મરક મરક:સ્માર્ટફોનને બદલે એક મહિનો સાદો મોબાઈલ ફોન વાપરવાની ‘ચેલેન્જ’

Magazine5/17/2026, 12:35:00 AM
મરક મરક:સ્માર્ટફોનને બદલે એક મહિનો સાદો મોબાઈલ ફોન વાપરવાની ‘ચેલેન્જ’
ધ્રુવ બોરીસાગર માણસ-માણસ વચ્ચે અપાતા હોંકારા-પડકારા તો હવે ઇતિહાસની ચોપડીનાં બે પૂંઠાં વચ્ચે ગૂંગળાઈને મરી ગયા છે, કારણકે હવે ખમીરવંતા શૂરવીરો પરણી ગયા છે અને એમનું ખમીર ખમીસનાં બટન ટાંકવા પૂરતું સીમિત રહી ગયું છે! પણ આજે કોઈ વિશેષ કાર્ય માટે એકબીજાને ‘Chalange’ એટલે કે પડકાર ફેંકવાની ફેશન ચાલે છે. (ઓફ કૉર્સ, ‘માણસ થઈને બતાવ’ એ સિવાયના વિશેષ કાર્ય માટે!) માણસનાં ત્રીજા હાથ-પગ, ત્રીજું મગજ અને બીજું હૃદય બનીને મોબાઈલ નામના રમકડાએ માણસને રમકડું બનાવી દીધો છે! આવા સંજોગોમાં સ્માર્ટ મોબાઈલફોનને બદલે એક મહિનો માત્ર વાતચીત થઈ શકે એવો સાદો મોબાઈલ ફોન વાપરવાની ‘Chalange’ આપવામાં આવે છે. જે લોકો પણ આ ચેલેન્જ સ્વીકારશે એનું ‘અબ તેરા ક્યા હોગા કાલિયા?- ગબ્બરે કરેલી કલ્પનાઓ… પડકારના સ્વીકાર અને અમલની વચ્ચે ઉપાડેલા વિચારવાયુ એટલે વિચારોમાં આવેલા આથાને કારણે મોબાઈલ વિનાના મહિના દરમિયાન જો મને કંઈક થઈ ગયું તો? આ વિચારે સૌ પ્રથમ પોતાનું વસિયતનામું તૈયાર કરાવી, પત્નીને બેસાડીને વાંચી સંભળાવશે. હમણાં જ સિંદૂરમાં લગાવવા ખરીદેલી કંકુની દસ ડબ્બીઓનું હું શું કરીશ? સફેદ સાડીમાં પોતે કેવી દેખાશે? એની ચિંતામાં એની પત્ની વાતાવરણને વધારે ગંભીર બનાવી દેશે! મોબાઈલ ન વાપરવાને કારણે સ્વભાવ આવેલા ચેન્જીસને ‘મોબાઇલેરિયા’ કહેવામાં આવશે. પરંતુ, ‘કુછ કુછ હોતા હૈ’માં ‘કયા કયા હોતા હૈ?’નું વર્ણન અશક્ય બનશે! Phantom vibration syndromeની તકલીફ શરૂ થશે. શરીરમાં સોડિયમ ઘટી ગયા પછી વાણી-વર્તનમાં થતા ફેરફાર જેવા ફેરફાર જણાય તો ગભરાવું નહીં! (‘તુમ ઇતના જો મુસ્કુરા રહે હો, ક્યા ગમ હૈ જિસકો છુપા રહે હો…’) એ તો ઠીક પણ ઘરમાં કોઈ દિવસ ધ્યાન ન આપનારને પણ મોબાઈલ પ્રવૃत्ત્તિत्ति નહીં હોય એટલે ઘર કેટલું અસ્તવ્યસ્ત છે! પંખા પર કેટલી ધૂળ જામી ગઈ છે! ખૂણામાં લાગેલા બાવાજાળાં પણ દેખાવા માંડશે? (જ્યાં સુધી બોલશે નહીં ત્યાં સુધી એને પોતાની પત્ની પણ પહેલાં જેટલી જ સુંદર દેખાશે!) પડકાર સ્વીકારનારના ચહેરા ઉપરની રોનક જોઈને લોકો એને પૂછવા માંડશે, ‘યોગ કરો છો? તમારો ચહેરો બહુ ગ્લો કરે છે.’ લોકોનાં રીલ અને સ્ટેટસ જોવાનું બંધ કર્યું એટલે કોણ, ક્યાં, શું કરે છે? ક્યાં ફરી આવ્યા? શું નવું ખરીદ્યું? વગેરેની જાણકારી જ ન થતી હોવાથી બળતરામાં મોટો ઘટાડો થવાથી ચહેરો ગ્લો કરે છે! મોબાઈલના આવ્યા પછી ધર્મ, રાજકારણ અને દુનિયામાં થતાં યુદ્ધનાં કારણોમાં ‘આવું આવું હોય છે?’ની જાણકારી મેળવીને આવતો વૈરાગ અલોપ થઈ જશે અને માણસ પોતાની નાનકડી દુનિયામાં ફરી પાછો સુખી થશે! પરંતુ, સ્માર્ટ ફોન ન હોવાને કારણે એપ દ્વારા ઘરવખરીની વસ્તુઓ, દૂધ-શાક વગેરેની હોમ ડિલિવરી બંધ થઈ જશે. (‘ઘેર બેઠાં ગંગા’) આમ પણ બહેનોને આવેલાં શાકમાં ફ્રી કોથમીર-મરચાં ન આવતાં હોવાથી ગમતું તો નહોતું એટલે પડકાર સ્વીકારનાર માટે ખરીદી કરવાનું કામ વધશે! (આવા પડકાર સ્વીકારવાના ગાંડા પુરુષો જ કાઢે કારણકે લગ્ન સહિતના લીધેલા નિર્ણયની થનારી આડઅસરથી આ ભોળાનાથ અજાણ હોય છે!) મોબાઈલ વિના હાથ ખાલી ખાલી લાગે છે અને એને કારણે હૃદયમાં ખાલીપો અને મગજમાં ખાલી ચડે છે… ‘યે દુનિયા યે મહેફિલ મેરે કામ કી નહીં, અપના પતા મિલે ન ખબર યાર કી મિલે, દુશ્મન કો ભી ન ઐસી સઝા પ્યાર કી મિલે, ઊનકો ખુદા મિલે જિનકો હો ખુદા કી તલાશ, મુજકો બસ એક ઝલક મેરે દિલદાર કી મિલે…’ એ વાત તો સ્વીકારવી જ રહી કે કોરોના જેમને થયો હતો એ લોકો માટે કોરોન્ટાઈન દિવસોમાં સ્માર્ટ મોબાઈલનો સાથ ન હોત તો મૃત્યુદર વધારે હોત અને લોકડાઉનના મહિનાઓમાં મોબાઇલનો સાથ ન હોત તો આખું ઘર વડચકે ઉપડત અને છૂટાછેડાની સંખ્યામાં વધારો થાત! કોઈપણ સ્થિતિમાં માણસ પોતાની જાતને સાંભળી શકે છે પરંતુ, ‘સ્માર્ટ મોબાઈલ ઉપયોગ બંધ’ સ્થિતિમાં માણસ ભાંગી પડશે! મરણવિધિ વખતે મરનારના આત્માની શાંતિ માટે પથારી પર મોબાઈલ રાખવાની વિચારણાં ચાલી રહી છે ત્યારે પડકાર સ્વીકારીને જીવતાજીવ મારવાની જરૂર નથી! આઈસ ક્યૂબ: મૌન રેલીનો અનુભવ કેવો રહ્યો? રેલીમાં પણ ઘર જેવું લાગ્યું! }
Read Original Article →