અપડેટ:AI સ્લોપઃ બાળકો અને બાળપણ પર તોળાતું જોખમ

Magazine4/26/2026, 12:50:00 AM
અપડેટ:AI સ્લોપઃ બાળકો અને બાળપણ પર તોળાતું જોખમ
કેવલ ઉમરેટિયા મોટા ભાગના ઘરમાં એક દૃશ્ય સામાન્ય બની ગયું છે. બાળક રડતું હોય, જિદ્દ કરતું હોય કે પછી માતા-પિતાને પોતાનું કામ કરવું હોય, એટલે તરત જ બાળકના હાથમાં મોબાઇલ પકડાવી દેવામાં આવે છે. મોબાઈલના સ્ક્રીન પર ચાલતાં રંગબેરંગી કાર્ટૂન કે વિડીયો જોઈને બાળક શાંત થઈ જાય છે. આપણને એમ લાગે છે કે બાળક શાંતિથી કંઈક નવું શીખી રહ્યું છે કે મનોરંજન મેળવી રહ્યું છે. ઘણાં માતાપિતા અહીં જ થાપ ખાઇ રહ્યા છે. ઇન્ટરનેટ હવે પહેલાં જેવું બિલકુલ નથી રહ્યું. હવે ઇન્ટરનેટ પર એક નવી જ બલાએ માથું ઊંચક્યું છે, જેને ‘એ. આઇ. સ્લોપ’ (AI Slop) કહેવામાં આવે છે. આ એ. આઇ. સ્લોપ બાળકોના મગજ પર સૌથી મોટો અને ખતરનાક હુમલો કરી રહ્યો છે. એ. આઇ. સ્લોપ (AI Slop) શું છે? અંગ્રેજી શબ્દ ‘Slop’ નો અર્થ થાય છે એંઠવાડ અથવા તો સ્વાદ વિનાનું બેકાર ખાવાનું. જાણે કે કોઈએ વધેલો-ઘટેલો બધો જ કચરો એક થાળીમાં ભેગો કરી દીધો હોય! ડિજિટલ દુનિયામાં એ. આઇ. સ્લોપ પણ આવું જ છે. સીધા અને સરળ શબ્દોમાં કહીએ તો એ. આઇ. સ્લોપ એટલે એવું કન્ટેન્ટ કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની મદદથી કોઈ પણ જાતની મહેનત, વિચાર કે અનુભવ વિના માત્ર અને માત્ર પૈસા કમાવવાની લાયમાં બનાવવામાં આવે છે. બાળકોની દુનિયામાં આ સ્લોપ અત્યંત ભયાનક સ્વરૂપ લઈ ચૂક્યો છે. બાળકો: ડિજિટલ કચરાનો સૌથી સરળ શિકાર સૌથી ચિંતાજનક વાત એ છે કે માસૂમ બાળકો આ ડિજિટલ કચરાનો સીધો શિકાર બની રહ્યાં છે. ‘પ્યૂ રિસર્ચ સેન્ટર’ના એક અભ્યાસ મુજબ, અમેરિકામાં બે વર્ષથી નાની ઉંમરના 60 ટકા બાળકો યૂ-ટ્યૂબના કાયમી દર્શક બની ગયાં છે. ત્રીજા ભાગનાં બાળકો રોજ યૂ-ટ્યૂબ જુએ છે. ભારતમાં તો આ આંકડાઓ કદાચ આનાથી પણ વધુ ચોંકાવનારા હશે, કારણ કે અહીં મોબાઈલ એ બાળકોને છાનાં રાખવાનું રમકડું બની ગયો છે. આમ પણ આપણે ત્યાં આવા સર્વે કે સંશોધનોમાં કોઇને રસ નથી. બાળકોને યૂ-ટ્યૂબ પર શું પીરસવામાં આવી રહ્યું છે? મોટા ભાગનાં બાળકો એ. આઇ. દ્વારા જનરેટ થયેલા ભડકાઉ અને રંગબેરંગી કાર્ટૂન વિડીયો જુએ છે. આ વિડીયોમાં પાત્રો દરેક સેકન્ડે બદલાતાં રહે છે. ઉદાહરણ તરીકે, એક વિડીયોમાં ટ્રાફિકના નિયમો શીખવતું ગીત વાગી રહ્યું હોય, પણ તેના બોલ હોય ‘Red means stop and green means right’ (લાલ લાઇટ થાય તો ઊભા રહો અને લીલી લાઇટ થાય તો જમણી બાજુ વળો). આ તદ્દન ખોટી અને જીવલેણ માહિતી છે, જે દરરોજ લાખો બાળકોના કુમળા મગજમાં ઊતરી રહી છે. આવા વિડીયોનો તો કોઇ પાર નથી. વાત માત્ર ખોટી માહિતી પૂરતી સીમિત નથી. WIRED મેગેઝિનના સંશોધન અને અહેવાલ પ્રમાણે ‘Cute Cat’ (ક્યુટ કેટ) જેવાં ભોળાં નામવાળી યૂ-ટ્યૂબ ચેનલો પર એ. આઇ.થી બનાવેલા એવા વિડીયોનો ઢગલો હતો જેમાં બિલાડીઓને માર મારવામાં આવતો હોય કે હેરાન કરવામાં આવતી હોય. આ પ્રકારના વિડીયો સીધા આપણા બાળકોની સ્ક્રીન સુધી પહોંચી રહ્યા છે. બાળકોના મગજ પર તેની કેવી અસર થાય છે? વિજ્ઞાન કહે છે કે પાંચ વર્ષની ઉંમર સુધીમાં બાળકના મગજનો 90 ટકા વિકાસ થઈ ચૂક્યો હોય છે. આ એ જ સમયગાળો છે જ્યારે બાળક અસલી અને નકલી વચ્ચેનો ભેદ પારખતા શીખે છે. આ એ પાયો છે જેના પર બાળકની આખી વિચારસરણી, સમજણ અને તેના વ્યક્તિત્વનું ચણતર થવાનું છે. એ. આઇ. સ્લોપ બાળકના આ જ પાયાને ખોખલો કરી રહ્યો છે. નિષ્ણાતોએ આ ડિજિટલ કચરાનાં મુખ્ય ત્રણ મોટા નુકસાન ગણાવ્યાં છે. 1. વાસ્તવિકતાની સમજણનો નાશ અસલી દુનિયા સ્થિર અને શાંત હોય છે. જ્યારે એ. આઇ. દ્વારા બનેલા વિડીયોમાં દર ફ્રેમમાં ચહેરો બદલાતો હોય છે, દર સેકન્ડે કંઈક નવું અને અજીબ થતું હોય છે. સતત આવું જોવાથી બાળકો વાસ્તવિક દુનિયાની સ્થિરતાને સમજી શકતા નથી. તેમને અસલી દુનિયા ધીમી અને કંટાળાજનક લાગવા માંડે છે અને તેમની વાસ્તવિકતાની સમજણ જ ખતમ થઈ જાય છે. 2. એકાગ્રતાનો નાશ એ. આઇ. સ્લોપ વિડીયો અત્યંત ભડકાઉ રંગો, કાન ફાડી નાખે તેવા અવાજો અને સતત ફરતી તસવીરોથી ભરેલા હોય છે. તેને એવી જ રીતે ડિઝાઇન કરાય છે કે બાળક બસ તેને જોયા જ કરે. આનાથી બાળકની ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા (Attention Span) સાવ ઘટી જાય છે. બાળકની ઊંડાણપૂર્વક વિચારવાની શક્તિ ખીલી શકતી નથી. 3 ખોટું શિક્ષણ સૌથી મોટો ખતરો ખોટી માહિતીનો છે. યૂ-ટ્યૂબ ચેનલો પર એવા એ. આઇ. વિડીયોનો ઢગલો હતો જેમાં હિંસા, એડલ્ટ કે જુગુપ્સાપ્રેરક કન્ટેન્ટ હોય. આ સિવાય એ. આઇ. દ્વારા બનાવાયેલા મોટા ભાગના વિડીયોમાં ખોટી કે અધૂરી માહિતી હોય છે. જે જાણતા અજાણતા બાળકોના મગજમાં ઊતરતી રહે છે. આ ખેલ પાછળનું કારણ: પૈસા, પૈસા અને માત્ર પૈસા આ બધું કંઈ રાતોરાત કે આપમેળે નથી થઈ રહ્યું. તેની પાછળ અબજો રૂપિયાનું અર્થતંત્ર કામ કરી રહ્યું છે. ‘ફેરપ્લે’ નામની બાળકોના અધિકારો માટે કામ કરતી સંસ્થાના અહેવાલ મુજબ, માત્ર બાળકોને જ ટાર્ગેટ કરતી ટોચની એ. આઇ. સ્લોપ ચેનલોએ વર્ષે 4.25 મિલિયન ડોલર (લગભગ 39 કરોડ રૂપિયા)થી વધુની કમાણી કરી છે! કેટલાક ક્રિએટર્સ તો ખુલ્લેઆમ જાહેરાતો આપે છે કે માથા-પૂંછડા વગરના એ. આઇ. કન્ટેન્ટથી લાખો રૂપિયા કઈ રીતે કમાવા. યૂ-ટ્યૂબનું અલ્ગોરિધમ પણ આવા કચરાને પ્રોત્સાહન આપે છે. બાળક જેટલી વધુ વાર વિડીયો જોશે, એટલી વધુ જાહેરાતો આવશે અને યૂ-ટ્યૂબ એટલા જ વધુ પૈસા કમાશે. આ અલ્ગોરિધમને એ વાતની કંઇ નથી પડી કે અંદર પીરસાતું કન્ટેન્ટ બાળકો માટે સુરક્ષિત છે કે નહીં. આ વર્ષે એપ્રિલમાં ‘અમેરિકન ફેડરેશન ઓફ ટીચર્સ’ અને પ્રખ્યાત પુસ્તક ‘The Anxious Generation’ના લેખક જોનાથન હાઇડ્ટ સહિત 135થી વધુ સંગઠનોએ યૂ-ટ્યૂબના સીઈઓને એક ખુલ્લો પત્ર લખ્યો હતો. તેમની સીધી માગ હતી કે યૂ-ટ્યૂબ કિડ્સ (YouTube Kids) માંથી એ. આઇ. સ્લોપને સંપૂર્ણપણે હટાવી દો અને 18 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને અલ્ગોરિધમ દ્વારા એ. આઇ. કન્ટેન્ટ સજેસ્ટ કરવાનું બંધ કરો. યૂ-ટ્યૂબે ‘અમે કોશિશ કરી રહ્યા છીએ’ એવો ગોળગોળ જવાબ આપ્યો હતો. જ્યાં સુધી આમાંથી અઢળક કમાણી થતી રહેશે, ત્યાં સુધી નક્કર પગલાં લેવાશે કે કેમ તે મોટો સવાલ છે. વાલીઓએ શું કરવું જોઈએ? આ બધી જવાબદારી માત્ર ટેક કંપનીઓની નથી. જાગૃત માતા-પિતા તરીકે આપણે પણ ચોક્કસ પગલાં લેવાં પડશે આંધળો વિશ્વાસ કરવાનું બંધ કરો: ‘YouTube Kids’ એપ છે એટલે તે 100% સુરક્ષિત જ હશે, એવી ભૂલ બહુ મોંઘી પડી શકે છે. તમારું બાળક સ્ક્રીન પર શું જોઈ રહ્યું છે તેનું સતત મોનિટરિંગ કરો. સ્ક્રીન ટાઈમ ઘટાડો: બાળકોનો સ્ક્રીન ટાઈમ મર્યાદિત કરો. મોબાઈલ કે ટીવી જોવાનો સમય કડકાઈથી મર્યાદિત કરો. વાસ્તવિક દુનિયા સાથે જોડો: બાળકનો સાચો વિકાસ સ્ક્રીન પર નહીં, પણ અસલી દુનિયામાં થાય છે. તેમને અસલી રમકડાં આપો, અસલી પુસ્તકો વાંચીને સંભળાવો અને મેદાન પર માટીમાં રમવા માટે પ્રોત્સાહિત કરો. યાદ રહે કે બાળકોનું મગજ કોરી પાટી જેવું હોય છે. તેના પર પડતી દરેક છાપ કાયમી રહે છે. એ. આઇ. સ્લોપ આ પાટીમાં જ્ઞાન નહીં, પણ કચરો બરી રહ્યું છે. જો આપણે ધ્યાન નહીં રાખીએ તો બાળકો અસલી અને નકલી વચ્ચેનો ભેદ પારખવાનું ભૂલી જશે.
Read Original Article →