અક્ષરનો અજવાસ:તડકા! તારાં તીર, વીંધતો જાય કોઈ શિકારી…

Magazine4/26/2026, 12:50:00 AM
અક્ષરનો અજવાસ:તડકા! તારાં તીર, વીંધતો જાય કોઈ શિકારી…
જયેન્દ્રસિંહ જાદવ સુખ્યાત કવિ અને વિવેચક નિરંજન ભગતની જન્મશતાબ્દી હમણાં જ ઊજવાઈ છે. ભગતસાહેબે નગર કાવ્યો અને ઋતુ કાવ્યો ઘણા લખ્યા છે. તેમાંનું એક તડકો કાવ્ય ઘણું પ્રચલિત છે. કવિ નિરંજન ભગતે અમદાવાદની સડકો પર ફરી વળેલા તડકાને જોઈને જ લખ્યું હશે કે; તગતગતો આ તડકો; ચારેકોર જુઓને કેવી ચગદાઇ ગઇ છે સડકો, કહો ચરણ ક્યાં ચાલે, એણે એક ન રાખ્યો રસ્તો, ઘણું હલાવા હવા મથે, પણ તસુંય તે ના ખસતો. અહીં ધરતી પર નક્કર જાણે ધાતુ શો તસતસતો, સાવ અડીખમ પડયો, કશેયે જરીક તો કોઇ અડકો. તગતગતો આ તડકો. કાકાસાહેબ કાલેલકરનો એક સરસ નિબંધ છે - ‘મધ્યાહ્નનું કાવ્ય’. આ નિબંધમાં કાકાસાહેબે પોતાને બપોરનો તડકો કેવો ગમે છે તે સાથે માત્ર પોતાને જ નહીં; રવીન્દ્રનાથ ટાગોર જેવા મહાન કવિને પણ તડકો કેવો ગમતો હતો એનું સરસ વર્ણન કર્યું છે. કાકાસાહેબ લખે છે: ‘શાંતિનિકેતનમાં ઉનાળાના દિવસો હતા. ખરે બપોરે કવિને મળવા ગયો હતો. મેં એમને કહ્યું: ‘કઅવસરે આવીને આપને તકલીફ આપું છું.’ એમણે કહ્યું: ‘તમે પણ તકલીફ ઉઠાવી છે સ્તો.’ મેં કહ્યું: ‘ના, મને તો તડકો ગમે છે; હું તો એનો આનંદ લૂંટું છું.’ આ સાંભળતાંવેંત કવિ એકાએક પ્રસન્ન થયા અને કહે, ‘હેં, તમને પણ તડકામાં આનંદ આવે છે? હું તો ખૂબ તડકો હોય છે ત્યારે બારી આગળ આરામખુરશી નાખીને લૂમાં નાહું છું. મને એમાં ખૂબ જ આનંદ આવે છે. પણ હું તો માનતો હતો કે એવો શોખીન હું એકલો જ છું.’ મેં બીતાં બીતાં વિનોદ કર્યો: ‘રવિને પોતાનો તડકો ન ગમે તો તે ક્યાં જાય!’ તગતગતા તડકાનું આવું ‘Cool’ વર્ણન તો આવા બે ઠરેલ માણસો જ કરી શકે! આ વર્ણનથી પ્રભાવિત થઈને એકવાર હું ભરબપોરે લૂ માં નહાવા માટે, તગતગતા તડકામાં અમદાવાદની સડક પર રખડવા નીકળી પડેલો! અમદાવાદના એ ધોમધખતા તડકામાં શેકાઈને ચીમળાઈ જવાથી ત્યારે મને એમ લાગ્યું હતું કે ઘણી સાહિત્યકૃતિઓ એના ભાવકોને – વાચકોને ગેરમાર્ગે દોરે છે, ઉશ્કેરે છે અને વાચકની ચિત્તવૃત્તિને પ્રતિકૂળ કામો કરવા પ્રેરે છે. તે બદલ આવી કૃતિઓ પર પ્રતિબંધ મૂકાવો જોઈએ. પરંતુ હવે એ સમજાય છે કે ‘સૌંદર્યો પામતા પહેલા, સૌંદર્ય બનવું પડે.’ આ તડકાને માણવા ને’ ઉનાળાને જાણવા સૌંદર્ય દૃષ્ટિ જોઈએ. ‘રેવા તટે મધ્યાહન’માં કવિ જયંત પાઠકની સૌંદર્ય દૃષ્ટિ જુઓ: ‘નજીક ઘટમાંથી બેડું લઇ ગ્રામ સ્ત્રી સંચરે; વહેણ મહીંથી ઘટે સૂરજદીધું સોનું ભરે.’ નર્મદા કિનારે, નદીના વહેણમાં સરકી જતો તડકો સોનું હોય એમ ગામડાની સ્ત્રી પાણીની સાથે પોતાના ઘડામાં તડકો પણ ભરી લાવે છે. કવિ તડકાની નવી વ્યાખ્યા આપે છે- તડકો એટલે સૂરજે આપેલું સોનું. આ જ કવિ કહે છે ‘રે આવ્યો કાળ ઉનાળો, અવધૂત ઝાળજટાળો’ અહીં તે ગ્રીષ્મના પ્રકોપને વર્ણવે છે. તો વળી કવિ મનોહર ત્રિવેદીએ તડકાની દાદાગીરીને એક ગીત દ્વારા કેવી અદભુત રીતે વર્ણવી છે, તે જુઓ; તડકા! તારાં તીર, વીંધતો જાય કોઈ શિકારી કોયલ-કાબર-કીર. હળખેડુની ધૂંસરી ઉપર સૂરજ બેઠો હોય, ભોંયના કૂણા દેહને એની ત્રોફતી તીણી સોય, પગ પડે તે મલક એનો, જાય ત્યાં ત્યાં જાગીર.. તડકા! તારાં તીર… ઉનાળામાં ઠંડો પવન વેકેશન માણવા મામાને ઘેર જતો રહેતો હોય એમ લાગે છે. એટલે જ લોકો કહે છે ઉનાળામાં બફારા અને ગરમાવાનો ત્રાસ છે. પણ એમને ક્યાં ખબર છે કે ગરમાવા અને ગરમાળાને સીધો પ્રાસ છે. ઉનાળાને ગુલમહોરને ગરમાળાનો સહવાસ છે. આભમાંથી ઊતરી આવેલા કેસરિયા રંગે આખે-આખો ગુલમહોર મહેકી ઊઠે છે. પોતાની પાસે રહેલી બધી જ શોભા અને સુગંધ લૂંટાવી દેવા માટે ગુલમહોર આકરા તાપમાં મહેકતો રહે છે. તે આપણને સંદેશ આપે છે કે ગમે તેવા આકરા તાપમાં પણ મહેકતા રહેવું. પણ શું આજના માણસ પાસે આ ગુલમ્હોરને જોવાનો સમય છે ખરો? ઉમાશંકર કહે છે તેમ ‘છિન્ન ભિન્ન’ થયેલા માણસને ઋતુ પરિવર્તનની ખાસ કંઈ અસર નથી. એને તો એમ છે કે ઋતુ એનું કામ કરે આપણે આપણું કામ કરવાનું. એ. આઇ.ના જમાનામાં માણસને પોતે કહે તેમ બધું જ કહ્યાગરું બનાવવામાં રસ છે. એરકન્ડિશન દ્વારા આપણે વૈશાખી બપોરના તડકાને પણ કહ્યાગરો બનાવીએ છીએ. વિકાસની હરણફાળ ભરી રહેલી આ નાગરિક ન્યાતને ગાડી પાર્ક કરવા છાંયડો ન મળે ત્યારે તેને ધ્યાનમાં આવે છે કે આપણા શહેરમાં તો હવે વૃક્ષો જ નથી રહ્યાં. ડાઈનિંગ ટેબલ પર કેરીનો રસ, આઈસ્ક્રીમ, બરફના ગોળા અને કોલ્ડ્રિંકસ ઠલવાય છે ત્યારે ઉનાળો તે 3 બી- એચ કે ફ્લેટની સ્ટેન્ડિંગ બાલ્કનીમાં ડોકિયું કરીને ચાલ્યો જાય છે. ઋતુઓના નાજુક અણસારા જેમ પાંદડાં પામતાં હોય છે તેમ માણસે પણ પામવા જોઈએ. આવું થાય છે ત્યારે માણસને રોમે-રોમે ભીનાશ ફૂટે છે અને આ ભીનાશ પામેલો વ્યક્તિ એટલે જ ભારતનો આદર્શ નાગરિક. થોડાં વર્ષ પહેલાં એક કવિતા વાંચેલી. કવિનું નામ તો યાદ નથી, પણ કવિતા યાદ છે ‘આભના ઠામને ઠેબું મારીને કો’કે ઢોળી દીધો છે આ તડકો!’. અંતે, જે જીવનથી ભયભીત થયેલો છે તે મરેલો છે. - બર્ટ્રાન્ડ રસેલ
Read Original Article →