વિકાસની વાટે:જે કામ માણસથી થઈ શકે ત્યાં AIનો ઉપયોગ કરવો જોઈએ?

Magazine5/24/2026, 12:35:00 AM
વિકાસની વાટે:જે કામ માણસથી થઈ શકે ત્યાં AIનો ઉપયોગ કરવો જોઈએ?
હસમુખ પટેલ ઉનાળાએ પોતાનો પરચો બતાવવાનો શરૂ કરી દીધો છે. કુદરત સાથે જીવવાને બદલે કુદરતની સાથે છેડછાડ કરીને જીવવાનું આપણે શરૂ કર્યું તેનાં પરિણામ આપણને જોવા મળે છે. ક્યાંક અતિવૃષ્ટિ તો ક્યાંક અનાવૃષ્ટિ. આખા ચોમાસાનો વરસાદ ચાર દિવસમાં થઈ જાય. ચોમાસાની શરૂઆતમાં વરસાદ ન હોય અને છેલ્લે સપ્ટેમ્બરમાં ખૂબ વરસાદ થાય. ઘણાં વર્ષોથી નવરાત્રિમાં વરસાદ જોવા મળે છે. આ વર્ષે તો દિવાળી પછી ચોમાસું જામ્યું હતું. ખ્યાલ ન આવે કે આ કમોસમી વરસાદ છે કે ચોમાસાની ઋતુ છે. આપણાં જ કૃત્યોને કારણે કુદરતમાં આવેલી અનિયમિતતાનો ભોગ ખેડૂત બને છે પરંતુ આપણે શહેરીઓને તો તેની ખાસ અસર થતી નથી. ત્રણ દાયકા પૂર્વે આપણી પાસે પંખા પણ નહોતા અત્યારે એર કન્ડિશનર સામાન્ય થતાં ગયાં છે. મોટરોમાં ફરનારાને ચોમાસામાં છત્રીની જરૂર પડતી નથી. આવનારા સમયમાં આપણે આર્થિક રીતે એટલા સમૃદ્ધ થઈ જઈશું કે જેથી શિયાળા, ઉનાળા કે ચોમાસાની આપણે નોંધ પણ ન લેવી પડે. વિજ્ઞાન ગમે તેટલું આગળ વધે પરંતુ કુદરત સામે પાંગળું છે તેવો અનુભવ કોરોના એ આપણને કરાવી દીધો. આવનારા સમયમાં કુદરતના મોટા પ્રકોપનો સામનો કરવાનો થાય તો નવાઈ નહીં. આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફેશનમાં છે. એ. આઈ.ની નવી નવી એપ્લિકેશનનો શોધાઈ રહી છે. બધાને છે કે આપણે એ. આઈ.માં પાછળ ન રહી જઇએ, પણ હજુ કદાચ મોટા ભાગનાને ખબર નથી કે તેમાં ઊર્જા અને પાણી કેટલાં વપરાય છે. તકલીફ ટેક્નોલોજીમાં નહીં તેના આડેધડ વપરાશમાં છે. 140 કરોડના દેશે જે કામ માણસથી અસરકારક રીતે થઈ શકે ત્યાં એ. આઈ. નો ઉપયોગ કરવો જોઈએ? એ. આઈ.નો વિકાસ કરી કમાનારી કંપનીઓ લલચાવવાનું કામ કરશે પણ વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનું આપણા હાથમાં છે. પહેલીવાર દુકાનદારે પ્લાસ્ટિકની કોથળીમાં સામાન આપ્યો ત્યારે સારું લાગતું હતું. આજે પ્લાસ્ટિકની જગ્યાએ કપડાંની થેલીનો પ્રચાર કરવો પડે છે. તેમાં ધારી સફળતા મળતી નથી. રાસાયણિક ખાતર અને જંતુનાશકો એક વખત આપણાં માટે વરદાનરૂપ હતાં. હરિયાળી ક્રાંતિએ આપણા દેશને ભૂખમરામાંથી બહાર કાઢ્યો છે, પણ પછી આપણે તેનો આડેધડ વપરાશ શરૂ કર્યો. આપણી જમીન ખરાબ થઈ. આપણો ખોરાક દૂષિત થયો. ખોરાકમાં રહેલાં ઝેરી તત્ત્વો બીમારીનું કારણ બન્યાં. સૌથી દુઃખની વાત તો એ છે કે આવા આડેધડ વપરાશમાંથી બહાર કેવી રીતે નીકળવું તેની આપણને ખબર નથી. નવું આવે કે બહારથી આવે તેનો આંખો મીંચીને અમલ કરવાને બદલે આપણા સંજોગો જોઈ આપણી જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ કરીએ તે જરૂરી છે. ગુજરાતમાં આજથી ચાર-પાંચ દાયકા પૂર્વે મોટા પ્રમાણમાં ગાંડા બાવળની રોપણી કરેલી. આજે આ ગાંડપણમાંથી બહાર કેવી રીતે નીકળવું તે પ્રશ્ન છે. અત્યારે મિયાવાકી વનની બોલબાલા છે. થોડા સમયમાં એવું મનાવા લાગશે કે આના સિવાય વૃક્ષ ઉછેરની કોઈ રીત નથી. ગાંધીનગરની સ્થાપનામાં શરૂઆતનાં વર્ષોમાં ટાંચાં સાધનોથી આજે આપણે કલ્પના ન કરી શકીએ તેટલા પ્રમાણમાં વૃક્ષો ઉછેરવામાં આવ્યાં હતાં. આજે આપણે એવું માનીએ છીએ કે દરેક વૃક્ષને પિંજરું જોઈએ. અમુક વર્ષો સુધી પાણી ન આપીએ તો વૃક્ષ ઉછરે જ નહીં. આવું હોત તો આપણા વગડામાં ઝાડ જ ન હોત! આજે આપણાં ઘરોમાં, રસ્તાઓની આજુબાજુ, બગીચાઓમાં, પાર્કિંગની જગ્યાઓમાં આડેધડ પેવર બ્લોકનો ઉપયોગ કરી રહ્યા છીએ. જાણે કે તેમ ન કરવું તે પાપ હોય! વરસાદનું પાણી જમીનમાં ઊતરે તે માટે ખર્ચાળ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સિવાય બીજો કોઈ વિકલ્પ ન હોય તેવી માન્યતા સામાન્ય બનતી જાય છે. નવું આવે તેનો આડેધડ ઉપયોગ કરીએ અને સાથે સાથે પરંપરાગત જ્ઞાન પરંપરાની કોન્ફરન્સો આપણે ગોઠવીએ. આપણી જીવનપદ્ધતિ કે વિચારસરણીમાં એવું શું છે કે ત્રણ-ચાર દાયકા પૂર્વે જે આપણા જીવનનો ભાગ હતો તે આપણા વ્યવહારમાં અને નીતિ નિર્ધારણમાંથી ગાયબ થઈ ગયું અને તેને પુનર્જીવિત કરવા માટે વર્કશોપ કરવા પડે. મારી દૃષ્ટિએ છીછરી જીવનદ્રષ્ટિ. જે દેશે સદીઓના વિદેશ શાસનના સમયમાં પોતાની સંસ્કૃતિ જાળવી રાખી તે દેશે દાયકાઓમાં ખોઈ ને પાછી તેની ખોજ કરવા નીકળવું પડે. આજે આર. ઓ. વોટરની બોલબાલા છે. પ્લાસ્ટિકની બાટલીઓની જગ્યાએ કાચની બાટલીઓ લાવી રહ્યા છીએ પણ માટલું વિસરાઈ રહ્યું છે. આવતીકાલે ‘માટલાં અભિયાન’ કરવું પડશે. સ્વમાં વિશ્વાસના અભાવથી આમ થતું હશે? બજારના પ્રવાહમાં તણાઈ જવાથી આમ થતું હશે? આવા પ્રશ્નો પૂછીએ અને તેના જવાબ શોધીએ તો કદાચ વિવેકપૂર્ણ રીતે જીવવાનું પ્રમાણ વધે. }
Read Original Article →