અમલપિયાલી:આનંદના અભાવમાં જે કંઈ હોય છે તે બધું બંધન જ લાગે છે
વિનોદ જોશી
પંથ નહીં કોઈ લીધ, ભરું ડગ
ત્યાં જ રચું મુજ કેડી;
એક આનંદના સાગરને જલ
જાય સરી મુજ બેડી.
હું જ રહું વિલાસી સહુ સંગ ને હું જ રહું અવશેષે
નિરુદ્દેશે..
- રાજેન્દ્ર શાહ કોઈ આશય વગરનું હોય તે નિરુદ્દેશ કહેવાય. આમ તો એવું કહેવાયું છે કે, પ્રયોજનમનુદ્દિશ્ય ન મંદોપિ પ્રવર્તતે. જે મંદબુદ્ધિ હોય તે પણ પ્રયોજન વિના કશું કરે નહીં. તો પછી કશું નિરુદ્દેશે હોઈ શકે ખરું? ચિનુ મોદીનો એક શે’ર છે :
કોઈ ઈચ્છાનું મને વળગણ ન હો,
એય ઈચ્છા છે હવે એ પણ ન હો.
ઈચ્છા કે આશયને છોડવાનું અશક્ય ભલે નહીં પણ અઘરું તો છે જ. આપણી ભાષામાં `સ્વૈર’ નામનો એક બહુ મજાનો શબ્દ છે. પતંગનો દોર આપણા હાથમાં હોય ત્યાં સુધી પતંગ સ્વતંત્ર નથી. એણે આપણી ઈચ્છા અનુસાર ઊડવું પડે છે. પણ કપાયેલો પતંગ આપણા કાબૂમાં નથી. એ હવાના વેગ સાથે પોતાની જાતને વહેતી મૂકી દે છે. જો કે તે આપણી માલિકીમાંથી છૂટીને હવાના આશ્રયે જાય છે એવો તર્ક કરી શકાય. પણ પતંગ પર આપણો સકંજો રહેતો નથી તે વાત તો સ્વીકારવી પડે તેમ છે.
અહીં તો કવિ જાતે જ નિરુદ્દેશે નીકળી પડ્યા છે. કોઈ હેતુ વગર યાત્રાનો પ્રારંભ કર્યો છે તો એમણે કોઈ દિશા પણ નક્કી નહીં કરી હોય. ઘડીભર તો એવું લાગે કે કવિ જાણે ભટકી ગયા. આમ તો ભટકી જવું એટલે રસ્તા પરથી ઊતરી જવું. પણ અહીં તો કવિ કહે છે કે `ભરું ડગ ત્યાં જ રચું મુજ કેડી.’ કવિ અન્ય કોઈએ રચેલા રસ્તા પર ડગલું માંડતા નથી. પોતે જ પોતાનો રસ્તો રચવાનું કામ કરે છે. એમને એ ભરોસો છે કે પોતે આ કામ કરી શકશે. પોતાની કેડી રચવાનો મનસૂબો પણ આમ તો કવિનો એક ઉદ્દેશ જ થયો.
તો પછી કવિનો પ્રવાસ નિરુદ્દેશે છે તેવું કેમ કહેવાય તે સવાલ થાય. પણ કવિએ અહીં તરત જ પોતાના ઉદ્દેશને ઓગાળતી પંક્તિ આપી છે. કવિ કહે છે તેમ આનંદસાગરના જળમાં પોતાની બેડી અર્થાત્ બંધન સરી પડે છે. બંધનનું સરી જવું એટલે મુક્તિ મેળવવી. આ બેડી એટલે બેડલી કે હોડી પણ હોઈ શકે જેને કવિએ આનંદસાગરમાં તરતી મૂકી દીધી હોય અને જે નિરુદ્દેશે વહેવા લાગી હોય.
મહત્ત્વ મુક્તિનું છે તે કરતાં આનંદનું વિશેષ છે. મુક્તિ તો વ્યક્તિગત છે. પણ આનંદ સહિયારો છે. એમ કહી શકાય કે આનંદ એ જ મુક્તિ છે. આનંદના અભાવમાં જે કંઈ હોય છે તે બધું બંધન જ લાગે છે. સહુમાં વહેંચાઈ જઈ પોતાને વિસ્તારવાની અને પોતાને અવશેષરૂપ સમજવાની વાત જાણે છાંદોગ્ય ઉપનિષદના મંત્રના વિકલ્પે અહીં આવી ચડી છે.
એકો અહમ્ બહુસ્યામ્ – એ અનેકમાં એકનો વિસ્તાર કરવાની અભિલાષા અહીં કાવ્યની ભૂમિકાએ બહુ સુંદર રીતે અભિવ્યક્ત થઈ છે. અહીં વિસ્તરવાની વાત અંતે વિલસવા સુધી પહોંચે છે તેમાં આનંદસાગરમાં તરવાનો અર્થ આપોઆપ સ્ફુટ થાય છે. હેતુ સિદ્ધ થાય ત્યારે મળે તે સુખ, પણ આનંદ તો નિરુદ્દેશે જ પ્રાપ્ત થાય છે. કોઈ પંથ ન હોય ત્યારે પણ ડગલું ભરવાથી રસ્તો થઈ જાય તેવી આત્મશ્રદ્ધાને કવિ અહીં પુરસ્કારે છે. અમિત વ્યાસની પંક્તિઓ સ્મરણે ચડે છે :
છે ભૂલા પડવાનો એક જ ફાયદો
કેટલા રસ્તા પરિચિત થાય છે!
જેઓ પંથનો વિચાર કર્યા વગર ડગ ઉપાડે છે તેઓ ભૂલા પડે છે તેવું આપણે કહીએ તે કરતાં એમને નવા રસ્તાઓ શોધનાર પણ કહી શકીએ. છેવટે તો કોઈ રસ્તાઓ કદી અટકતા નથી હોતા. રસ્તાનો અંત આવે છે ત્યારે એ જ રસ્તેથી આપણે પાછાં વળીએ છીએ અને પ્રવાસને લંબાવીએ છીએ. ગુલઝારની પંક્તિઓથી પૂરું કરીએ :
ઇસ ઉમ્ર સે લંબી સડકોં કો મંઝિલ પે પહુંચતે દેખા નહીં,
યે દૌડતી ફિરતી રહેતી હૈ હમને તો ઠહરતે દેખા નહીં..
રસ્તા તો ત્યાંનાં ત્યાં જ હોય છે. આગળ તો આપણે જ વધીએ છીએ. પાછાં પણ આપણે જ વળીએ છીએ.
Read Original Article →