અક્ષરનો અજવાસ:અવધૂત ઝાળજટાળો, રે આવ્યો કાળ ઉનાળો…

Magazine5/31/2026, 12:35:00 AM
અક્ષરનો અજવાસ:અવધૂત ઝાળજટાળો, રે આવ્યો કાળ ઉનાળો…
જયેન્દ્રસિંહ જાદવ રે આવ્યો કાળ ઉનાળો અવની અખાડે, અંગ ઉઘાડે, અવધૂત ઝાળજટાળો. એના શ્વાસે શ્વાસે સળગે ધરતી કેરી કાયા; એને પગલે પગલે ઢળતા પ્રલય તણા પડછાયા. ભરતો ભૈરવ ફાળો. - રે આવ્યો જયંત પાઠકની આ કવિતામાં આવતા પ્રલય તણા પડછાયાની આજે અનુભૂતિ થાય છે. કેટલાકને મન ઉનાળો એટલે બપોરની ઊંઘ તો કેટલાકને મન ACનું સામ્રાજ્ય. ઉનાળાનો વિસ્તાર આપણી કલ્પના પૂરી થાય ત્યાંથી શરૂ થાય છે. કદાચ બારેય ગુજરાતી મહિનાના નામ કોઇને મોઢે ના પણ હોય, પણ ઉનાળો એટલે ‘ચૈત્ર-વૈશાખના ઉના વાયરા’ એવું સૌના જીભે આવે. હવા હવામાં આવીને જ્યારે ગરમ થઈ જાય છે ત્યારે તે હવા બળબળતી લૂ બને છે. જેનું આગમન આપણી સહનશક્તિને કસોટીની એરણે ચડાવે છે. કવિ રા. વિ. પાઠકની કવિતા ‘વૈશાખનો બપોર.’કાવ્ય ખૂબ લાંબુ છે પણ એ 90 લીટીના કાવ્યમાં પણ વૈશાખના બપોરના ચિત્રણ સાથે સરાણિયાની વાત પણ આવે છે. સરાણિયા સૂડી-ચપ્પાને ધાર કાઢી આપે. બહુ નજીવા ખર્ચમાં એ હોમ સર્વિસ આપે છે. અમારા ગામમાં આવી વૈશાખી બપોરે સરાણિયા આવતા. મારી બા ચપ્પાની ધાર સજાવવા એને બોલાવે. એ ઓસરીમાં બેસે એટલે પૂછે કે ‘ભાઈ રોટલો ને શાક સે દઉં?’ પેલો ડોકું ધુણાવી ને હા પાડે. એટલે બા એને માટીના રામપાતરમાં રોટલો અને શાક આપે, ભેળી છાસ અને ડુંગળીનો દડો પણ હોય; સરાણિયો તૃપ્ત થઈને ચપ્પા વધુ જીવ રેડી સજી આપે. નવી પેઢીને આ સરાણિયા એટલે શું તેની ભાગ્યે જ ખબર હશે. આજે તો સરાણિયા નથી એટલે આપણી બુઠ્ઠી થઈ ગયેલી સંવેદનાને ધાર કોણ કાઢી આપે એ પ્રશ્ન છે. પહેલાંનો સમય એટલે ઉનાળાના દિવસોમાં ગામમાં આવતી નાટકમંડળી અને હરખભેર બે કલાક પહેલાં ગોઠવાઈ જતો બાળ શ્રોતાગણ. ગામમાં તુરી અને ભવાઈ મંડળીઓ આવતી અને રાત્રે ધૂળમાં બેસીને ખુલ્લા આકાશ નીચે મોડી રાત સુધી એમના ખેલો જોવાની નિર્દોષ મજા સૌ લૂંટતા. રાતાચોળપણું અને પીળીપચરકતા પ્રકૃતિનું યશોગાન છે અને ગમે તેવી તકલીફોમાં ટકી રહેવાની બલ્કે, ખીલતા રહેવાની સૌથી મોટી પ્રેરણા છે. જેમ ગરમી વધુ પડે છે તેમ ગરમીમાં ગરમાળો અને ગુલમહોરનાં ફૂલો વધુ ઝૂલે છે, નખરાળાં બને છે. ગુલમહોરના લાલચટ્ટક-કેસરી ફૂલોની આભા તડકામાં પણ આપણને તાળી આપી જાય છે. ત્યારે ગરમાળાનાં પીળચટ્ટા ફૂલો વધુ પ્રેમાળ બની વાતાવરણને મનમોહક અને કલરફૂલ બનાવે છે. ગમે તેવી ગરમીમાં ગુલમહોરની જેમ ખીલેલો રહે તેને જ સાચો મરમી કહેવાય. લેખિકા અને લાઈફસ્ટાઈલ કોચ હિરલ નાગડા કહે છે કે ‘When you walk in the fire, you start becoming fire proof.’ નંદકુમાર પાઠકે લખેલું અને દિગ્ગજ સ્વરકાર દિલીપ ધોળકિયાએ સ્વરબદ્ધ કરેલું અમર ગીત વૈશાખી વાયરાની નમણી છેડછાડ ઉઘાડી પાડે છે... તારો છેડલો તું માથે રાખને જરા આ તો ચૈતર વૈશાખના વાયરા તારી વેણીની મ્હેક જાશે ઊડી આ તો ચૈતર વૈશાખના વાયરા હતાશા અને લાચારીમાં જેણે વર્ષોનાં વર્ષો વિતાવ્યાં તે વિન્સેન્ટ વાન ગોઘને ગરમી અત્યંત પ્રિય હતી અને પીળા રંગનો તે પાગલ-દીવાનો હતો. નેધરલેન્ડથી તેના ભાઈ થિયોની મદદથી તે કળાનગરી ફ્રાન્સ ગયો ત્યાં તેણે સૂર્યથી ઊકળતા રહેતા આર્લ્સ નામના શહેરને જ પસંદ કર્યું. વિન્સેન્ટ રોજ તેની ઈઝલ અને રંગો લઈને ખેતરો અને શેરીઓમાં સૂર્યને ચિતરતો રહેતો. વાન ગોઘના આ પીળાં રંગે તેને સૂર્યની માફક અમર કરી દીધો અને આજે પણ આર્લ્સની ગરમીમાં ઊકળતાં તેનાં પેઈન્ટિંગ- બેડરૂમ ઈન આર્લ્સ, યલો હાઉસ, સ્ટીલ લાઈફ, ફાર્મ હાઉસ ઈન પ્રોવેન્સ, ગ્રીન વહી ફિલ્ડ, ધ સ્ટારી નાઈટ અને વાઝ વિથ ફિફ્ટીન સન ફ્લાવર્સ પૂરા કલાજગતમાં શિરમોર ગણાય છે. વિદ્યાર્થી કાળમાં ઉનાળો એટલે ગમતો કે ઉનાળામાં લાંબુ વેકેશન હોય. છેલ્લું પેપર પૂરું થતાની સાથે જ મસ્તીનો મહાસાગર હિલ્લોળા લેવા લાગે. મામાના ઘરની ધીંગામસ્તી હવે તો માત્ર વાર્તામાં જ સાંભળીએ છીએ. એ બાળપણના સોનેમઢેલા દિવસોના મોલ કે તોલ થઇ શકે નહીં. સુરેશ જોશી કહે છે તેમ ‘બાળપણને હવે ક્યાંક સંગોપીને રાખવું પડશે. નહીં તો શાણપણ એને વટાવી ખાશે. ઉડપંખ ઘોડો ને પેલી રાજકુંવરીનો સોનેરી વાળ બજારમાં વેચવા નીકળશે. એ બાળપણને ક્યાં સંતાડીશું? શુક્લ પક્ષના ત્રીજ ચોથના ચંદ્રના ચીંદરડામાં વીંટાળીને એને સાચવી રાખીશું?’ વેકેશનના સ્ટેશન પર નવી તાજગી મળે છે, જેની સામે બધાં હિલસ્ટેશન પાંખાં લાગે. વેકેશન વિદ્યાર્થીઓનું પડે છે તો વેકેશનમાં શું કરવું એ બાળકોને જ નક્કી કરવા દેવું જોઈએ. ઈતર પ્રવૃત્તિને વિસ્તારવાનો ઉત્તમ સમય. શોખને પૂરો કરવા માટેની ઉત્તમ ક્ષણો. પાઠ્યપુસ્તક બહારની એક નવી દુનિયા રાહ જોતી હોય છે. એ દુનિયા જીવનના ભણતરનો એક ભાગ છે. ઈશ્વર ભલે કોઈ દિવસ વેકેશન નથી લેતા પણ એનેય આ અજંપો તો હશે જ. આજનો 5G બાળક જાડેજાને ક્રિકેટ શીખવે એવો છે. આગળના વર્ષના ભણતરનો બોજ આપી બાળકનું વેકેશન છીનવી ન લેતા. ઝરણાંની જેમ એને સહજ-સરળ રીતે વહેવા દેજો. અંતે, બચ્ચોં કે છોટે હાથોં કો ચાઁદ સિતારે છૂને દો ચાર કિતાબેં પઢ કર યે ભી હમ જૈસે હો જાએઁગે - નિદા ફાઝલી }
Read Original Article →