અપડેટ:AI હેલ્યુસિનેશન: જ્ઞાનની દુનિયાને પ્રદૂષિત કરતાં મશીનો

Magazine5/31/2026, 12:35:00 AM
અપડેટ:AI હેલ્યુસિનેશન: જ્ઞાનની દુનિયાને પ્રદૂષિત કરતાં મશીનો
કેવલ ઉમરેટિયા કલ્પના કરો કે, તમે બીમાર પડ્યા છો અને ડૉક્ટર પાસે જાઓ છો. ડૉક્ટર તમને એક દવા લખી આપે છે. એ દવાનો આધાર એક પ્રતિષ્ઠિત મેડિકલ જર્નલમાં છપાયેલું કોઈ નવું રિસર્ચ છે. હવે શું થાય જ્યારે એવી ખબર પડે કે એ રિસર્ચ ક્યારેય થયું જ નહોતું? ન તો કોઈ લેબમાં, ન કોઈ માણસ પર કે ન તો કોઈ વૈજ્ઞાનિક દ્વારા! એ તો કોઈ એ. આઇ. દ્વારા હવામાંથી ઉપજાવી કાઢેલી એક કાલ્પનિક વાત હતી. વળી, આ વાત માત્ર મેડિકલ ક્ષેત્ર પૂરતી મર્યાદિત નથી. કાયદા, શિક્ષણ, પત્રકારત્વ અને એ. આઇ. સાથેની આપણી રોજિંદી વાતચીતમાં પણ આવું જ થઇ રહ્યું છે. એ. આઇ. ઘણી વખત કાલ્પનિક અને ઉપજાવી કાઢેલા જવાબો આપી રહ્યું છે. આ સમસ્યાને ટેક્નોલોજીની દુનિયામાં ખાસ નામ આપવામાં આવ્યું છે: ‘એ. આઇ. હેલ્યુસિનેશન.’ જ્યારે મશીનો પૂરા આત્મવિશ્વાસ સાથે જૂઠું બોલે છે ‘હેલ્યુસિનેશન’નો અર્થ થાય છે મતિભ્રમ અથવા એવી વસ્તુઓ જોવી જે વાસ્તવમાં છે જ નહીં. એ. આઇ.ની દુનિયામાં આનો અર્થ એ છે કે જ્યારે કોઈ એ. આઇ. મોડલ (જેમ કે ચેટજીપીટી અથવા જેમિની) પૂરા આત્મવિશ્વાસ સાથે તમને એવી કોઈ માહિતી આપે છે જે સાવ જૂઠી અને પાયાવિહોણી હોય છે. શરૂઆતમાં એવું લાગતું હતું કે આ નાની-મોટી ટેક્નિકલ ખામી છે જે સમય જતાં સુધરી જશે, પરંતુ હવે જે રિપોર્ટ્સ આવી રહ્યા છે તે ખરેખર ચિંતાજનક છે. મશીનો દ્વારા પીરસાઇ રહેલું જૂઠાણું હવે પુસ્તકો, રિસર્ચ પેપર્સ અને મેડિકલ જર્નલ્સમાં ઘૂસણખોરી કરી રહ્યું છે. એ. આઇ. મોડલ્સ શબ્દોની પેટર્ન પર કામ કરે છે. એટલે તેઓ એવા પેપર્સ, લેખકો કે અભ્યાસોની વાત કરે છે કે જે હકીકતમાં હોતા જ નથી. સમસ્યા ત્યારે વધુ ગંભીર બની જાય છે જ્યારે આ ‘ખોટું જ્ઞાન’ કોઈ સંવેદનશીલ ક્ષેત્રમાં પ્રવેશી જાય. રિસર્ચ પેપર્સમાં ઘૂસતો એ. આઇ.નો કચરો વિજ્ઞાન અને મેડિકલની દુનિયા તથ્યો પર ચાલે છે. જો કોઈ ડૉક્ટર કોઈ નવી બીમારીનો ઈલાજ શોધે છે, તો તે એક ‘રિસર્ચ પેપર’ પબ્લિશ કરે છે, જેને વાંચીને દુનિયાભરના ડૉક્ટરો તે સારવારને અપનાવે છે. હવે જરા વિચારો કે સંશોધક પોતાનું રિસર્ચ પેપર લખવા માટે એ. આઇ. નો ઉપયોગ કરે છે. એ. આઇ. એ પેપરમાં કોઈ એવા ડૉક્ટરની અને તેના અભ્યાસની વાત કરે છે જેનું અસ્તિત્વ જ નથી. કોઈ એવી દવાનો ઉલ્લેખ કરી દે છે, જે અસ્તિત્વમાં જ નથી! તાજેતરમાં જ આવું બન્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ પબ્લિશિંગ સાઇટ્સ (જેમ કે ArXiv) પર એ. આઇ. દ્વારા લખાયેલા રિસર્ચ પેપર્સનું જાણે ઘોડાપૂર આવ્યું છે! ઇન્ટરનેટની ભાષામાં તેને ‘એ. આઇ. Slop’ (એ. આઇ. દ્વારા ફેલાવવામાં આવેલો કચરો) કહેવામાં આવે છે. સ્થિતિ એટલી હદે વણસી ગઈ કે ArXiv જેવી સંસ્થાઓએ એ. આઇ.થી લખાયેલા કે જનરેટ કરાયેલાં પેપર્સ પર કડક નિયમો બનાવવા પડ્યા અને તેના પર પ્રતિબંધ મૂકવો પડ્યો. આંતરરાષ્ટ્રીય મેડિકલ જર્નલ્સે સર્વસંમતિથી એક નિયમ પસાર કરવો પડ્યો કે ‘No એ. આઇ. Authors, No Fake Citations.’ જરા વિચારો, જો એ. આઇ.નું આ જૂઠાણું કોઈ મેડિકલ પુસ્તકમાં છપાઈ જાય અને વર્ષો પછી કોઈ મેડિકલનો વિદ્યાર્થી તેને સાચું માનીને કોઈ દર્દીનો ઈલાજ કરી દે, તો શું થશે? આ માત્ર એક ટેક્નિકલ ભૂલ નથી, પરંતુ માનવીય જીવ અને જ્ઞાન સાથેની ભયાનક રમત છે. જ્ઞાનની આખી સાંકળ તૂટવી વિજ્ઞાન, મેડિકલ અને કાયદાની દુનિયા એક સાંકળ (Chએ. આઇ.n) ની જેમ કામ કરે છે. એક જૂની ટ્રાયલ પરથી નવું રિસર્ચ બને છે, રિસર્ચ પરથી મેડિકલ ગાઈડલાઈન્સ બને છે અને એ ગાઈડલાઈન્સના આધારે દર્દીઓની સારવાર થાય છે. જો આ સાંકળના પાયામાં જ એ. આઇ.નો સ્લોપ એટલે કે એ. આઇ.નો કચરો ઘૂસી જાય, તો જ્ઞાનની આખી ઈમારત જૂઠાણાના પાયા પર ઊભી થાય છે. આ માત્ર મેડિકલ પૂરતું સીમિત નથી. પુસ્તકોની દુનિયા પણ આનાથી બાકાત નથી. જે જ્ઞાન પુસ્તકોમાં, જર્નલ્સમાં, ગાઇડલાઇન્સમાં નોંધાઈ જાય છે, તે પેઢીઓ સુધી ચાલે છે અને એક જૂઠાણું જો એ કાયમી રેકોર્ડમાં ઘૂસી ગયું, તો તેને બહાર કાઢવું અત્યંત મુશ્કેલ છે. એ. આઇ. એક અત્યંત ઝડપી અને સ્માર્ટ ટાઈપિસ્ટ ચોક્કસ બની શકે છે, પણ તે ક્યારેય સાચા-ખોટાની સમજ ધરાવતો જવાબદાર માણસ નથી બની શકતો.} કન્ટેન્ટ ફેલ્યર અને માનવ લેખકોની વાપસી તાજેતરમાં જ એક એવા સમાચાર આવ્યા કે ‘ફેસબુક’ની પેરન્ટ કંપની ‘મેટા’ એ રાતોરાત પોતાના 8000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા. કારણ? માર્ક ઝકરબર્ગ પોતાની કંપનીનું પૂરું ધ્યાન અને પૈસા હવે ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ (એ. આઇ.) પાછળ રોકવા માગે છે. આ કોઈ પહેલી ઘટના નથી. છેલ્લાં એક-બે વર્ષમાં ઘણી નાની-મોટી કંપનીઓએ એ. આઇ. ના નામે માણસોના હાથમાંથી કામ છીનવી લીધું છે. એક ડરનો માહોલ ઊભો થયો છે કે એ. આઇ. નોકરીઓ ખાઇ જશે. આ બધાં વચ્ચે એક મહત્ત્વના અને ધ્યાન આપવા જેવા બીજા સમાચાર પણ આવ્યા છે કે શરૂઆતમાં જે કંપનીઓએ પૈસા બચાવવા માટે કન્ટેન્ટ રાઇટર્સ, એડિટર્સ અને પત્રકારોને કાઢીને એ. આઇ.ને કામે લગાડી દીધું હતું, તેમને હવે પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો છે. હાલમાં આવેલા કેટલાક રિપોર્ટમાં એ વાત કહેવામાં આવી છે કે ‘એ. આઇ. કન્ટેન્ટ’ ખરાબ રીતે ફેલ થઈ રહ્યું છે. આજે ઇન્ટરનેટ એવી વેબસાઇટ્સથી ઊભરાઈ રહ્યું છે જ્યાં મશીનો એકસરખી, રોબોટિક અને આત્મા વગરની ભાષામાં લેખો છાપી રહ્યા છે. વાચકોએ આ મશીનની ભાષા વાંચવાનું બંધ કરી દીધું છે. જ્યારે વાચકોને કોઈ લેખમાં લાગણીઓ, હકીકતનો અનુભવ અને ‘હ્યુમન ટચ’ નથી મળતો, ત્યારે તેઓ તે વેબસાઇટથી દૂર થઈ જાય છે. આ ઉપરાંત, એ. આઇ. દ્વારા લખાયેલા લેખોમાં ‘તથ્યાત્મક ભૂલો’ને કારણે કંપનીઓએ કાનૂની નોટિસોનો પણ સામનો કરવો પડે છે. પરિણામ શું આવ્યું? આજે ટેક કંપનીઓ અને મીડિયા હાઉસીસ પાછા માનવ લેખકો, પત્રકારો અને વિષય નિષ્ણાતોને કામે રાખી રહ્યા છે. બજારમાં અચાનક એવા લોકોની માગ વધી ગઈ છે જેઓ ઓરિજિનલ (મૌલિક) વિચારે છે, જેઓ પોતાની વાતમાં સંવેદનાઓ પરોવી શકે છે અને લખાયેલા એક-એક શબ્દની જવાબદારી લઈ શકે છે. મેટાનું 8000 લોકોને કાઢી મૂકવાવાળું પગલું કદાચ આપણને ડરાવી શકે છે, પરંતુ આ માત્ર અડધું જ સત્ય છે. એ. આઇ. ડેટાને પ્રોસેસ કરી શકે છે, લાખો પાનાંઓને સેકન્ડોમાં વાંચી શકે છે, પરંતુ તે સાચા અને ખોટા વચ્ચેનો નૈતિક તફાવત નથી સમજી શકતો. જેમ-જેમ ઇન્ટરનેટ પર એ. આઇ. નો કચરો અને ભ્રમ વધતો જશે, તેમ-તેમ અસલી, પ્રમાણભૂત અને માણસના હાથે લખાયેલા કન્ટેન્ટની કિંમત સોના કરતાં પણ વધી જશે. આનો અર્થ એવો બિલકુલ નથી કે એ. આઇ. કોઈ ખલનાયક છે અથવા આપણે તેનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ. એ. આઇ. ડેટા પ્રોસેસ કરવા માટેનું એક અદભુત ટૂલ છે. અસલી સમસ્યા એ. આઇ. નથી, પણ તપાસ કર્યા વગર તેના કામને આંખ બંધ કરીને સાચું માની લેવાની વૃત્તિ છે.
Read Original Article →