માનસ દર્શન:બોધ સત્સંગ છે,ક્રોધ કુસંગ છે

Magazine5/31/2026, 12:35:00 AM
માનસ દર્શન:બોધ સત્સંગ છે,ક્રોધ કુસંગ છે
સત્સંગ અને કુસંગ વિશે થોડો સંવાદ કરીએ. કુસંગ શું છે, સત્સંગ શું છે, એનું થોડું વિશ્લેષણ કરીએ. એક, કામ કુસંગ છે, રામ સત્સંગ છે. હવે કામને કુસંગ કેવી રીતે કહેવાય? રતિવિહીન કામ કુસંગ છે. જે માણસ રતિને પ્રાપ્ત ન કરે અને કામમય રહે તો એ કુસંગ છે. રતિસહ કામ સત્સંગ છે. એટલા માટે ભરત કહે છે, મારે રતિ જોઈએ, કામ નહીં. રતિ એટલે પ્રીતિ. બોધ સત્સંગ છે, ક્રોધ કુસંગ છે. ક્રોધને કારણે કેટલી ખતરનાક ચીજો પેદા થઈ જાય છે! શાસ્ત્રમાં ક્રોધને ચાંડાલ કહ્યો છે. ‘ચાંડાલ’ બહુ જ નિમ્ન શબ્દ છે, પરંતુ બોધ થવો જોઈએ. મારા ક્રોધથી કેટલું બગડી જશે, કેટલા લોકો પરેશાન થઈ જશે, એવો બોધ થાય. બોધ સત્સંગ છે, ક્રોધ કુસંગ છે. છ સમયે ક્રોધ ન કરો. સવારમાં જાગતાં જ ક્રોધ ન કરો. બીજું, નાની-મોટી પૂજા કરતાં હોય તો એ પૂજાના સમયે ક્રોધ ન કરવો. ત્રીજું, ઘેરથી બહાર જાઓ ત્યારે ક્રોધ કરીને ઘેરથી બહાર ન જાઓ. ચોથું, પછી ઘરમાં આવો ત્યારે ક્રોધ લઈને ન આવો. પાંચમું, ભોજન કરતી વખતે ક્રોધ ન કરો અને છઠ્ઠું, સૂતી વખતે ક્રોધ કરીને ન સૂવું. તો ક્રોધ છે ચાંડાલ કુસંગ અને બોધ છે પરમ પાવન સત્સંગ. લોભ છે કુસંગ, ક્ષોભ છે સત્સંગ. લોભીને ક્ષોભ હોવો જોઈએ. મદ કુસંગ છે. કોઈ પદ મળી જાય, મોટો ખિતાબ મળી જાય, આખી દુનિયા જયજયકાર કરતી હોય ત્યારે એનો મદ ન કરવો. અભિમાન આવે તો કોઈના પદનું સ્મરણ કરવું એ સત્સંગ છે. મોહ જાગે, મૂઢતા જાગે એ કુસંગ છે. મોહ રાત્રિ છે, અંધારું છે. મોહ સમસ્ત વિકારોનું મૂળ છે પરંતુ મોહની દિશા બદલો. કામ જો પ્રેમ વિનાનો એકલો હોય તો એ કુસંગ છે, રામ સાથે હોય તો સત્સંગ છે. ક્રોધ ચાંડાલ છે, બોધ આવી જાય તો સત્સંગ છે. મદ છે કુસંગ પરંતુ કોઈના પદ, કોઈની શરણાગતિ એ સત્સંગ છે. મત્સર છે કુસંગ પરંતુ એ સમયે આપણે કંઈ નથી, મચ્છર સમાન પણ નથી, એવી સમજણ આવે તો એ થઈ ગયો સત્સંગ. સો જાનબ સતસંગ પ્રભાઊ, લોકહું બેદ ન આન ઉપાઊ. બિનુ સતસંગ બિબેક ન હોઈ, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. આપણે સંસારી છીએ, આપણા માટે સરળમાં સરળ સત્સંગ શું છે? પારિવારિક સત્સંગની વાત કરીએ તો પહેલો સત્સંગ છે માનો સત્સંગ. ‘માનસ’માં માનો સત્સંગ કોણે કર્યો? લક્ષ્મણે. જ્યારે એ વનની આજ્ઞા લેવા ગયા ત્યારે માએ સત્સંગ કર્યો. માએ કહ્યું, બેટા, જાઓ, વનમાં જાઓ. મા કહે છે, સીતા-રામ વનમાં જાય છે તો અયોધ્યામાં તારું કોઈ કામ નથી. આ સત્સંગ છે. કૌશલ્યાનો સત્સંગ- ‘જૌં પિતુ માતુ કહેઉ બન જાના. તૌ કાનન સત અવધ સમાના.’ પિતૃ-બાપનો સત્સંગ. બાપ આપણા કલ્યાણની વાત કહે છે. બાપ ઉંમરલાયક છે, એનું ચિત્ત થોડું જૂનું છે, એ સમયે પણ બાપની વાતો સાંભળો એ બાપનો સત્સંગ થઈ જશે. પ્રેમને કારણે બાળકો સાંભળતાં નહોતાં પરંતુ આખરે પિતાનો સત્સંગ પ્રતાપભાનુ અને પ્રિયવ્રતને સાંભળવો પડ્યો કે હું વૃદ્ધ થઈ ગયો છું, હવે હું જઉં. ત્રીજો સત્સંગ પુત્રનો. દીકરા સાથે પણ આપણે સત્સંગ કરી શકીએ છીએ. ‘ભાગવત’માં દેવહૂતિએ પુત્રનો સત્સંગ કર્યો. કપિલ ભગવાન પુત્ર છે. પછી ભાઈનો સત્સંગ; લક્ષ્મણજી પ્રશ્ન પૂછે છે, રામ જવાબ આપે છે. પત્નીનો સત્સંગ; મંદોદરીએ રાવણનો સત્સંગ કર્યો. પતિનો સત્સંગ; ભગવાન રામે જાનકી સાથે સત્સંગ કર્યો. અહંકાર ત્યજીને શુભ અને સત્ય જ્યાંથી મળે એનો સ્વીકાર કરો એ બધો સત્સંગ છે. એકવાર રામરાજ્ય બાદ સનતકુમાર અયોધ્યા આવ્યા. એમને કહ્યું, હે સંત, આપ આવ્યા, આપનાં દર્શનથી પાપ ખતમ થાય છે. દુર્લભ છે સત્સંગ. આપને કારણે મારે ભવભંગ થઈ ગયો. તો પ્રભુ સ્વયં સત્સંગનો મહિમા ગાય છે. છે એ સાધુ છે. પ્રભુ કહે છે, હે ભરત, જેનામાં આવાં લક્ષણો હોય એને તું સંત સમજજે અને એવા કોઈ સંત મળી જાય તો એનો સંગ કરવો.
Read Original Article →