માય સ્પેસ:અમદાવાદને કોર્પોરેશન આપનારા એ મેયર

Magazine5/10/2026, 12:50:00 AM
માય સ્પેસ:અમદાવાદને કોર્પોરેશન આપનારા એ મેયર
ઈલાબહેન ઓઝાનાં પુત્રી કાજલ ઓઝા વૈદ્ય ચીનુભાઈના પૂર્વજો પુણ્યશાળી અને પરાક્રમી હતા. એમનું કુળ મૂળથી રાજસ્થાનના રાજપૂતોનું. એમણે જૈન ધર્મ અંગીકાર કર્યો. સોળમી સદીના ઉત્તરાર્ધમાં રાજસ્થાનનું પોતાનું વતન છોડી એ અમદાવાદ આવ્યા. શાંતિદાસ ઝવેરીની પરખશક્તિ પર પ્રસન્ન થઈને મુઘલ શહેનશાહ અકબરે એમને ‘શાહી ઝવેરી’ તરીકેની પ્રથમ કક્ષાના અમીરની પદવી આપી હતી અને અમદાવાદના પહેલા નગરશેઠ તરીકેનો માનભર્યો મોભો આપવાનું ફરમાન બહાર પાડ્યું હતું. લાલભાઈ શેઠના મોટા પુત્ર (અને શેઠ કસ્તૂરભાઈના મોટાભાઈ) શેઠ ચીમનભાઈને છ સંતાનો હતાં. વિજયસિંહભાઈ, ચીનુભાઈ, મનોરમાબહેન, અશોકભાઈ, પ્રતિમાબહેન અને અજયભાઈ. ચીનુભાઈનાં માતાના અવસાન પછી તેમનાં ફૈબા લીલાવતીબહેન આ પ્રથમ માતાનાં ત્રણેય બાળકોની સંભાળ રાખવા લાગ્યાં. ચીનુભાઈ તથા મનોરમાબહેનને બનારસ લઈ ગયાં અને ત્યાં ભણવા દાખલ કર્યા. એમનાં પત્ની પ્રભાબહેનનો જન્મ મુંબઈમાં સંસ્કારી અને ધનાઢ્ય ઝવેરી કુટુંબમાં ઈ. સ. 1919માં થયો હતો. પિતાનું નામ મણિલાલ મોહનલાલ ઝવેરી હતું અને તેઓ પાટણના વતની હતા. માતાનું નામ જાસૂદબહેન હતું. પ્રભાબહેન ત્રણ ભાઈઓમાં સૌથી મોટા હોવાથી ભાઈઓ સાથે તેઓ છોકરાઓની રમત શીખેલા જેમાં ઘોડેસવારી, સાઈકલ સવારી, તરણ, બેડમિન્ટન, મોટર ડ્રાઈવિંગ વગેરે હતાં. ચીનુભાઈ અને પ્રભાબહેનનું લગ્ન પણ એક મધુર અકસ્માત છે. બંને જાણે એકબીજાની રાહ જોતાં હોય એમ મોટી ઉંમરે જીવનસાથી બન્યાં. ચીનુભાઈ એમના ઉદ્યોગ-વ્યવસાયમાં વ્યસ્ત રહેતા. અમદાવાદ બરો મ્યુનિસિપાલિટીના પ્રમુખ બન્યા પછી એમની પ્રવૃત્તિનો વ્યાપ ખૂબ વધી ગયો. ઈ. સ. 1950માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રચના થઈ અને ચીનુભાઈ એના પ્રથમ મેયર બન્યા અને છેક ઈ.સ. 1961 સુધી એ સ્થાને રહ્યા. એ દરમિયાન નગરની મુલાકાતે (ભારતનાં વડાપ્રધાન) પંડિત જવાહરલાલ નેહરુ અને ઈંગ્લેન્ડની રાણી એલિઝાબેથથી માંડીને વિદેશોના પ્રતિનિધિઓ સહિતના મહાનુભાવો આવતા. અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં એમણે અનેક હોદ્દાઓ સંભાળ્યા. શરૂઆતમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે લગભગ ચાર વર્ષ સુધી એમણે બહુ પ્રશંસનીય કામ કર્યું. ઈ. સ. 1949ના ફેબ્રુઆરીમાં બધાના આગ્રહથી તેઓ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે ચૂંટાયા. એ વખતે તેઓ 37 વર્ષના હતા અને આ હોદ્દા પર બેસનારાઓમાં એ સૌથી નાની વયના હતા. સરદાર પટેલ જેવા શક્તિશાળી રાષ્ટ્રીય નેતાએ આ પદ પર કામ કરીને તેને ઐતિહાસિક ગૌરવ આપ્યું હતું. એમના પછી માવલંકરદાદા તરીકે લોકપ્રિય બનેલા ગણેશ વાસુદેવ માવલંકરે આ પદને અગાઉ શોભાવ્યું હતું. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી ભારતની લોકસભાના અધ્યક્ષ તરીકે એમની નિમણૂક થતાં દિલ્હી એમનું કાર્યક્ષેત્ર બન્યું અને મણિભાઈ પછી અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખપદે ચીનુભાઈની પસંદગી થઈ. ચીનુભાઈના પ્રમુખ બન્યા પછી અમદાવાદને મહાનગરના સર્વપ્રથમ નગરપતિ (મેયર) બન્યા. સરદાર પટેલે આ પ્રસંગે ચીનુભાઈને શુભેચ્છાનો ખાસ અંગત પત્ર લખ્યો. ચિ. ચીનુભાઈ, તમારો તા. 6ઠ્ઠી એપ્રિલનો કાગળ મળ્યો હતો. તમારી અમદાવાદ શહેર સુધરાઈના પ્રમુખ તરીકે વરણી થઈ તે માટે તમને મુબારકબાદી આપું છું. તમારી જ ચૂંટણી થવાની કે એની મને ખબર તો હતી જ. તમારા પહેલાંના પ્રમુખોએ અમદાવાદ શહેરની ખૂબ સેવા કરેલી છે. સ્વતંત્ર હિન્દુસ્તાનમાં પ્રમાણિક ને નિ:સ્વાર્થી તેમજ કુશળ સેવકોની અતિશય ખોટ છે. ધનવાન કુટુંબમાંથી એક એક જુવાને દેશસેવાનો માર્ગ સ્વીકારવો જોઈએ. મારી મદદની જ્યારે જરૂર પડે ત્યારે તમે માગી શકો છો. લિ. વલ્લભભાઈ પટેલના આશીર્વાદ ચીનુભાઈના મેયર તરીકેની બાર વર્ષની કારકિર્દીમાં લગભગ સમગ્ર શહેરને આધુનિક ગટરવ્યવસ્થાથી આવરી લેવાયું. શહેરના મોટા ભાગના રસ્તાઓ પર ફ્લોરેસન્ટ લાઇટો આવી ગઈ. લગભગ 450 કિ.મિ. જેટલા રસ્તાઓ ડામરના બન્યા. દૂધેશ્વરનું આધુનિક વૉટર વર્ક્સ તૈયાર થયું. દૂધની ડેરીનું આયોજન થયું. કાંકરિયા તળાવ પાસે વિશાળ પ્રાણીસંગ્રહાલય બન્યું. નજીકમાં સુંદર બાલવાટિકા પણ તૈયાર થઈ. કાંકરિયા તળાવમાં બોટ ક્લબનો આરંભ થયો. લાલ દરવાજા નજીક મ્યુનિસિપલ સ્નાનાગાર જનતા માટે ખુલ્લું મુકાયું. લાલ દરવાજા, લૉ કૉલેજ વગેરે વિસ્તારોમાં જાહેર બગીચા બંધાયા. શહેરની મધ્યમાં સરદાર પટેલ સ્ટેડિયમ માટે જમીન સંપાદન થઈ. અમદાવાદને સુંદર અને આધુનિક ઢબે વિકસાવવા ચીનુભાઈએ ખૂબ પ્રયાસ કર્યા. ઈ. સ. 1956માં ગુજરાત સહિતના દ્વિભાષી મુંબઈ રાજ્યની રચના થઈ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ બીજી ઑગસ્ટે મહેમદાવાદના અધિવેશનમાં તેનો સ્વીકાર કર્યો. સ્વતંત્ર ગુજરાત રાજ્યની ઝંખના સેવી રહેલી ગુજરાતી પ્રજામાં આર્થી નિરાશા વ્યાપી ગઈ. જનતાની ઇચ્છાવિરુદ્ધના કોંગ્રેસ સરકારના આ નિર્ણય સામે ગુજરાતે આક્રોશ વ્યક્ત કર્યાં. ઠેરઠેર વિરોધ સભાઓ યોજાઈ, સરઘસો નીકળ્યાં, આંદોલનો થયાં... સરકાર પ્રજાના આ સ્વયંભૂ પ્રકોપને સમજવામાં થાપ ખાઈ ગઈ, એને દાબી દેવા સરકારે કડક પગલાં લેવાં માંડયાં... આઠમી ઓગસ્ટે અમદાવાદના આંદોલનકારી અહિંસક વિદ્યાર્થીઓ પર ગોળીઓ છૂટી... આઠ આઠ નવલોહિયા યુવાનો એ દિવસે શહીદ થયા... અને... અમદાવાદમાં હાહાકાર મચી ગયો. ‘અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનને હું રાજકારણનો અખાડો બનવા નહીં દઉં’, એમાં નાગરિકોની સુખાકારીની જ ચર્ચાઓ થશે. આમ છતાં જનતા પક્ષ તરફથી શહીદ સ્મારકનો ઠરાવ રજૂ થયો. ચીનુભાઈએ વિનમ્રતાથી કહ્યું: ઠરાવ સાચી વાતનો છે પણ મ્યુનિસિપલ કૉર્પોરેશન એ માટેનું સાચું પ્લેટફૉર્મ નથી... મેયરના આ વલણ સામે ઘણો વિરોધ પ્રગટયો પરંતુ ચીનુભાઈ પોતાના સિદ્ધાંતને વળગી રહ્યા. ચીનુભાઈ સવારે ફાર્મ પરથી આવ્યા અને આ વાતની ખબર પડી કે તરત જ કૉંગ્રેસ હાઉસ પહોંચી ગયા. વિદ્યાર્થીઓએ એમની ખાદીટોપી ઉતારી લીધી! એમણે ખાતરી આપી કે હું ઉપર જઈ પરિસ્થિતિ સમજીને પાછો તમારી પાસે આવીશ ત્યારે વિદ્યાર્થીઓએ તરત જ ટોપી પાછી આપી. ઉપર જઈ બે વિદ્યાર્થીઓને ગોળી વાગતા બચાવ્યા અને વાત સમજીને નીચે આવ્યા. વિદ્યાર્થીઓને વિશ્વાસ બેઠો. તેમણે કહ્યું, ‘આમ તોફાન કરવાથી બધાને નુકસાન થાય છે. તમારામાંથી થોડા અગ્રણીઓ વાતોચીતોથી બધુ સમજાવો અને સમજે.’ મુંબઈ મોરારજીભાઈને ખોટા સમાચાર અપાયા કે ચીનુભાઈ ઉશ્કેરણી કરાવે છે. રાત્રે મુંબઈથી આદેશ આવ્યો કે ઉશ્કેરણી ન કરવી અને રિઝાઇન થાવ. કહેતા કહેવાઈ ગયું, બીજે દિવસે પાછો સવારે મુંબઈથી ફોન આવ્યો કે મેં ઉતાવળમાં કહ્યું પણ તમે રાજીનામું પાછું ખેંચો, પણ હવે તે શક્ય ન હતું. દરમિયાન બીજે વર્ષે મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી આવી. શહેરના અગ્રણીઓએ ચીનુભાઈને ચૂંટણી લડવા આગ્રહ કર્યો... ચીનુભાઈએ શરત મૂકી: ચૂંટણી લડું ખરો પણ કોઈ રાજકીય પક્ષ તરફથી નહીં. નાગરિકોના પ્રતિનિધિ તરીકે જરૂર લડીશ. એમાંથી નાગરિક પક્ષની રચના થઈ. એ પક્ષના ઉમેદવારોને ચીનુભાઈએ જ પસંદ કર્યાં. નાગરિક પક્ષની રચના, કામકાજ અને મીટિંગો ત્રણ મહિના સુધી પાનકોરનાકાના બંગલામાં થતી. કમ્પાઉન્ડમાં સી. આઈ. ડી. અને જાતજાતના લોકો આવતા જેમાં રિપોર્ટરો, વિરોધ પક્ષના કાર્યકર્તાઓનો સમાવેશ થતો. સવારે પાંચથી રાતના બાર વાગતાં ચા, નાસ્તો આપવામાં આવતો અને અચાનક બપોરે બાર વાગે મીટિંગ પૂરી ન થાય તો તેમની જમવાની વ્યવસ્થા પણ પ્રભાબહેન કરી દેતાં.
Read Original Article →