એન્કાઉન્ટર:રાજાને ગમે એ રાણી, પણ રાણીને ગમે એ કોણ?

Magazine5/31/2026, 12:35:00 AM
એન્કાઉન્ટર:રાજાને ગમે એ રાણી, પણ રાણીને ગમે એ કોણ?
પત્ની કરતા પતિની હાઈટ ઊંચી કેમ હોવી જોઇએ? (મહેન્દ્ર મૈસૂરીયા, અમદાવાદ) - સરખી હાઇટ હોય તો ભાઇ-બેન વધારે લાગે!  સલમાન ખાન હવે જિંદગીમાં કાળિયારનું નામેય નહીં બોલે! સુઉં કિયો છો?(ડૉ. સંકેત શેઠ, કરમસદ) - ના. એ પૂરતી સજા ભોગવી ચૂક્યો છે!  પંકચર તો ટ્યૂબમાં પડે… ટાયરનો શું વાંક? (અમૃત સોલંકી, બોટાદ) - બેમાંથી જે ફાટે… મરવાનો તો ચલાવનારો થાય છે!  હવેના લગ્નોમાં સાતને બદલે ચાર જ ફેરા કેમ હોય છે? (કિરણ મોવડીયા, માણસા) - જરા વહેલું પતે!  આપધાત તેરમા માળેથી કરવો કે પંદરમા માળેથી? (હિતેશ દમણીયા, સુરત) - તમારાથી એટલું બધું નહીં ચઢાય! ગ્રાઉન્ડ-ફ્લૉરમાં જ ગુલાંટિયા ખાઇ લોને!  બધાની ઘડિયાળોમાં એકસરખો ટાઇમ કેમ બતાવતા નથી? (શિવમ યાજ્ઞિક રાજકોટ) - ઘડિયાળો સ્ત્રી જેવી હોય છે!  અવારનવાર ઍર-શો થતા રહે, તો લોકજાગૃતિ વધારે ન આવે? (શશિકાંત મશરૂ, જામનગર) - એક ઍર-શો સરકારને કેટલામાં પડે છે, ખ્યાલ છે? મને તો નથી!  ઘણી રિક્ષાઓ પાછળ લખ્યું હોય છે, ‘ઇર્ષાળુને આશીર્વાદ!’ એટલે? (જીતેન્દ્ર કેલા, મોરબી) - એ આપણા માટે લખ્યું હોતું નથી. આપણે ક્યાં રિક્ષા ચલાવીએ છીએ?  પ્રેસિડન્ટ ટ્રમ્પ કો ગુસ્સા ક્યૂ આતા હૈ?(સુનીલ વર્મા, અમદાવાદ) - ખબર નહીં! હું તો કાંઇ બોલ્યો જ નથી!  નહાવા માટે ઠંડું પાણી જોઇએ?(સ્મિત આચાર્ય, અમદાવાદ) - નહાઇ નાખવામાં ગમે તે પાણી ચાલે!  ‘હસે તેનું ઘર વસે’ કે પછી ગાંડામાં ગણાઇ જાય? (કનુ જોશી, વડોદરા) - હવે ખબર પડી કે, ‘ઍન્કાઉન્ટર’ વાંચીને કોઇ હસતું કેમ નથી!  પહેલાં કરંતા ઊંધું છે… હવેની સાસુઓને ડર હોય છે કે, વહુ કેવી મળશે! (પ્રવીણ મહેતા, કેશોદ) - બંને જેવી મળે એવી… ગોરધનોએ તો ચલાવી જ લેવાનું હોય છેને?  પકોડા ખાધા પછી પેટ દુખે તો ફરિયાદ કોને કરવી? (અવિરત પટેલ, ભાવનગર) - પકોડા કે પકોડી ખાવાથી કોઇનું પેટ દુખતું નથી… સિવાય કે, આડેધડ મંડ્યા હો!  આજકાલ ડિજિટલ દેશભક્તો સરકારને પાકિસ્તાન પર હુમલો કરવાનો પાનો ચઢાવી રહ્યા છે! (પરેશ અંતાણી, રાજકોટ) - ‘ડિજિટલ’ કે ‘લોજિકલ’… એ દેશભક્તો તો છેને?  મારા નામનો અર્થ શું થાય?(અંકિત સોલંકી, બોટાદ) - કોતરેલું.  પાણી વેડફાતું બંધ કરવા શું કરવું જોઇએ? (મિતુલ કોટેચા, અમદાવાદ) - દેશ ઉપર દયા રાખવી જોઇએ  સ્ત્રીઓ પાણીપૂરી જોઇને, તો પુરુષો શું જોઇને હરખાઇ જાય છે? (ભાલચંદ્ર દવે, અમદાવાદ) - આડા હાથે હોઠ લૂછતી સ્ત્રીઓને જોઇને!  આ ઉનાળામાં તમને શું ગમ્યું?(પરિતા જોશી, રાજકોટ) - મારી બાલ્કની સામે મબલખ ગુલમહોર ખીલ્યા છે તે!  તમને ફિલ્મોમાં કામ કરવાનું મળે તો કઇ હિરોઇન પસંદ કરશો? (કમલ ચક્રવર્તી, અમદાવાદ) - એક સાચો હિંદુ કદી અન્ય સ્ત્રીમાં ધ્યાન પરોવતો નથી. એક ડિમ્પલ કાપડિયા કાફી છે!  પૈસા કમાવા માટે રાજકારણમાં પડવું કે ધંધો કરવો? (શંભુ ખાંટ, ધનસુરા) - ખોટા માણસને સવાલ પૂછ્યો છે. મને બેમાંથી એકેયનો અનુભવ નથી!  વરઘોડામાં ઘોડો જ કેમ? હાથી કેમ વપરાતો નથી? (ઘનશ્યામ ભરૂચા, વિરાર-મુંબઇ) - જરૂર પડે ઘોડા ઉપર ભાગી જવાય… હાથી પર ભાગવાનું ના ફાવે!  તળેલાં સારેવડાં ખાવાથી વિટામિન ‘ડી’ મળે ખરું (અશ્વિન મોરે, વડોદરા) - વિટામિન ‘ડી’ સારેવડાં ખાવાથી નહીં… તડકો ખાવાથી મળે!  ખુશીના આંસુ આવે, પણ દુ:ખમાં કેમ હસી શકાતું નથી? (વિપુલ ચપલા, વડોદરા) - ૨ડતા મોઢે હસો તો બહુ હાસ્યાસ્પદ લાગે!  અમુક સવાલોના જવાબમાં તમે ખરેખર ‘એન્કાઉન્ટર’ કરી નાખો છો! (નયન મણિયાર, મહુવા) - જાઓ… ભૂલચૂક માફ કરી!  પ્રશ્ન એ છે કે, સવાલ જાય છે ક્યાં?(ધીરેન મોનાણી, જામનગર) - જુઓને, ક્યાંક આગળ-પાછળ પડ્યો હશે!  પાણીમાં તળેલી પૂરીને પાણીપૂરી કહી શકાય? (નીતિન ટેકરાવાલા, સુરત) - મારા બિઝનેસ વિશે તમને કોઇએ ખોટી માહિતી આપી લાગે છે!  આજકાલ મોટા ભાગના વિદ્યાર્થીઓ ‘બાયોલોજી’ કેમ પસંદ કરે છે? (ભૂમિ ચૌધરી, પાલનપુર) - કારણ કે, મોટા ભાગના ‘બાયોલોજી’ પસંદ નથી કરતા!  કાગડો ચાંચ ક્યારે મારે?(મિતેશ શાહ, વડોદરા) - એને તમે ‘કાગડા હળી’ કરો ત્યારે!  વફાદારી તો અન્ય પ્રાણીઓમાંય હોય છે, પણ કૂતરાને જ વફાદાર કેમ કહેવાયો છે? (મધુકર માંકડ, રાજકોટ) - બૌદ્ધિક દૃષ્ટિએ ચિમ્પાન્ઝી પછી કૂતરો વધુ ઇન્ટેલિજન્ટ હોય છે!  મારે ધારાસભ્ય બનવું છે, તો એ માટે શું કરવું? (યોગેશ શાંતિ પટેલ, વડોદરા) - ગુજરાતના સાત કરોડ લોકો માટે પ્રાર્થના.  ‘ભેંસ આગળ ભાગવત ન વંચાય’, છતાં આવી માથાકૂટ કોણ કરતું હશે? (નૂતનકુમાર ભટ્ટ, સુરત) - પાડા.
Read Original Article →