દેશ-વિદેશ:અમેરિકા-ઈરાન યુદ્ધના સીઝફાયરનું સુરસુરિયું
ભારતના રસોડાને પશ્ચિમ એશિયાના યુદ્ધની આગ આજે પણ દઝાડી રહી છે. એલ. પી. જીના ભાવ વધી ગયા છે, હોટલો અને રેસ્ટોરાંમાં રાંધણગેસની અછત છે અને સામાન્ય માણસની જીવનશૈલી પર અસર પડી રહી છે. આ બધાનું કારણ અમેરિકા-ઈરાન યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટની અવરજવર પર પડેલી અસર છે. પરંતુ આ સમસ્યા માત્ર આર્થિક નથી, આ કૂટનીતિની નિષ્ફળતા છે. નરેન્દ્ર મોદી સરકારની પશ્ચિમ એશિયા નીતિની સંપૂર્ણ નિષ્ફળતા છે.
ફેબ્રુઆરી 28, 2026ના રોજ અમેરિકા અને ઈઝરાયેલે સંયુક્ત કાર્યવાહી ‘ઓપરેશન એપિક ફ્યુરી’ હેઠળ ઈરાન પર 900થી વધુ હવાઈ હુમલા કર્યા. ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈનું મૃત્યુ થયું. સાથે જ અનેક વરિષ્ઠ અધિકારીઓ અને સામાન્ય નાગરિકોના જીવ ગયા. ઈરાને પ્રત્યાઘાતમાં હજારો મિસાઈલ અને ડ્રોન્સ છોડ્યા. હોર્મુઝ સ્ટ્રેટમાં તેલની અવરજવર અટકી. વિશ્વના તેલના 20 ટકા વેપાર આ માર્ગ પર આધારિત છે. ભારત જેવા તેલ આયાતકાર દેશ માટે આ આપત્તિ હતી, પરંતુ સરકારે માત્ર સંયમ અને સંવાદની અપીલ કરી. અમેરિકા-ઈઝરાયેલના આક્રમણની નિંદા કરવાનું સાહસ પણ ન થયું. આ ‘સ્ટ્રેટેજિક સાઇલન્સ’ આજે ભારતીય કૂટનીતિનું સૌથી મોટું કલંક બની ગયું છે.
ઈરાન સાથે ભારતના સંબંધોની વાત કરીએ તો તે સદીઓ જૂના છે. સાંસ્કૃતિક, વેપારી અને ઊર્જા સંબંધોનો વારસો છે. પાકિસ્તાનને બાયપાસ કરીને મધ્ય એશિયા સુધી પહોંચવાનો માર્ગ ચાબહાર પોર્ટ ભારતની સ્ટ્રેટેજિક સંપત્તિ છે. ઈરાની તેલ ભારતની ઊર્જા સુરક્ષાનો મહત્ત્વનો હિસ્સો રહ્યો છે. ભૂતકાળમાં અમેરિકી પ્રતિબંધો વચ્ચે પણ ભારતે ઈરાની તેલ ખરીદ્યું છે. પરંતુ 2014 પછી મોદી સરકારે વ્યૂહાત્મક રીતે અમેરિકા અને ઈઝરાયેલ તરફ ઝુકાવ વધાર્યો. QUAD, I2U2, ઈઝરાયેલ સાથે લશ્કરી સહયોગ – આ બધાંમાં ઈરાન પાછળ છૂટી ગયું. તેલની આયાતમાં ઘટાડો થયો. યુએનમાં ઈરાન વિરુદ્ધ મતદાન થયું. તેહરાનમાં આને વિશ્વાસઘાત તરીકે જોવામાં આવ્યું.
ફેબ્રુઆરી-માર્ચ 2026ના યુદ્ધમાં આ નીતિનું પરિણામ સ્પષ્ટ થયું. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના ઈરાન પર સંયુક્ત હુમલાની ભારતે નિંદા ન કરી. ખામેનેઈના અવસાન પર કોન્ડોલન્સ બુક પર સહી કરવાનો આદેશ પણ ન આપવામાં આવ્યો. વિપક્ષી કોંગ્રેસે આને ‘સાંસ્કૃતિક મૂલ્યોની રાજકીય કાયરતા’ કહ્યું. જયરામ રમેશે કહ્યું કે મોદીએ ટ્રમ્પ અને નેતન્યાહુ સાથેની દોસ્તીનો ઉપયોગ સીઝફાયર માટે ન કર્યો. આ સાચું છે. ભારતે માત્ર ‘ડાયલોગ અને ડિપ્લોમસી’ની વાત કરી, પરંતુ કોઈ સક્રિય ભૂમિકા ન ભજવી.
આ સમયે પાકિસ્તાને મોટી કૂટનીતિક જીત મેળવી. પાકિસ્તાની વડાપ્રધાને અમેરિકા અને ઈરાન વચ્ચે મેસેન્જર તરીકે કામ કર્યું. ઈસ્લામાબાદમાં વાતચીત થઈ. ટ્રમ્પે પાકિસ્તાનની પ્રશંસા કરી. વિદેશમંત્રી એસ. જયશંકરે પાકિસ્તાનને ‘દલાલ’ કહ્યું – જે ભારતીય કૂટનીતિની હતાશાનું પ્રતિબિંબ હતું. પાકિસ્તાને ચીન અને તુર્કી સાથે પણ સંબંધો વધાર્યા. ભારત, જે વૈશ્વિક દક્ષિણનું નેતૃત્વ કરવાનો દાવો કરે છે, તે આ યુદ્ધમાં કિનારે ઊભેલું દેખાયું. ‘સ્ટ્રેટેજિક ઓટોનોમી’ની વાત કરતા દેશ માટે આ મોટો ઝટકો છે.
આર્થિક અસરની વાત કરીએ તો હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતાં તેલના ભાવ વધ્યા. ભારતમાં પેટ્રોલ-ડીઝલ અને એલપીજીની કિંમતો વધી. અનેક રાજ્યોમાં એલપીજી ક્રાઈસિસ ઊભી થઈ. હોટલો અને રેસ્ટોરન્ટ્સ બંધ થવાની સ્થિતિ આવી. ગલ્ફમાંથી ૨.૨ લાખથી વધુ ભારતીયોને પાછા લાવવા પડ્યા. આ બધું એક એવા યુદ્ધનું પરિણામ છે જેમાં ભારતે કોઈ પક્ષ નહોતો લીધો, પરંતુ ખર્ચ ભારતને જ વેઠવો પડ્યો. ચાબહાર પોર્ટ પર અમેરિકી પ્રતિબંધોની છૂટ 26 એપ્રિલ, 2026 સુધી હતી, પરંતુ યુદ્ધને કારણે તેના સામે પ્રશ્નાર્થ લાગ્યો. ઈરાન સાથેના વેપારી સંબંધોને ફટકો પડ્યો.
કૂટનીતિક વિશ્લેષકો કહે છે કે આ મોદી-જયશંકર ડોક્ટ્રિનની નિષ્ફળતા છે. પશ્ચિમ એશિયામાં સંતુલન જાળવવાની જૂની નીતિને છોડીને ભારતે અમેરિકા-ઈઝરાયેલ તરફ એકપક્ષીય ઝુકાવ વધાર્યો. ગાઝા સંકટમાં પણ ભારતે ઈઝરાયેલની નિંદા ન કરી. ઈરાન યુદ્ધમાં પણ એ જ વલણ રહ્યું. ઈરાનના લોકો ભારતને હવે વિશ્વસનીય ભાગીદાર નથી માનતા. ઈરાનના એમ્બેસેડરે પણ ભારતને મધ્યસ્થી તરીકે આગળ આવવાની માંગ કરી. પરંતુ ભારત પાસે કોઈ પ્લાન ન હતો.
આ યુદ્ધમાં ભારતે શું ગુમાવ્યું? પ્રથમ, વિશ્વાસ. ઈરાન સાથેના સંબંધોમાં દરાર પડી. બીજું, પ્રતિષ્ઠા. પાકિસ્તાને જે ભૂમિકા ભજવી તે ભારતે ભજવી શક્યું નહીં. ત્રીજું, અર્થતંત્ર. તેલના ભાવ વધતાં મોંઘવારી વધી. ચોથું, વૈશ્વિક દક્ષિણમાં નેતૃત્વ. જ્યારે ઈરાન જેવું ઊભરતું અર્થતંત્ર હુમલાનો શિકાર બને ત્યારે ભારતનું મૌન તેની મોરલ ઓથોરિટીને નુકસાન પહોંચાડે છે.
સરકારના સમર્થકો અને ‘સ્માર્ટ ડિપ્લોમસી’ કહે છે. અમેરિકા સાથે વેપારિક સંબંધો જાળવવા માટે આ જરૂરી હતું. પરંતુ વાસ્તવિકતા એ છે કે અમેરિકા પણ ભારતને માત્ર ‘ચાઈના કાર્ડ’ તરીકે જુએ છે, વિશ્વાસપાત્ર ભાગીદાર તરીકે નહીં. ટ્રમ્પે પાકિસ્તાન સાથે વાત કરી, ભારત સાથે નહીં. આ વ્યાવહારિક વિદેશનીતિનું પરિણામ છે.
આજે જ્યારે અમેરિકા-ઈરાન વચ્ચે સીઝફાયર થયું છે અને પાકિસ્તાનની શાંતિ મંત્રણા નિષ્ફળ નીવડી છે, ત્યારે ભારતે પોતાની નીતિની પુનર્વિચારણા કરવી જોઈએ. પશ્ચિમ એશિયામાં સંતુલિત કૂટનીતિ જરૂરી છે. ઈરાન સાથે ઊર્જા સંબંધો મજબૂત કરવા, ચાબહારનું કામ પૂર્ણ કરવું અને અમેરિકા સાથે સંબંધોને માત્ર ચીન-કેન્દ્રિત ન રાખવા જોઈએ. વ્યૂહાત્મક સ્વાયત્તતા એ માત્ર કાગળ પર રાખવાની નીતિ નથી, તેનો અમલ પણ જરૂરી જોઈએ.
ભારતીય કૂટનીતિની આ નિષ્ફળતા માત્ર સરકારની નથી, તે આપણા રાષ્ટ્રીય હિતની નિષ્ફળતા છે. જ્યારે વિશ્વ યુદ્ધની આગમાં સળગી રહ્યું હોય ત્યારે કિનારે ઊભા રહેવું એ કૂટનીતિ નથી, તે કાયરતા છે. અમેરિકા-ઈરાનનું યુદ્ધ આપણને એક જ વાત કહે છે: સંતુલન વિનાની કૂટનીતિ આખરે સ્વયંને જ નુકસાન પહોંચાડે છે.
Read Original Article →