સ્ટ્રેઇટ ડ્રાઇવ:પ્રેરણાનું પોસ્ટર
અપૂર્વ ભટ્ટ
વાત 1976ની છે. શ્રીલંકાના કોલમ્બોની આનંદ સ્કૂલમાં 14 વર્ષનો કિશોર અભ્યાસ કરી રહ્યો હતો. અભ્યાસ ઉપરાંત સ્પોર્ટ્સમાં પણ કિશોરને ખૂબ રુચિ હતી. એક વખત સ્કૂલની લાઇબ્રેરીમાં આ કિશોરને એક સામયિક જોવા મળ્યું. સામયિક ‘સ્પોર્ટ્સ સ્ટાર’ હતું. તે ચેન્નાઇથી પ્રકાશિત થતું હતું.
આ સામયિકના મુખપૃષ્ઠ પર એક તસવીર જોઈને કિશોર વિસ્મય પામ્યો. તસવીર 1975માં પ્રથમ ક્રિકેટ વર્લ્ડ કપ જીતેલા વેસ્ટ ઇન્ડિઝના કપ્તાન કલાઈવ લોઈડની હતી. તેમણે પ્રુડેન્શિયલ ટ્રોફી જીતીને પ્રખ્યાત લોર્ડ્સ ક્રિકેટ મેદાનની બાલ્કનીમાં જીતેલો કપ હાથમાં પકડીને ફોટો પડાવ્યો હતો.
કિશોરને આ તસવીર ખૂબ ગમી ગઈ. પોતાના શિક્ષકની રજા લઇ આ મેગેઝિન દફતરમાં ઘરે લેતા આવ્યા. ઘરે હોમ વર્ક કરાવવા માટે થેલો ચેક કરતાં માતાને આ મેગેઝિન મળ્યું. પુત્રના ક્રિકેટપ્રેમથી વાકેફ માતાએ આ તસવીર કાપીને તેના કબાટના બારણાં પર લગાવી દીધી.
બીજે દિવસે સવારે કિશોરે આ તસવીર જોઈ ખૂબ પ્રસન્ન થયો. પોતાની માતા (જેઓ પણ શિક્ષક હતા)ને કહ્યું, ‘જોજે, એક દિવસ હું પણ આપણા દેશ માટે આવી રીતે વર્લ્ડ કપ જીતી ફોટો પડાવીશ. બાળ માનસની જાણકાર માતાએ પુત્રનું સ્વપ્ન પૂરું કરવા ખૂબ પ્રોત્સાહન પૂરું પાડ્યું. યુવકને રોજ રાત્રે સૂતા પહેલાં આ તસવીર સામે એક મિનિટ ઊભા રહી જોવા કહ્યું. આ રીતે યુવાનના માનસ પર ભવિષ્યના સ્વપ્નનું બીજ રોપાઈ ગયું.
પછી તો આ કિશોરે યુવાવસ્થામાં બહુ ઝડપથી શ્રીલંકાની અંડર 20 ટીમમા પ્રવેશ પામી ભારત અંડર 20 ટીમ સામે પોતાની પ્રથમ મેચમાં જ શતક બનાવી દીધું. ફળસ્વરૂપ તેને શ્રીલંકાની ટેસ્ટ ટીમમાં 18 વર્ષની ઉંમરે ટેસ્ટ કેપ મળી ગઈ.
આગળ જતાં આ યુવાન શ્રીલંકાનો કપ્તાન બન્યો અને 1996ના વર્લ્ડ કપમાં શ્રીલંકાને ફાઇનલ સુધી પહોંચાડ્યું. ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમ સામે શ્રીલંકા સાત વિકેટે જીત્યું. તેમાં આ યુવાને અણનમ 47 રન બનાવ્યા.
યુવાનનું વર્ષો જૂનું સ્વપ્ન સાકાર થયું ત્યારે યોગાનુયોગ જેની તસવીરે તેને આ સ્વપ્ન જોવા પ્રેરિત કર્યો હતો તે દિગ્ગજ કેપ્તન ક્લાઈવ લોઈડ પણ મેદાન પર મેચ રેફરી તરીકે હાજર હતા. યુવાને વિશ્વ કપ લીધા બાદ ક્લાઈવ લોઇડને આખી વાત કહી કે મારા આ સાકાર સ્વપ્નની પ્રેરણા તમારી તસવીર છે. લોઈડની આંખમાં આંસુ આવી ગયાં અને આ યુવાનને ભેટી શાબાશી આપી. ઓળખ્યો આ સ્વપ્નદૃષ્ટા યુવાનને? આ યુવાન એટલે શ્રીલંકાના વિશ્વ કપ વિજેતા મહાન ક્રિકેટર અર્જુન રણતુંગા.
Read Original Article →