એન્કાઉન્ટર:છોકરીઓનો મૂડ આગાહી જેવો અણધાર્યો કેમ હોય છે?

Magazine6/7/2026, 12:35:00 AM
એન્કાઉન્ટર:છોકરીઓનો મૂડ આગાહી જેવો અણધાર્યો કેમ હોય છે?
 લાયકાત હોવા છતાં ઘણા યુવાનો ઘરસંસારમાં નિષ્ફળ કેમ જાય છે? (ડૉ. મહેન્દ્ર મૈસુરીયા, અમદાવાદ) - લાયકાત ‘દરેક’ સબ્જેક્ટમાં હોવી જોઇએને?  સુરતનું જમણ, કાશીનું મરણ તો અમદાવાદનું? (ડૉ. સંકેત શેઠ, કરમસદ) - શબ્દોની ગોઠવણીથી વિશેષ કાંઇ નથી!  સુરતી ભાષા શીખવા શું કરવું જોઇએ?(મહાસુખ દરજી, અમદાવાદ) - ‘ગાળ’ની જોડણીમાં ભૂલ થવી ન જોઇએ!  તમે ગ્રહોમાં માનો છો?(કિરણ મોવડીયા, માણસા) - પૂર્વગ્રહ નુકસાન કરે, એટલી ખબર છે!  ચૂંટણીઓ પહેલા રેવડી અપાય છે કે લૉલી પોપ? (શશિકાંત મશરૂ, જામનગર) - હું તો બંને લઇ લઉં છું!....પછી કોઇ આપનાર મળે, ન મળે!  ‘ડાયાબિટીસ’ ડાહ્યા માણસોને જ થાય?(સુનીલ વર્મા, ઓઢવ) - મને ‘ડાહ્યાબિટીસ’ થયો’તો… હકીના ફાધરનું નામ ‘ડાહ્યાલાલ’હતું.  ‘આપ મુઆ વગર સ્વર્ગે ન જવાય’, એનો કોઇ વિકલ્પ? (જીતેન્દ્ર કેલા, મોરબી) - હું હજી જીવું છું, એટલે મને ખબર નહીં પડે!  ‘હકીભાભી’ વિશે બે શબ્દ બોલવાના હોય તો શું બોલો? (સ્મિત આચાર્ય, અમદાવાદ) - બસ. ‘ભાભી’ કાઢી નાખું!  વાતોનાં વડાં કેવી રીતે થાય?(કનુ જોશી, વડોદરા) - એ ‘લખીને’ ન બતાવાય!  તમારે શેરબજારનું કેમનું છે?(હેમંત મહેતા, સુરત) - સોરી… રોંગ નંબર!  પંગત ચૂકો તો રાહ જોવી પડે, પણ સંગત ચૂકો તો? (પ્રવીણ મહેતા, કેશોદ) - વાહ કવિ… તમે તો અંગત વાતોય લખી શકો છો!  યોગ્ય બદલો આપવામાં આવશે’. એટલે?(હર્ષ હાથી, ગોંડલ) - દસેક હજાર ભરેલું મારું વૉલેટ પડી ગયું હતું. એક સજ્જનને મળ્યું ને પાછું આપવા આવ્યા. મેં ઈનામમાં દસ રૂપિયા આપ્યા. વળતા હુમલા તરીકે એણે મારા ખિસ્સામાં રૂ. 100/-ની નોટ મૂકી.  વધારે ફાયદો ક્યાં થાય? સાસરે કે મોસાળમાં? (રાજેન્દ્ર ચૌહાણ, મોરબી) - મોસાળ ગોતવું આપણા હાથમાં નથી!  નવી સાઇકલના ભાવો સ્કૂટી જેટલા થઇ ગયા છે....! (દીપક પરમાર, જામનગર) - હજી રાહ જોશો તો જૂની સાઇકલ જેટલા ભાવ થઇ જશે!  ઍસ.ટી.બસોમાં ધારાસભ્યો માટે રિઝર્વ સીટ હોવા છતાં એકે ધારાસભ્યને બેઠેલો જોયો નથી! (યોગેશ શાંતિ પટેલ, વડોદરા) - કેમ જાણે વિધાનસભામાંય એ લોકો બેસતા હોય!  મધ્ય પ્રદેશની એક કૉલેજમાં પ્રોફેસરને બદલે પટાવાળાએ ઉત્તરવહીઓ ચેક કરી... (પરેશ અંતાણી, રાજકોટ) - આ બતાવે છે કે, શિક્ષણ સુધરતું જાય છે!  ધાર્યું ધણીનું થાય તો ઘરધણીનું?(જીતેન્દ્ર ટાંક, ડીસા) - બધા ઘરધણીઓ ‘ધણી’ નથી હોતા!  પહેલાં પ્રેમ, પછી લગ્ન અને પછી છેલ્લે છૂટાછેડા....? (મહેશ સપનાવાલા, અમદાવાદ) - તમને આ ત્રણમાંથી જે ગમે તે કરો!  ‘જાને ક્યું લોગ મુહબ્બત કિયા કરતે હૈં....? (વિપુલ ચપલા, વડોદરા) - ખબર નહીં. મારે તો એકવારનું પતી ગયું!  તમે લોકડાયરો ક્યારે શરૂ કરશો?(રૂપમ ધાંધલા, દિહોર-તળાજા) - હું ડાયરીનો માણસ છું....ડાયરાનો નહીં!  પત્ની રિસાઇ જાય તો મનાવવી કેવી રીતે? (મયૂર પટેલ, અમદાવાદ) - તમને શાંતિ ગમતી લાગતી નથી!  તમે કેટલાં વર્ષોથી ‘એન્કાઉન્ટર’ કરો છો?(શ્યામ ચૌહાણ, કોડિનાર) - સમજોને....જબ સે હોશ સંભાલા!  તમે ‘ડ્રીમ-ઈલેવન’ પર એકેય વાર પૈસા કમાયા? (શિલ્પા પ્રજાપતિ, જામનગર) - મને તો ‘ડ્રીમ-કપલ’નો જ ખ્યાલ છે!  રસ્તાની ડાબી બાજુ વાહન ચલાવવાનો નિયમ બરોબર છે? (નીતિન લિમયે, વડોદરા) - ફૂટપાથ કરતાં સારો!  લગ્નમાં ચાંદલો લખવા જમાઇને જ કેમ બેસાડે છે? (ગિરીષ મહેતા, ભાવનગર) - આમાં બહુ બુદ્ધિશાળીઓનું કામ નહીં!  કર્ણ રોજ સોનાનું દાન કરતો હતો, તો એ જમાનામાં દરોડા નહોતા પડતા? (અમૃત સોલંકી, બોટાદ) - કર્ણ એમનેય દાન આપતો હતો!  ‘ગૂગલ’ કયા સવાલનો જવાબ આપી ન શકે? (મુકેશ ચંદારાણા, મીઠાપુર) - હું ગૂગલ કરતાં વધુ બુદ્ધિમાન નથી.  હાડ થિજાવતી ગરમી ક્યારે પડશે?(શિવરાજ મકવાણા, દાહોદ) - ધાબળો ઓઢીને ભરબપોરે બહાર નીકળો ત્યારે!  નફરતના બજારમાં હું લાગણીની હાટડી ખોલીને બેઠો છું… હટાણું ક્યારે થશે?(ઍન. આર. મણિયાર, મહુવા) - લાગણીઓના શોપિંગ મૉલ હોય… હાટડા નહીં!  સોશિયલ મીડિયાને કારણે લગ્નસંસ્થાનું મહત્ત્વ ઘટતું જાય છે? (હરેશ લાલવાણી, અમદાવાદ) - કરવા હોય ત્યારે કહેજોને! ઘટતું કરી આપશું!  સિટિઝન અને નેટિઝનની માફક ટોપી પહેરાવનારાને ‘ટોપીજન’ કહેવાય? (વિદુર પંડ્યા, ગાંધીનગર) - વાહ કવિરાજ… હજી બીજા પચ્ચી-ત્રીસ ‘જન’ શોધી કાઢો!  ધન રાશિનાં નામો વાંચતા તકલીફ કેમ પડે છે? (મુકેશ પરમાર, રાયપુર) - મને યાદ છે ત્યાં સુધી તો તમારી આંખો સારી હતી!  દાનવીરો પર પ્રભુની વિશેષ કૃપા હોય છે? (સાગર ખોરસીયા, પાલિતાણા) - મને કોઇ દાન મોકલાવે તો ખબર પડે!  હજામત કરાવતી વખતે શાહી ભાવ આવેને? (નચિકેત યાજ્ઞિક, અમદાવાદ) - મેં કોઇને કરી આપી નથી, એટલે મને ખ્યાલ નથી!
Read Original Article →