દેશી ઓઠાં:ભલો ભૂખડ

Magazine5/10/2026, 12:50:00 AM
દેશી ઓઠાં:ભલો ભૂખડ
લાભકુંવરબા બારોટના પુત્ર અરવિંદ બારોટ ભગવાનના ઘરના વાડામાં ઘટાટોપ બોરડી હોય, અને ઈ બોરડીમાં લૂંબોઝૂંબો બોર આવ્યાં હોય, ને એમાંથી એક ટબ્બા જેવું પાકલ બોર ટપ દઈને ખરી પડ્યું હોય, એવું ટબ્બા જેવું ગામ કેરાળા. ઝાંપે જઈને પૂછો કે ભલાનું ઘર ક્યાં? તો સામે વાળો તરત પૂછે કે, ‘કયો ભલો? ભલો ભૂખડ કે ભલો ભરાડી?’ તમે કે’શો કે ઈ તો ખબર નથી, પણ સીધો સાદો માણહ છે. ‘તો ઈ ભલો ભૂખડ… ઝાંપેથી નાકની ડાંડીએ હાલ્યા જાવ એટલે ગામને બીજે છેડે ડેલી વગરનું જે ખોરડું આવે ઇ ઘર ભલા ભૂખડનું.’ આમ જુઓ તો ભલો સાવ ભગવાનનું માણહ. દુન્યાની કાંઈ ગતાગમ નઈ. કોઈને નડે નઈ. બસ, એક જ વાતે ઈ થોડોક અળખામણો. એની ભૂખ ભીમ જેવી. એને ખાવા બહુ જોવે. ટંકે ચાર રોટલા ઉલાળી જાય. રોટલાય પાછા ગાડાનાં પૈડાં જેવા. અને ભેગી બે તાંહળી કઢી તો ખરી જ. એની ઘરવાળી ભદુ એને સાચવી લ્યે. પોતે ભલે અડધી ભૂખી ર્યે, પણ ભલાને પેટ ભરીને ખવડાવે. ભલાનું ખોરડું આમ પેલેથી દૂબળું. એટલે સારું શાક પણ કો’ક દી’ જ મળે. મીઠો કોળિયો તો કો’કના ઘરનું નોતરું હોય તઈં મળે. ઘણી વાર તો કો’કને આંગણે જમણવાર હોય તો ભલો વગર નોતરે પોગી જાતો. ભડકા જેવી ભૂખને લીધે જ એની છાપ પડી ગઈ: ભલો ભૂખડ. એક વાર એવું બન્યું કે વરસાદે દગો દીધો. ને વરહ મોળું થ્યું. ગામમાં ક્યાંય જમણવાર થ્યા નઈ. ભલાને ગળપણ ખાવાનું મન થ્યું. વશ્યાર કર્યો કે બાળપણનો ભેરુ ખુશાલ શે’રમાં છે. એને સુખ-સાયબી છે. ન્યાં જાઉં તો અઠવાડિયું ખાવા-પીવાના ધુબાકા થાય. ભદુને કહીને ઊપડ્યો. શે’રમાં પૂગ્યો. ખુશાલ તો નાનપણના ભાઈબંધને ભાળીને રાજી થઈ ગ્યો. બથ ભરીને મળ્યો. નાનપણનાં સંભારણાં વાગોળ્યાં. ગામની ઘણી વાતું કરી. બપોરે ખુશાલે એની ઘરવાળીને કીધું: ‘ગામડાના માણસને આચરકુચર નો ભાવે. સાદું ખાવું, સાદું પે’રવું ને સાદું જીવવું- ઈ જ ગામડાની મજા છે અને મારો ભાઈબંધ તો સાવ સાદો. એટલે કઢી ને રોટલા બનાવજે. ઈ બા’ને મનેય જલસો પડશે.’ જમવા ટાણે થાળી પીરસાણી. વાટકામાં કઢી ભાળીને ભલો બબડ્યો: ‘કઢી રે કઢી! મારી પેલાં આંય પૂંગી ગઈ?’ ભલાને એમ કે વાળુમાં જમાવટ હશે. પણ વાળુમાંય કઢી- ખીચડી. બીજે દી’ કઢી… કઢી ને કઢી ! ત્રણ ટાણાં કઢી-રોટલા ખાઈને ભલો કંટાળ્યો. છેવટે ગામનો મારગ લીધો. ઘેર પૂગતાં જ નિહાકો નાખ્યો. ભલાની કઠણાઈની વાત સાંભળીને ભદુએ તે દી’ ફળી ઘી નાખીને ભલાને ગળી કઢી ખવડાવી.
Read Original Article →