રણમાં ખીલ્યું ગુલાબ:કભી કિસી કો મુકમ્મલ જહાઁ નહીં મિલતા, કહીં ઝમીં કહીં આસમાં નહીં મિલતા...

Magazine5/10/2026, 12:50:00 AM
રણમાં ખીલ્યું ગુલાબ:કભી કિસી કો મુકમ્મલ જહાઁ નહીં મિલતા, કહીં ઝમીં કહીં આસમાં નહીં મિલતા...
અનસૂયાબહેન ઠાકરના પુત્ર ડૉ. શરદ ઠાકર રોજની જેમ આજે પણ સવારના અગિયાર વાગે એક બ્લેક કલરની ચમકતી કાર આવીને એ ચોકની વચોવચ ઊભેલા લીમડાની છાયામાં ઊભી રહી. એક કરોડ, પંચાવન લાખની કિંમતની એ કારમાંથી રોજની જેમ પંચાવન વર્ષનો એક રૂઆબદાર પુરુષ નીચે ઊતર્યો. રોજની જેમ આજે પણ એણે બંધ ગળાનો જોધપુરી સૂટ ધારણ કર્યો હતો. એના માથાના વાળ હજુ સુધી નેચરલ બ્લેક રહ્યા હતા પણ એમાં આગળના ભાગમાં રહેલી સફેદ રંગની એક લટ એ સોહામણા પુરુષના વ્યક્તિત્વને અધિક પ્રભાવશાળી બનાવી મૂકતી હતી. સામેની ફૂટપાથ પર આવેલી ચાની કિટલી પાસે ઊભેલા, આ વિસ્તારથી અજાણ્યા એવા એક પુરુષે ચાવાળા વિનોદને પૂછ્યું, ‘આ ભાઇ કોણ છે?’ વિનોદે સ્ટવ ઉપર ચાની તપેલી તરફ નજર ખોડી રાખીને જવાબ આપ્યો, ‘એ અનિકેતભાઇ શેઠ છે. આ શહેરના મોટા અને જાણીતા બિઝનેસમેન. એવું કહેવાય છે કે શેઠ રોજના પાંચ લાખ રૂપિયા કમાય છે. ટેક્સ ભર્યા પછીનો ચોખ્ખો નફો. દર મહિને નવેસરથી કરોડપતિ બને છે.’ ‘વાહ! ગ્રાહકે મોંમાંથી વખાણ સરકાવ્યા: ‘શેઠજીની પર્સનાલિટી પણ કેવી જોરદાર છે!’ જો અત્યારે આવા દેખાતા હોય તો જુવાનીમાં કેવા લાગતા હશે?’કપમાં ચા રેડતાં વિનોદે હસીને કહ્યું, ‘હું વર્ષોથી એમને ઓળખું છું. મારા બાપા આ જગ્યાએ જ કિટલી ચલાવતા હતા. ત્યારે હું છ-સાત વર્ષનો હોઇશ અને આ શેઠ વીસ-બાવીસના હતા. ત્યારે પણ સારા જ દેખાતા હતા, પણ અત્યારના જેવા નહીં. જ્યારે માણસ પાસે પૈસો આવે છે, ત્યારે એની સાથે બીજું ઘણુંબધું લેતો આવે છે.’ ચાવાળાની વાત હંમેશાં દમદાર અને સાચી હોય છે. વિનોદે છ-સાત વર્ષની ઉંમરે ગાલમાં ખાડાવાળા, સૂકલકડી શરીરવાળા અનિયાને આ જ લીમડા હેઠે ઊભા રહીને ટોળટપ્પાં કરતા જોયો હતો. ત્યારે એનાં પેન્ટ-શર્ટનાં ખિસ્સાં ખાલી હતાં. પછી ધન આવ્યું, અનિયાના ગાલના ખાડામાં ઉત્તમ પોષણની લાપી પુરાતી ગઇ અને ચહેરો ભરાવદાર બનતો ગયો. એનાં ચોળાયેલાં કપડાંની જગ્યાએ કિંમતી વેલ-સ્ટીચ્ડ વસ્ત્રો ગોઠવાઇ ગયાં અને એના વ્યક્તિત્વમાં રૂઆબ ઉમેરાઇ ગયો. એની ગરીબડી આંખો ત્યારે પણ પાણીદાર તો હતી જ પણ સોનેરી ફ્રેમનાં રીમલેસ ચશ્માંએ હવે એ આંખોને પ્રભાવકારી બનાવી દીધી. સાઇકલની જૂની ટ્યૂબમાંથી ફૂટપાથિયા મોચીએ સીવી આપેલાં ફટીચર ચંપલના સ્થાને અત્યારે ચાળીશ હજારના વિદેશી બ્રાન્ડના શૂઝ આવી ગયા પછી અનિયાના પગમાં જગતને જીતી લેવાનું જોમ ભળી ગયું હતું. જુવાની હતી ત્યારે અનિયો જોમવંતો લાગતો હતો, હવે વધતી જતી ઉંમરે એને જાજરમાન બનાવી દીધો હતો. ચાના પૈસા ચૂકવતાં પહેલાં ગ્રાહકે છેલ્લો પણ મુદ્દાનો સવાલ પૂછી લીધો, ‘મને એ સમજાતું નથી કે શેઠ અહીં શું કરી રહ્યા છે. એ કારમાંથી નીચે ઊતર્યા, લીમડા નીચેના ઓટલા પાસે જઇને થોડીવાર ઊભા રહ્યા, સામેના બગીચા તરફ જોઇ રહ્યા, પછી પાછા કારમાં બેસીને રવાના થઇ ગયા. મને એ નથી સમજાતું કે એ શું કરવા માટે અહીં આવ્યા હતા!’ ચાવાળા પાસે પૂરી જાણકારી હતી અને અધકચરી સમજણ હતી, અડધી-પડધી યાદો હતી અને કાચી-પાકી અભિવ્યક્તિ હતી; અનુભવમાંથી લાધેલી વાણીમાં એણે ગ્રાહકને જવાબ આપ્યો, ‘મને લાગે છે કે અનિકેત શેઠ રોજ આ લીમડા નીચે ખોવાયેલો એમનો ભૂતકાળ શોધવા માટે આવે છે. એમની ફાટેલી-તૂટેલી જુવાનીના સમયમાં પણ એક તપખીરી આંખોવાળી છોકરી એમની ઉપર મોહી પડી હતી. બંને પ્રેમીપંખીઓ સામેના બગીચામાં રોજ આ સમયે મળતાં હતાં. પછી અચાનક બંને મળતાં બંધ થઇ ગયાં. શું થયું હશે એ ભગવાન જાણે. મારા બાપા કહેતા’તા કે આ અનિયો ભારે મતલબી નીકળ્યો, એણે પેલી ભોળી છોકરીને…’ ડ્રાઇવરે ગાડી સ્ટાર્ટ કરી, અનિકેત શેઠ ઓઝલ થઇ ગયા. પાછળ રહી ગઇ ધૂળની ડમરી, ધુમાડાનું વાદળ અને ગરમ ચા જેવી ગરમાગરમ વાતો. વાતો કંઇ લોકો જ કરતા હતા એવું થોડું હતું? અનિકેત શેઠ પણ ભૂતકાળના અનિયા જોડે વાત કરતા રહેતા હતા. એમના માટે એમનો અતીત એ અનુમાનનો નહીં, પણ અનુભૂતિનો વિષય હતો. એક-એક દૃશ્ય તેઓ જીવ્યા હતા. એકલા નહીં, આલોપીની સાથે જીવ્યાં હતાં. ‘આલોપી, તું જાણે છેને કે હું ગરીબ ઘરનો દીકરો છું? શા માટે મારા પ્રેમમાં પડી છે?’ દાયકાઓ પહેલાં બગીચાના બાંકડા પર બેસીને અનિયાએ પ્રેમિકાને પૂછ્યું હતું. ‘એ માટેનાં બે કારણો મારી પાસે છે, અનિકેત. એક, હું પણ ક્યાં અમીર બાપની બેટી છું? બીજું કારણ, તું ગરીબ ઘરનો તેજસ્વી દીકરો છે. મને તારી શક્તિ અને આવડત પર અખૂટ વિશ્વાસ છે. તું જમીન પર લાત મારીને એક દિવસ પાણી કાઢીશ.’ આલોપીની આંખોમાં પ્રેમ હતો, અવાજમાં ભરોસો. ‘તારો પ્રેમ મારી શક્તિ બની રહેશે, આલોપી. હું આખી જિંદગી આ હાલતમાં સબડતો રહેવા તૈયાર નથી. મારે ખૂબ ધન કમાવવું છે, મારે આ શહેરમાં મારી જગ્યા બનાવવી છે, મારે એટલા માટે શ્રીમંત થવું છે કે મારા એક ઇશારા પર ધરતી ધ્રૂજે અને આકાશ થરથરે. મારે બાકીની જિંદગી એશોઆરામમાં ગુજારવી છે અને તને પણ જિંદગીનું તમામ સુખ આપવું છે. આ બધું પામવા માટે હું ગમે તે કાર્ય કરવા તૈયાર છું.’ અનિયો બોલતો રહ્યો અને આલોપીની આંખોમાં મેઘધુનષ ખીલતું ગયું. કારમા સંઘર્ષ અને દારુણ ગરીબીના આ દિવસોમાં એક દિવસ શહેરના પ્રતિષ્ઠિત વેપારી કાંતિલાલ શેઠ ત્યાંથી પસાર થયા. ડ્રાઇવર બીમાર હોવાથી શેઠજી પોતે કાર ચલાવી રહ્યા હતા. એક છોકરો ગાડીની અડફેટમાં આવી ગયો. એની ચીસ સાંભળીને ટોળું જમા થઇ ગયું. શેઠજીને મારવા પર ઊતરી આવ્યું. એમના સદભાગ્યે અનિયો ત્યાં હાજર હતો. એ શેઠજીની ઢાલ બનીને વચ્ચે ઊભો રહી ગયો, ‘તમે આ શું કરો છો? મેં જોયું છે કે વાંક શેઠજીનો ન હતો, છોકરો જ જોયા વગર ગાડીના મારગમાં આવી ગયો હતો. શેઠજી ભલા માણસ છે, તેઓ છોકરાની સારવાર કરાવી આપશે. તમારે બધાને કોઇ કામ-ધંધો છે કે નહીં? જાવ, પોતાપોતાના રસ્તે…’ શેઠજી આ જુવાનની હિંમત અને સૂઝબૂઝ જોઇને ખુશ થઇ ગયા. પેલો છોકરો બચી ગયો અને અનિયાનો પણ ઉદ્ધાર થઇ ગયો. શેઠજીએ અનિયાને એમની પાંખમાં લઇ લીધો. એક જ વર્ષમાં કાંતિલાલ શેઠને સમજાઇ ગયું કે અનિયો એ તો અભાવોના કાદવમાં ખીલેલું તેજસ્વિતાનું કમળ છે. અનિયાએ કાંતિલાલ શેઠનો બિઝનેસ બમણો કરી દીધો, શેઠજીએ અનિયાને અનિકેત બનાવી દીધો. ત્રીજા વરસે ત્રીજા હાર્ટ એટેક પછી મૃત્યુ પામતી વખતે કાંતિલાલ શેઠે અનિકેતને કહ્યું, ‘આ મારી એકની એક દીકરી અનંતાનો હાથ તારા હાથમાં સોંપુ છું. એ ખૂબ લાડકોડમાં ઊછરી છે, એટલે જિદ્દી અને ઘમંડી બની ગઇ છે, પણ મને તારી કાબેલિયત ઉપર ભરોસો છે. તું એને સાચવી લેજે.’ અનિયો હવે અનિકેત શેઠ બની ગયો. અનંતાની સાથે સાથે એની અબજોની સંપત્તિનો પણ એ સ્વામી બની ગયો. થોડાં વર્ષો પહેલાં એની આંખોમાં અંજાયેલું સ્વપ્ન એણે ધાર્યું હતું એના કરતાં પણ વધારે સાચું પડી ગયું. બસ! એની જિંદગીમાંથી એક વ્યક્તિની બાદબાકી થઇ ગઇ. આલોપી એ જ લીમડા પાસેના બગીચાના બાંકડા પર રહી ગઇ. આલોપી ક્યાંક કોઇક ગરીબ પુરુષની ઝૂંપડીમાં અજવાળું પાથરતી જીવી રહી છે. અનિકેત રોજ લીમડા નીચે દસ મિનિટ ઊભા રહીને પોતાની બેવફાઇ સાથે વાત કરવા આવી જાય છે. (શીર્ષક પંક્તિ: નિદા ફાઝલી)
Read Original Article →