અસ્તિત્વની અટારીએથી:પહાડો જીવનનાં મહાકાવ્યો છે
ભાગ્યેશ જહા ફરી પાછો પહાડો વચ્ચે એમ લખું છું ત્યારે માત્ર ભૌતિક શરીર લઇને ફરીથી પહાડો વચ્ચે જાઉં છું, એવી માનવાની ઉતાવળ કરવા જેવી નથી. પરંતુ પહાડો પર જવું ગમે છે, એટલે ક્યારેક સ-શરીર તો ક્યારેક મનોમન પહાડોમાં પહોંચી જવાય છે. ઘણીબધી વાર કોઇ પુસ્તક પણ પહાડોમાં લઇ જાય છે અને અવનવી સૃષ્ટિનો પ્રવાસ થયા કરે છે.
પહાડો એટલે બધા જ પહાડો. પાડોશમાં ઊભેલો આબુનો પર્વત, જેને હું ગુજરાતનું ધાબું કહું છું કે વાદળની પાઘડી પહેરીને બેઠેલું સાપુતારા અથવા તો નરસિંહની ગહનવાણીના ગુંબજ જેવો ગિરનાર તો ખરો જ! પણ શ્રીકૃષ્ણ જેને પોતાની વિભૂતિ ગણાવે છે એ હિમાલયનું મારા મનમાં એક વિશિષ્ટ સ્થાન છે.
આજે જ્યારે હું એમ કહું છું કે ફરીથી પહાડો વચ્ચે પહોંચ્યો છું ત્યારે હમણાં શિમલામાં ત્રણ દિવસ રહ્યો અને પર્વતોના સાંનિધ્ય ની જે મજા આવી એની આજે વાત કરવી છે. આ પહાડો દર વખતે કશુંક બોલે છે, કંઇક ખોલે છે. એના ભૌગોલિક અર્થ ઓગળી જાય પછી જે જડે છે એ હિમાલય છે.
ચંડીગઢથી શિમલા જવાનું હવે વધું સગવડભર્યું બન્યું છે. રસ્તા સારા અને પહોળા બન્યા છે. અડધા પોણા કલાકમાં તો પહાડો દેખાવા માંડે છે અને આપણે એ સાવ અલગ દુનિયામાં પ્રવેશીએ છીએ. રસ્તામાં એક ‘ધર્મશાલા’ નામની જગા આવે છે ત્યાં એક રેસ્ટોરાંમાં જમવા ગયા. સારું લાગ્યું. હવે અહીં યુવતીઓ વેઇટર બની છે, સરસ યુનિફૉર્મ પહેર્યો છે, આ એક ફેરફાર હતો, તેમને બધી ફાઇવસ્ટારની રીતરસમ શીખવવામાં આવી છે. બહુ તાલીમ અને મહેનત પછી પણ એ લોકો પહાડી નિર્દોષતા ભૂંસી નથી શક્યા. કૃત્રિમતા પ્રવેશી નથી શકી, એ જોયું, પછી મેં પહાડો સામે જોયું. અદૃશ્ય સ્મિતની આપ-લે થઇ. આ પહાડોનો પહાડી પહેરો છે, કશું બહુ જલદીથી બદલી શકાતું નથી.
પહાડોના ખભે ઊછળવું એ ખરેખર ‘મોટા’ થવાની ક્રિયા છે. મજબૂત શરીરમાં નિર્દોષ અને સ્વચ્છ હૃદય લઇને ફરતો માણસ સામે ઊભેલા દેવદારના વૃક્ષ જેટલો જ પવિત્ર હોય છે. એક અદભુત દૃશ્ય જોવા મળ્યું, સૂર્યાસ્ત સમયે સૂર્ય અને ચંદ્ર બંને હાજર હોય. શિવાલિકની પર્વતમાળામાંથી શબ્દો વિના એક આરતી સંભળાયા કરે. થોડીવાર માટે સ્થળ-સમયનું ભાન ઓગળી જાય એવી એ ક્ષણોને જોઇને ભાષા પણ પાછી ફરે! આવી અખંડ આનંદની ધારા હોય ત્યારે ‘હોવાપણા’નો ઓચ્છવ હોય છે, અસ્તિત્વની વિશાળ અટારીએ!
અહીં અમે વાઇસરૉયના મહાલયમાં આવેલી એક ભૂતસીડી જોઇ. કોઇ હોરર ફિલ્મમાં હોય તેવી, કટાયેલી, તૂટેલી, સમયના તપખીરિયા રંગના ડાઘ, તૂટેલા કઠેડા જેવા નિરાધાર લોખંડના સ્ટ્રકચરમાં નામશેષ થઇ ગયેલા બ્રિટિશ અવાજોની કરચો જેવી ઘરડી જાળી, ચૉકી કરતાં જ ઢળી પડ્યો હોય એવા ખડતલ જવાનના બૂટના હોય એવા બે ખીલા. પાતળું બિહામણું અંધારું.
અમારી સાથે આવેલી એશિયાની સૌથી યુવાન પીએચ. ડી. ધારી આદ્યા દિક્ષિત! ‘અંકલ, તમે ઊતરી શકો તો જ ઊતરીએ !’
ચોક્કસ. કહીને ઊતર્યા. બહુ મજા આવી, પહાડ પર આવેલા કોઇ રાજમહેલના અંધારા ખૂણેથી બીજી તરફ પથરાયેલા શિમલાને જોવાનો વૈભવ અલગ જ ઊંચાઇનો હોય છે. પછી પાછા ફર્યા. રાત્રે બીજા નંબરની સૌથી ઊંચી ચોટી પરથી શિમલા જોયું. સાત પહાડોમાં વેરાયેલા અજવાળાના સરોવરનું નામ શિમલા. ક્યારેક એમ લાગે કે ઉપરનું તારાખચિત આકાશનું પ્રતિબિંબ ઝિલાય છે તો ક્યારેક લાગે કે એક કાળી રજાઇને અજવાળાના બખિયા લીધા છે ! જોઇએ તો લાગે કે માણસે શોધેલી વીજળીના દીવા જાણે કે કુદરતી લાગવા માટે આતુર છે! કોઇ હોટેલની ઝાકમઝોળ લાઈટો જોઇએ તો લાગે કે કોઇ રાજકુમારી અહીં અજવાળાની ઢગલીઓ કરીને રમતી હશે અને ઊંઘ આવતાં બધી ઢગલીઓ એમ ને એમ મૂકીને ચાલી ગઇ છે.
આ પહાડોના આવા કઠિન કહી શકાય એવા માહોલમાં પણ જીવસૃષ્ટિના આનંદ ઉદગારો પ્રેરણા આપે એવા છે, એનર્જી મળી જાય એવા છે. અમે કોઇ ઢોળાવ ચઢતા હતા. ત્યાં એક વૃક્ષની બખોલમાં એક ચકલીનો માળો જોયો. એમ થાય, પે’લી એક દાણાની વાર્તાવાળી ચકલી કેવું અગત્યનું જીવનગીત ગાઇ રહી છે. એક મુઠ્ઠીમાં આવી જાય એવી ચકલી જીવનના કેવા સંઘર્ષ વચ્ચે ગીત ગાઇ રહી છે. સ્વરચિત ગીતની પંક્તિ છે: ‘ચકલી ભંડાર જેવું ખોલતી…’. વેકેશનની જાણે એક વ્યાખ્યા કહેતી હોય એમ ચકલી કહેતી હતી, ‘વેકેશનને ભૂલી જાવ, લોકેશનમાં ઝૂલી જાવ.’ આ પહાડોની જીવનદીક્ષા અદભુત હોય છે.
જો તમે મનમાં શિવસંકલ્પ બનીને હિમાલયને નહીં જુઓ તો હિમાલયને ભારતીયતાથી પામવાની મજા નહીં આવે. હિમાલય જ્યારે એક મોટું શિવાલય બની જાય છે ત્યારે એના અનેક અર્થો મનમસ્તિષ્કને તરબતર કરી દે છે. આ પહાડો જીવનનાં મહાકાવ્યો છે, આ પહાડ ખળખળ થતાં ઝરણાંની સંગીતશાળા છે, આ પહાડ કોઇ સમાધિસ્થ ઋષિની જેમ પ્રેરણા આપી શકે એમ છે. એ આકાશ સાથે વાત કરતા આપણા પૂર્વજો લાગે છે. દેવદારના વૃક્ષમાંથી આવતો પવન જાણે ‘ફરી આવજો’ એમ બોલી રહ્યો છે! }
Read Original Article →