનો અર્થ સમજાયો છે. તે જેલમાંથી છૂટી નવું જીવન જીવવા માટે આતુર છે. દુનિયા સાક્ષી છે કે વાલિયામાંથી વાલ્મીકિકરણની પ્રક્રિયા માટે માત્ર એક ઝબકારો જ જરૂરી છે. જો એ ઝબકારો યોગ્ય સમયે થાય તો માણસને યુદ્ધથી બુદ્ધનાં માર્ગે જતા જરાય વાર નથી લાગતી. જેલોનાં એનક કેદીઓ જેલમાંથી છૂટ્યા પછી જગતની મહાન વ્યક્તિઓ બની છે. ભારતના મહાન ક્રાંતિકારી ભગત સિંહે લાહોર સેન્ટ્રલ જેલમાં 716 દિવસના કારાવાસ દરમિયાન આશરે ૩૦૦ પુસ્તકો વાંચ્યાં હતાં. પુસ્તકોએ તેમના વૈચારિક ઘડતરમાં અને દેશપ્રેમની ભાવનાને વધુ પ્રબળ બનાવી હતી. મહાત્મા ગાંધીએ તેમના વિવિધ જેલવાસ દરમિયાન લીઓ ટોલ્સટોય, રસ્કિન અને સોક્રેટિસ જેવા વિચારકોનાં પુસ્તકોનો ઊંડો અભ્યાસ કર્યો હતો. આ વાંચનથી જ તેમને સત્યાગ્રહ અને અહિંસા નામના મંત્રો જડ્યા હતા. રંગભેદ સામેની લડતના પ્રણેતા નેલ્સન મંડેલાએ તેમના 27 વર્ષના લાંબા કારાવાસ દરમિયાન અનેક નવલકથાઓ વાંચી હતી. મંડેલાએ એક પ્રવચનમાં કહ્યું હતું, ‘જેલના વાંચને તેમને એક સહિષ્ણુ અને સમાનતાવાદી નેતા બનવાની પ્રેરણા આપી હતી.’ બ્રિટનની પેન્ટોનવિલે જેલમાં રહેલા ઓમર નામના કેદીએ પોતાનું પહેલું પુસ્તક જેલમાં વાંચ્યું હતું. પુસ્તકોને લીધે તેની વિચારસરણીમાં એવો બદલાવ આવ્યો કે આજે તે ‘એનાબ્રાન્ચ પ્લસ’ નામની સંસ્થા ચલાવીને જેલમાંથી છૂટેલા લોકોને રોજગારી માટે તાલીમ આપે છે. આવનારા સમયમાં ભારતમાં પણ આવા પ્રયોગ કરવા રહ્યા! મહારાષ્ટ્ર સરકારે 2019માં આ દિશામાં એક ઐતિહાસિક પગલું ભર્યું છે; જો કોઈ કેદી જેલમાં રહીને સ્નાતક, અનુસ્નાતક કે પીએચ. ડી.ની ડિગ્રી મેળવે છે, તો તેને 90 દિવસની વિશેષ સજા માફી આપવામાં આવે છે. ડિગ્રીની સાથે આ મોડેલ ‘પુસ્તક વાંચન અને સમીક્ષા’ સુધી વિસ્તૃત કરીને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવે, તો તેના અદભુત પરિણામો મળી શકે છે. ‘પ્રિઝન સ્ટેટિસ્ટિક્સ ઇન્ડિયા 2024’ના રિપોર્ટ અનુસાર, ભારતીય જેલોમાં 112.7% જેટલું ઓવરક્રાઉડિંગ છે. આ ઉપરાંત, જેલની વસ્તીમાં 41.6% કેદીઓ 10મા ધોરણથી ઓછું ભણેલા છે તથા 27.7% તો સંપૂર્ણ નિરક્ષર છે. જો વાંચનને સજા માફી સાથે જોડવામાં આવે, તો નિરક્ષર કેદીઓ અક્ષરજ્ઞાન મેળવવા પ્રેરાશે અને જેલોનું ભારણ ઘટશે. અન્ડરટ્રાયલ કેદીઓ કે જેમનું પ્રમાણ 77% છે પણ આ કાર્યક્રમમાં જોડીને જામીન માટે પ્રાથમિકતા આપી શકાય. વાંચનએ વિચારને ઘડે છે અને સારા વિચાર, આચારમાં આવે ત્યારે જ એક સ્વસ્થ અને વિચાર સમૃદ્ધ સમાજનું નિર્માણ શક્ય બને છે. અંતે, જૂનાં કપડાં પહેરીને પણ નવાં પુસ્તકો ખરીદવાં જોઈએ. }
Read Original Article →