અપડેટ:બે અક્ષરોએ એક દેશનું ભાગ્ય બદલ્યું!
કંચનબહેન ઉમરેટિયાના પુત્ર કેવલ ઉમરેટિયા
કેરેબિયન સાગરમાં નાનકડો ‘એન્ગુઇલા’ નામનો ટાપુ આવેલો છે. જેની વસ્તી માત્ર 16,000 લોકોની છે. પ્રવાસન અને માછીમારી તેમની આજીવિકાનું મુખ્ય સાધન છે. કોઈએ વિચાર્યું પણ નહોતું કે 1980ના દાયકામાં થયેલી એક સામાન્ય ટેક્નિકલ પ્રક્રિયા આ ટાપુની કિસ્મત બદલી નાખશે. જ્યારે ડોમેન નેમ સિસ્ટમ અમલમાં આવી અને વિવિધ દેશો માટે બે અક્ષરોના કોડ નક્કી થયા, ત્યારે Anguilla ના સ્પેલિંગના શરૂઆતના અક્ષરોને કારણે તેના ભાગમાં .ai આવ્યું. તે સમયે આ વાતનું કોઈ જ મહત્ત્વ નહોતું.
હવે સીધા આપણે 2022ના વર્ષમાં આવીએ. 2022માં ‘ચેટજીપીટી’ના લોન્ચ પછી આખી દુનિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની (AI) ધૂમ મચી ગઈ. દરેક સ્ટાર્ટઅપ, દરેક કંપની ઈચ્છવા લાગી કે તેમની વેબસાઇટના નામમાં ‘.ai’ હોય. ‘એન્ગુઇલા’ની સરકાર પાસે આ ડોમેનનો માલિકી હક છે, તેથી દુનિયાના કોઈપણ ખૂણે બેઠેલો વ્યક્તિ જ્યારે .ai ડોમેન ખરીદે છે, ત્યારે તેની ફીનો એક મોટો ભાગ સીધો ‘એન્ગુઇલા’ સરકારની તિજોરીમાં જાય છે. ભલે તમારું સ્ટાર્ટઅપ ચાલે કે બંધ થાય, બે વર્ષ માટે 11 હજાર રૂપિયા તો આપવા જ પડશે.
વર્ષ 2025 સુધીમાં આ દેશે લગભગ 85 મિલિયન ડોલર (આશરે 800 કરોડ રૂપિયા) છાપી લીધા છે. એક એવો દેશ જેની વસ્તી માત્ર 16,000ની આસપાસ છે, ત્યાં દુનિયાભરની ‘એ. આઇ.’ કંપનીઓના પૈસાથી હવે મોટું એરપોર્ટ બની રહ્યું છે. સાથે જ સ્વાસ્થ્ય અને શિક્ષણ પર બેહિસાબ ખર્ચ થઈ રહ્યો છે. 2022 માં જ્યાં વર્ષના 60 હજાર ડોમેન રજિસ્ટર થતા હતા, ત્યાં 2026માં આ આંકડો 10 લાખ સુધી પહોંચવાની તૈયારીમાં છે. આજે રોજના લગભગ 2,000 નવા .ai ડોમેન રજિસ્ટર થાય છે. perplexity.ai, claude.ai, x.ai, meta.ai, google.ai વગેરે જેવી દુનિયાની સૌથી મોટી એ. આઇ. કંપનીઓ ‘એન્ગુઇલા’ને ફી ચૂકવી રહી છે. બરાબર આવી જ ઘટના આ પહેલા પેસિફિક મહાસાગરમાં આવેલા તુવાલુ ટાપુ સાથે બની ગઇ છે. આ ટાપુને .tv એક્સટેન્શન મળ્યું હતું. જે સ્ટ્રીમિંગના યુગમાં સોનાની ખાણ બની ગયું.
ડોમેન નેમ સિસ્ટમ કોણે બનાવી?
ઇન્ટરનેટના શરૂઆતના દિવસોમાં વેબસાઈટ્સનાં નામ આજનાં જેવાં નહોતાં. કમ્પ્યૂટર માત્ર નંબરોની ભાષા સમજે છે, તેથી દરેક વેબસાઈટનું એક ‘આઈપી એડ્રેસ’ હતું, જેમ કે ગૂગલનું 142.250.190.46. સામાન્ય માણસ માટે આવા અઘરા નંબરો યાદ રાખવા મુશ્કેલ હતા. આ સમસ્યાનો ઉકેલ લાવવા કમ્પ્યુટર વૈજ્ઞાનિક જોન પોસ્ટેલ અને પોલ મોકાપેટ્રિસે ‘ડોમેન નેમ સિસ્ટમ’ (DNS)ની શોધ કરી. DNS એ ઇન્ટરનેટની દુનિયાનો ‘પિનકોડ’ છે. તમે ‘Google.com’ લખો છો અને ઇન્ટરનેટ મિલીસેકન્ડ્સમાં સમજી જાય છે કે તમારે કયા IP એડ્રેસ પર જવાનું છે.
જ્યારે .com નો જન્મ થયો!
ડોમેન નેમ સિસ્ટમને સુવ્યવસ્થિત કરવા માટે તેમણે નામોના અંતમાં કેટલાંક ખાસ એક્સટેન્શન બનાવ્યાં, જેથી વેબસાઈટનો ઉદ્દેશ્ય સ્પષ્ટ થઈ શકે. આ એક્સટેન્શન (ડોમેન) ને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવ્યાં.
1. જેનેરિક ટોપ-લેવલ ડોમેન (gTLD): આ કોઈ ખાસ કામ કે સંસ્થાને દર્શાવતા હતા. શરૂઆતમાં સાત આ પ્રકારનાં મૂળ એક્સટેન્શન હતાં. જેમાં .com (વ્યાપારી), .edu (શિક્ષણ), .gov (સરકાર), .mil (સૈન્ય), .net (નેટવર્ક), .org (સંસ્થા) અને .int (આંતરરાષ્ટ્રીય) નો સમાવેશ થતો હતો.
2. કન્ટ્રી કોડ ટોપ-લેવલ ડોમેન (ccTLD): આ પ્રકારના એક્સટેન્શન દરેક દેશની ઓળખ માટે બનાવવામાં આવ્યા. જેનો નિયમ એકદમ સરળ હતો કે ISO 3166 સ્ટાન્ડર્ડ મુજબ દરેક દેશ માટે બે અક્ષરોનો કોડ. જેમ કે .us (અમેરિકા), .uk (બ્રિટન), .in (ભારત), .de (જર્મની), .jp (જાપાન) અને આવા બીજા સેંકડો કોડ.
1 જાન્યુઆરી 1985ના દિવસે DNS ને સત્તાવાર રીતે લાગુ કરવામાં આવ્યું. જેની સાથે જ .com સહિત સાત મૂળ એક્સટેન્શનનો પણ જન્મ થયો. ઉપરાંત 1985 માં સૌથી પહેલા .us, .uk અને .il (ઇઝરાયેલ) રજિસ્ટર થયાં. ભારતને .in એક્સટેન્શન તો 1989 માં મળ્યું છે.
.com નો આટલો દબદબો શા માટે છે?
આજે સેંકડો એક્સટેન્શન હોવા છતાં લોકોની પહેલી પસંદ .com જ છે. તેનું કારણ છે ‘ફર્સ્ટ મૂવર એડવાન્ટેજ’ (સૌથી પહેલા આવવાનો ફાયદો). 1990 ના દાયકામાં જ્યારે ઇન્ટરનેટનો વ્યાપ વધ્યો, ત્યારે મોટા ભાગની સાઇટ્સે .com અપનાવ્યું. દરેક જાહેરાતમાં .com છવાયેલું રહેતું. લોકોના મગજમાં એ વાત બેસી ગઇ કે વેબસાઇટ એટલે .com. જેમ ટૂથપેસ્ટ એટલે કોલગેટ, તેમ અજાણતા જ લોકો કોઈ પણ કંપનીના નામ પાછળ .com લગાવી દે છે.
ડોમેનનું બજાર: કોણ છે અસલી માલિક?
1998 માં નક્કી થયું કે DNS નું મેનેજમેન્ટ કોઈ એક સરકારના હાથમાં ન રહેવું જોઈએ. આથી ICANN - Internet Corporation for Assigned Names and Numbers નામની ગ્લોબલ નોન-પ્રોફિટ સંસ્થા બનાવવામાં આવી. કયાં નવાં એક્સટેન્શન (જેમ કે .shop, .app) આવશે તે ICANN જ નક્કી કરે છે. આ સંસ્થા કોઈ દેશના નિયંત્રણમાં નથી, છતાં દુનિયાના તમામ ડોમેન તેના નિયમોથી ચાલે છે.
જ્યારે આપણે GoDaddy કે Hostinger જેવી વેબસાઇટ પરથી ડોમેન ખરીદીએ છીએ, તો શું એ ડોમેન આ કંપનીઓનું હોય છે? આપણે પૈસા નામ માટે આપીએ છીએ કે .com ના? આ વાતને પ્રોપર્ટીના સરળ ઉદાહરણ સાથે સમજીએ.
ICANN (સરકાર): આ સંસ્થા નિયમો બનાવે છે કે કયું ડોમેન કેવી રીતે કામ કરશે.
Registry (બિલ્ડર/જમીનનો માલિક): ICANN અલગ-અલગ એક્સટેન્શનનો કોન્ટ્રાક્ટ મોટી કંપનીઓને આપે છે, જેને ‘રજિસ્ટ્રી’ કહે છે. જેમ કે .com ની રજિસ્ટ્રી ‘VeriSign’ પાસે અને .in ની ભારત સરકારની સંસ્થા ‘NIXI’ પાસે છે. કોઈ પણ .com વેચાય, તેના મૂળ પૈસા VeriSign ને જ જાય.
Registrar (પ્રોપર્ટી ડીલર): GoDaddy, Hostinger કે Namecheap જેવાં પ્લેટફોર્મ્સ ‘રજિસ્ટ્રાર’ છે. તેઓ રજિસ્ટ્રી પાસેથી જથ્થાબંધમાં ડોમેન ખરીદી પોતાનું કમિશન ઉમેરીને આપણને વેચે છે.
યાદ રાખો, તમે ક્યારેય કોઈ ડોમેન ‘ખરીદતા’ નથી પરંતુ તેને ‘ભાડે’ લો છો. તમે ભરેલી લાયસન્સ ફીમાંથી રજિસ્ટ્રાર અને રજિસ્ટ્રી બંનેને હિસ્સો મળે છે. ICANN ને પણ દરેક રજિસ્ટ્રેશન પર નાનકડી ફી મળે છે. જે દિવસે તમે રિન્યૂઅલ ફી આપવાનું બંધ કરશો, તે ડોમેન પાછું બજારમાં વેચાવા માટે ઉપલબ્ધ થઈ જશે.
Read Original Article →