જીવનના હકારની કવિતા:બાળપણની જાજરમાન વિરાસત

Magazine5/10/2026, 12:50:00 AM
જીવનના હકારની કવિતા:બાળપણની જાજરમાન વિરાસત
જયશ્રીબહેન ત્રિવેદીના પુત્ર અંકિત ત્રિવેદી હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં, લેસન પડતું મૂકી ફિલમ ફિલમ રમવા બેઠાં. મમ્મી પાસે દોરી માગી, પપ્પાની લઈ લૂંગી , પડદો બાંધી અમે બનાવી ફિલમ મૂંગી મૂંગી. દાદાજીનાં ચશ્માંમાંથી કાઢી લીધો કાચ, એનાથી ચાંદરણા પાડ્યાં પડદા ઉપર પાંચ. ચંદુ ફિલમ પાડે ત્યારે જોવા આવું છું, હું ફિલમ પાડું તો જોવા આવે છે ચંદુ. કાતરિયામાં છુપાઈને બિલ્લી બેઠી’તી એક, ઉંદરડીને ભાળી એણે તરત લગાવી ઠેક; ઉંદરડી છટકી ને બિલ્લી ચંદુ ઉપર આવી, બીક લાગતાં ચંદુડિયાએ બૂમાબૂમ જગાવી. દોડમદોડા ઉપર આવી પહોંચ્યાં મમ્મી-પપ્પા; ચંદુડિયાનો કાન આમળ્યો, મને લગાવ્યા ધબ્બા… હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં, ફિલ્મ પડતી મૂકી અમે લેસન કરવા બેઠાં. - રમેશ પારેખ ઉનાળાના વેકેશનમાં લેસન નહોતું અપાતું! આ કવિતામાં લેસનની વાત આવે છે એટલે દીવાળીના વેકેશનનું ગીત લાગે છે! હવે તો સ્કૂલમાં લેસનની પ્રથા જ બંધ થઈ ગઈ છે. કાતરિયાં પણ રહ્યાં નથી. વાસ્તુશાસ્ત્ર માળિયાં ન રાખવાની સલાહ આપે છે. ઘરમાં રહેલી અવાવરું જગ્યા જ્યાં એવો સામાન પડ્યો રહેતો જેનો ખાસ ઉપયોગ ન થતો હોય! ‘કાતરિયા’ નો અર્થ જ હવે વિસરાઇ ગયો છે. ઘરની એ અવાવરું જગ્યા બાળપણમાં બહુ ખપમાં લાગતી! કોઈની અવરજવર ન હોય ત્યાં રમવાની મજા જ જુદી હતી! હજુ પણ મનના ખાલી કાતરિયામાં બાળપણની એ યાદો સચવાયેલી હશે. જ્યાં આપણે ખુદ પોતે પણ જવાનું માંડી વાળીએ છીએ. બાળપણના ખાસ દોસ્તોમાં એક ચંદુ હતો! આજે પણ હશે જ. પણ, વિદેશમાં સેટ થઈ ગયો હશે! ચંદુ નામની કોઈ વ્યક્તિ ન હોય તો પણ કોઈ એકનું નામ ચંદુ પડી જ જતું! એની સાથે ડામચિયામાં (એવી જગ્યા જ્યાં વધારાના ગોદડાં-ગોદડી સચવાતાં) રમવાની મજા જ જુદી હતી! થિયેટરમાં ફિલ્મ જોવા જેવું એ સુખ ગણાતું! ઘરે આવીને દેખાદેખીમાં બિલોરી કાચને સૂર્યપ્રકાશ સામે મૂકીને દીવાલ ઉપર ચાંદરણાં પડાતાં! એ ચાંદરણાં કૃત્રિમ હતાં પણ એમાંથી આવતો આનંદ કુદરતી હતો! દાદાજીનાં ચશ્માંમાંથી કાચ કાઢીને ફિલ્મ બનાવાતી! કાચ પાછો દાદાજી ચશ્માં પહેરે ત્યારે ચશ્માંમાં જ ગોઠવાઈ જતો! કામની રકઝક વચ્ચે મમ્મી પાસે કંઈ પણ માગીએ તો મમ્મી તરત આપી દેતી! પપ્પા હમણાં હમણાંની પેઢીમાં બરમૂડો પહેરતા થયા! પહેલાં તો એમની લુંગીનો ઠાઠ હતો! દાદાજીનાં ચશ્માંનો કાચ, મમ્મી પાસેથી લીધેલી દોરી, પપ્પાની લુંગી અને આપોઆપ ચશ્માંની ધારે પડતો સૂર્યપ્રકાશ! એક પણ ડિવાઇસ અને કોઈનો પણ મોબાઇલ લીધા વગર બાળપણ મોજ કરતું! અવાવરું જગ્યા હોય એટલે બિલાડી પણ હોય જ. આપણને જોઈને આપણી ફિલ્મ પાડવાની ઘટનાને જોઈને બિલાડી પણ ગભરાય જને ! તોય, બિલાડી રોજની જેમ શાંત રહી. આવનારા હમણાં જતાં જ રહેશે એમ સમજીને બાળકોને રમવા દીધાં! પણ... પણ... નાનકડી ઉંદરડી જોઈને બિલાડીથી રહેવાય? ન ઉંદર પકડાયો બિલાડીથી પણ, ચંદુ ગભરાયો બિલાડીથી. એણે બિલાડીના કૂદકાને ખમવાની જગ્યાએ બૂમાબૂમ કરી અને મમ્મી-પપ્પા કાતરિયા સુધી આવ્યાં. તોફાનના પરાક્રમમાં ખલેલ પડી. ચંદુનો કાન આમળ્યો (મચેડ્યો) અને મને પડ્યા ધબ્બા. અંત સુખદ નહોતો! ફિલ્મ તો બાજુમાં રહી પણ વેકેશનમાં લેસન કરવા બેસવું પડ્યું. રમેશ પારેખની આ કવિતાએ બાળપણના એક સમયની વિરાસતને સાચવી છે. ભૂલો કાઢવા કરતાં બાળક બનીને ક્યારેય બાળકો સાથે આવી રીતે ફિલ્મ પાડી છે? તક આપશો તો એ જ બાળક મોબાઇલની જગ્યાએ તમને જ ફરી ફિલ્મ ફિલ્મ રમવાનું કહેશે ! પરેશ ભટ્ટના સ્વરાંકને આ ગીતમાં બાળપણના રંગનો ઉલ્લાસ ભર્યો છે. વેકેશન ઉનાળાનું છે અને લેસન વગરના દિવસો ચાલે છે પણ, સ્મરણને ક્યાં વેકેશન હોય છે.
Read Original Article →