મૉન્ટાજ:અમ્મા અરિયાન: ભારતની સૌથી પહેલી ‘ક્રાઉડ ફન્ડેડ’ ફિલ્મ
પાર્થ દવે પુરુષન નોમનો યુવાન પોતાના ગામથી દિલ્હી જવાની તૈયારી કરે છે. માતા પાસે વિદાય લે છે અને કહે છે કે હું તમને નિયમિત પત્ર લખીશ. ઉત્તર-પૂર્વ કેરળના વાયનાડનાં જંગલોમાંથી પસાર થતી વખતે પુરુષનને પોલીસની જીપ રોકે છે. એ જીપમાં એક મૃત વ્યક્તિનું શબ મળ્યું છે. તે શબ પોલીસને રસ્તાના કિનારે ઝાડ ઉપર લટકતું મળ્યું છે. પુરુષન તે શબ જુએ છે. ચહેરો ઓળખીતો લાગે છે! પુરુષન બેચેન થાય છે.
પ્રેમિકાની ઈચ્છાની વિરુદ્ધ જઈને તે દિલ્હી જવાનું કેન્સલ કરે છે અને એ દોસ્તોની તપાસમાં નીકળે પડે છે જેને પેલા મૃત વ્યક્તિ વિશે કંઈ ખબર હોય. પુરુષન પત્રકાર મિત્રો, ડૉક્ટરો તથા ‘બાલેત્તન’ નામથી ઓળખાતા સિનિયર કૉમરેડને મળે છે. બાલેત્તન મૃતકને સત્યજીત નામના ગિટારવાદકના સાથી સંગીતકાર તરીકે ઓળખે છે. તે તબલાવાદક હતો. તેનું નામ હરિ હતું. ત્યાર બાદ પુરુષન અને બાલેત્તન, હરિના માતાને આ દુઃખદ સમાચાર પહોંચાડવાનું નક્કી કરે છે. તેઓ કોચિન રહે છે અને શરૂ થાય છે વાયનાડના પહાડોથી દક્ષિણના બંદર કોચી (કોચિન) શહેર સુધીની એક લાંબી અને ઘટનાપ્રચુર યાત્રા!
વાત છે 1986માં રિલીઝ થયેલી મલયાલમ ભાષાની ફિલ્મ ‘અમ્મા અરિયાન’ની. ‘અમ્મા અરિયાન’ એટલે ‘રિપોર્ટ ટુ મધર’ – ‘માતાને જાણ કરવી’. આ ફિલ્મ વિશે અત્યારે વાત કરવાનું કારણ પ્રતિષ્ઠિત ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’ છે. ગઈકાલે પૂર્ણ થયેલા (12થી 23 મે) 79મા ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’ની ‘ક્લાસિક’ શ્રેણીમાં ‘અમ્મા અરિયાન’ ફિલ્મની પસંદગી થઈ છે. ફિલ્મના ડિરેક્ટરનું નામ જૉન અબ્રાહમ છે. જીવનપર્યંત માત્ર ચાર ફિલ્મો બનાવનારા જૉને, મણિ કૌલની ‘ઉસકી રોટી’ ફિલ્મમાં અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે શરૂઆત કરી હતી. ‘અમ્મા અરિયાન’નું ફિલ્માંકન ડૉક્યુમેન્ટરીની જેમ થયું છે. મલયાલમ સમાંતર સિનેમાની લેન્ડમાર્ક ફિલ્મ ‘અમ્મા અરિયાન’ની વાર્તા શૈલી અનકન્વેન્શનલ છે.
પુરુષન અને બાલેત્તન કોઝિકોડ, બેપોર, કોડુંગલ્લૂર, ત્રિશૂર, કોટ્ટાપુરમ, વાયપિન અને કોચિન પહોંચે છે. ત્યાં સુધી તેમનું ગ્રૂપ મોટું થઈ ચૂક્યું છે. મૃત હરિને ઓળખનારા તેમનાં સગાંઓને આ લોકો મળે છે. હરિનાં જુદાં જુદાં રૂપ તેમની સમક્ષ ખૂલે છે. કોઈ માટે તે તબલાવાદક હતો, તો કોઈ માટે ટૉની નામનો જેઝ ડ્રમર. કોઈ માટે શાંત સ્વભાવનો રાજકીય કાર્યકર્તા હતો, જે પોલીસ અત્યાચારનો શિકાર બન્યો હતો. આ મૅમરીઝ અને વાતચીતના માધ્યમથી હરિની એક ધૂંધળી અને વેરાયેલી ઓળખ સામે આવે છે.
એક પૉઇન્ટ પછી આ ફિલ્મ માત્ર હરિની વાર્તા નથી રહેતી, બલ્કે જે-તે સ્થળનાં ઇતિહાસ, લોકોના સંઘર્ષો, બળવો, શોષણ અને ત્યાંના નાયકોની દુનિયાને પણ વાર્તામાં ગૂંથવામાં આવી છે. ‘અમ્મા અરિયાન’ ફિલ્મ સમાજ અને ઇતિહાસનું ઊંડું ચિત્ર રજૂ કરે છે.
ફિલ્મનો એક પ્લૉટ પત્ર લેખનનો છે. દક્ષિણ તરફની યાત્રા દરમિયાન પુરુષન પોતાની માતાને પત્ર લખે છે, જેમાં તે હરિ, તેના મિત્રો અને તેમની માતાઓ વિશે લખે છે. સાથે-સાથે તે આ ભૂમિના સંઘર્ષની પણ નોંધ કરે છે. જેમાં મેડિકલ શિક્ષણના વેપારીકરણ વિરુદ્ધ વિદ્યાર્થીઓના આંદોલનથી લઈને કોલસાની ખાણના મજૂર સંઘર્ષમાં બંને પગ ગુમાવનાર કરુપ્પુસ્વામીની વાત આવે છે. વાયપિન ટાપુની ઝેરી દુર્ઘટના, જથ્થાબંધ સંગ્રહ કરનારા વેપારીઓ વિરુદ્ધ નાગરિકોનું આંદોલન, મજૂર સંઘોની અથડામણ, નકલી પોલીસ એન્કાઉન્ટરોમાં માર્યા ગયેલા શ્રમિક નેતાઓ અને ફોર્ટ કોચીમાં મહિલા મજૂરોના સમર્થનમાં થયેલી નિષ્ફળ હડતાળ — આવા અનેક સંઘર્ષોને ફિલ્મ સંવેદનશીલતાથી રજૂ કરે છે.
જૉન અબ્રાહમના નામની આગળ ‘ઑવાંગાર્ડ ડિરેક્ટર’ વિશેષણ લાગેલું વાંચવા મળે છે. ઑવાંગાર્ડ એટલે કળામાં એક્સપેરિમેન્ટલ ઝૉનર પસંદ કરનાર સર્જક. ‘અમ્મા અરિયાન’માં લોકોની વાત હતી. જૉન અબ્રાહમ અને તેમના અમુક મિત્રોએ મળીને ‘ઓડેસા કલેક્ટિવ’ નામનું ગ્રૂપ બનાવ્યું હતું. તેમનો ઉદ્દેશ એવો હતો કે માર્કેટના હસ્તક્ષેપ વિના, સામાન્ય લોકો સાથે મળીને ફિલ્મ લોકો સુધી પહોંચાડવી. ફિલ્મનો ખર્ચ ભેગો કરવા તેઓ ગામે-ગામ ફર્યા. ઢોલ વગાડીને, ગીતો ગાઈને, રસ્તાઓ પર નાટકો તથા પ્રયોગો કરીને લોકો પાસે ફાળો માગ્યો. તેમણે આ રીતે ફિલ્મ માટે જરૂરી પૈસા ભેગા કર્યા. ગરીબ ખેડૂતો અને અભણ ગામવાસીઓએ તેમનાથી જેટલા થઈ શકે તેટલા પૈસા આપ્યા. આ ભારતની પહેલી ‘ક્રાઉડ ફન્ડેડ’ ફિલ્મ હતી.
અમ્મા અરિયાન’ ઓડેસા કલેક્ટિવની પહેલી ફિલ્મ હતી અને જૉન અબ્રાહમની છેલ્લી ફિલ્મ. 25 ડિસેમ્બર, 1986ના રોજ આ ફિલ્મ રિલીઝ થઈ હતી અને પછીના વર્ષે મે મહિનામાં દિગ્દર્શક જૉન અબ્રાહમનું 49 વર્ષે મૃત્યુ થયું હતું. ફિલ્મના સ્વતંત્ર શૉઝ થયા હતા. એટલે આ ફિલ્મ કમર્શિયલી થિએટરમાં પ્રોપર રિલીઝ જ નથી થઈ. હવે સીધું તેનું 4K રિસ્ટોર્ડ વર્ઝનનો પ્રિમિયર કાન ફેસ્ટિવલમાં થયું છે.
***
આ વખતે ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં એફ. ટી. આઈ. આઈ.ના (જ) યુવાન સ્ટુડન્ટ મેહર મલ્હોત્રાની શૉર્ટ ફિલ્મ ‘શૅડોઝ ઑફ ધ મૂનલેસ નાઇટ્સ’ની ‘લા સિને પ્રાઇઝ’ સ્પર્ધા માટે પસંદગી થઈ છે. મૂળ પંજાબી ભાષાની આ ફિલ્મમાં રાજન નામના એક ફેક્ટરીના મજૂરની વાર્તા છે. જે પોતાના કઠોર કામ અને ઘરના નેગેટિવ વાતાવરણના વચ્ચે ઝૂલે છે. તેની નીંદર હણાઈ ચૂકી છે. તે શહેરમાં ભટકે છે. આ વખતે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભારત તરફથી સત્તાવાર રીતે આ બે ફિલ્મોનું સ્ક્રિનિંગ થયું છે. તેમની પસંદગી થઈ છે. }
Read Original Article →