મરક મરક:હાય રે! આકરા ઉનાળાના આઠ આઠ મહિના આવ્યા

Magazine5/24/2026, 12:35:00 AM
મરક મરક:હાય રે! આકરા ઉનાળાના આઠ આઠ મહિના આવ્યા
ધ્રુવ બોરીસાગર નાળો, શિયાળો અને ચોમાસુમાં - આ ત્રણ ઋતુમાંથી અત્યારે કઈ ઋતુ ગઈ અને કઈ ઋતુ બેઠી - એ દૃઢ વિશ્વાસ સાથે કહેવું અઘરું થઈ ગયું છે. (ખોટા પડવાની બીકે કોઈ અચંબાલાલ ક્યારેય પોતાની પત્ની ઋતુનાં વાણી-વર્તન અંગેની ભવિષ્યવાણી કરતા નથી!) હવે તો અમદાવાદમાં ‘આવા ઉનાળાના ચાર ચાર મહિના આવ્યા’ નહીં પણ ‘આવા ઉનાળાના આઠ આઠ મહિના આવ્યા’ એમ ગાવું પડે છે! જાડી ચામડીનો માણસ પણ કહી શકે કે ગરમીમાં મારી ચામડી ફાટી ગઈ. લોકોનાં મેણાં સાંભળીને પોતાને મગજ હોવા અંગેની શંકા ધરાવનાર લોકો પણ કહેતાં ફરે છે કે ગરમીમાં મારું મગજ ફાટી ગયું. ખુલ્લામાં પડેલો ચોખાનો દાણો પણ ફાટીને મમરો થઈ જાય એવી ગરમીમાં ભરબપોરે માણસ તો ઠીક પણ જો પોપટ પણ એક છેડેથી બીજા છેડે નોનસ્ટોપ ઊડીને પહોંચે તો નક્કી એ પોપટ લીલામાંથી કાળો થઈ જાય એવી ગરમીની લીલા છે! પૃથ્વીને માઇક્રોવેવમાં મૂકી દીધી હોય અને માણસો પોપકોર્ન બનીને ફૂટી ગયાં હોય એવું લાગે છે! અમદાવાદમાં પાણીનું મીટર હોત તો નહાવામાં તો ઠીક પણ, અમદાવાદી ખબર નહીં ઉનાળામાં ક્યાં ક્યાં કરકસર કરત. ચમનકાકા તો ઓફિસ ટાઈમના દસ મિનિટ પહેલાં બેસવાને લાયક થાય એટલે ડોલ એક પાણી ભરીને પોતાના ટુ વ્હીલરની સીટને નવડાવે (વગર પાણીએ, પત્નીની વાણીથી નહાવું ન પડે એટલે પાછળની સીટને ન નવડાવે) પછી ઘરે આવીને પોતે નહાય, પછી ઓફિસ જાય! તોય ઓફિસ પહોંચે ત્યાં સુધીમાં પાછા નહાય રહે, પણ પરસેવાથી! ધર્મમાં ભલે ‘પર સેવા’ કરવાનું કહેવામાં આવ્યું હોય પણ અમદાવાદીનું જીવન પરસેવાથી લથબથ રહે છે! ચમનકાકાના ઘરવાળા ચંપાકાકી તો વળી આખા ગામ કરતાં આધુનિક નીકળ્યાં. ચમનકાકાને રાત્રે દાળ પીરસી, સ્વાદમાં કંઈ દમ નહોતો પણ વખાણ કરવા ફરજિયાત હતાં એટલે વખાણ વિધિ પતાવીને દાળની રેસિપી પૂછી તો સાંભળીને ચમનકાકાના માથે વધેલા બાર વાળ જ નહીં, એ પણ પોતે આખા ઊભા થઈ ગયા. ચંપાકાકીએ કહ્યું, ‘તમે ઘણા દિવસથી કહેતા હતા કે તડકા દાળ બનાવ, તમને તડકાથી (વઘારથી) એસિડિટી ન થાય એટલે આજે દાળ બનાવીને બપોરે બાર વાગ્યાથી અગાસીએ મૂકી આવી. તડકા દાળ બની ગઈ.’ (આળસમાં ગરમીની અકળામણ ભળે ત્યારે જ આવા સદ્દવિચારો આવે છે!) ઉનાળામાં કચેરીમાં કામ પડ્યું હોય તો કચેરીમાં જઈને અધિકારીને પોતાના સ્થાન ઉપર ન જોઈને કોઈ આશ્ચર્ય નથી થતું પણ ‘અધિકારી બહાર ગયા છે’નું જાણ્યા પછી હવે ચિંતા એ થાય છે કે અધિકારી તડકો ખાઈને આવ્યા પછી એમની ભૂખ ઊઘડશે તો? ભરબપોરે કચેરીમાં જતાં પહેલાં પોતાને લાગેલી લૂ કરતાં અધિકારીને લાગેલી ‘લૂ’ની ચિંતા વધારે થાય છે કારણકે, અધિકારીને લાગેલી ‘લૂ’ મોંઘી પડે અને કામને ‘ઉનવા’ થઈ જાય તો વારેઘડીએ કચેરી જવું પડે છે! આટલી બધી શોધ થઈ છે તો ઉનાળામાં શરીર ટાઢું રાખે એવી દવા કેમ નહીં શોધાઈ હોય? પ્રયત્નો તો થયા હશે પરંતુ માણસમાં બહાર કરતાં અંદરની બળતરાની માત્રા વધુ હશે એટલે દવા અસર નહીં કરતી હોય! પાડોશીને ત્યાં આવેલી કોઈક વસ્તુ જોઈને થતી બળતરા કરતાં સો ગણી હાશ, પાડોશીને ત્યાં પણ લાઈટ ગયાનું જાણ્યા પછી થાય છે! તડકામાં સુંદરતા બચાવવા માટે મોઢે દુપટ્ટો બાંધવાની જરૂરિયાત ઊભી થઈ પણ, પછી તો ઘણા ફાયદા જણાતા આ જરૂરિયાત ફેશનમાં રૂપાંતરિત થઈ ગઈ! જ્યારથી ગરમીની ડિગ્રી (અને બોગસ ડિગ્રી) વિશે છાપામાં વાંચવા માંડ્યું ત્યારથી, બાકી પહેલાં ગરમી ક્યાં લાગતી હતી! અને છેલ્લે.. ભાનુ એટલે કે સૂર્યને ફરિયાદ.... આવા ઉનાળાના ચાર ચાર (એટલે આઠ આઠ) મહિના આવ્યાં, ભાનુડા, તારા મનમાં નથી. કોણ ખાલી કરી જાય એની ખબર પડતી નથી ને પાણીની બોટલ ભરી ભરીને ફ્રિજમાં મૂકી મૂકી થાકી, ભાનુડા, તારા મનમાં નથી… બહાર નીકળતાં જ ચામડી જાય ફાટીને બળી જાય, હું તો લોશન લગાડી લગાડી થાકી, ભાનુડા તારા મનમાં નથી… ગરમીમાં ભર બપોરે ટ્રાફિક સિગ્નલ બંધ મળે, મેમોની બીકે મોં આખું હેલ્મેટની અંદર શેકાતું હોય તોય હેલ્મેટ ન કાઢું, (મે મહિનાની ગરમીમાં જ હેલ્મેટની ડ્રાઈવ ચલાવવાની જાહેરાત) ભાનુડા તારા મનમાં નથી… આઈસ ક્યૂબ: ‘જેઠ’ ભલભલાને માથે ઓઢવાની ફરજ પાડે છે - પછી ઘરના વડીલ ‘જેઠ’ હોય કે ઉનાળામાં આવતો ‘જેઠ’ મહિનો હોય! }
Read Original Article →