સફર:અગાથા ક્રિસ્ટીના પગલે દુનિયાની સફર

Magazine5/17/2026, 12:35:00 AM
સફર:અગાથા ક્રિસ્ટીના પગલે દુનિયાની સફર
નિતુલ ગજ્જર આજકાલ પુસ્તકમાં વર્ણવેલાં સ્થળોએ ફરવા જવાનો ટ્રેન્ડ છે. ઘણાં પુસ્તકોમાં વિવિધ સ્થળોનું ખૂબ રસપ્રદ વર્ણન હોય છે, જે વાચકોના મનમાં ઘર કરી જાય છે. એટલે જ્યારે મોકો મળે ત્યારે લોકો પુસ્તકમાં વાંચેલા એ સ્થળે જવાનું આયોજન કરી નાખે છે. આ રીતે ફરવા જવાને લોકો ‘બુક ટૂરિઝમ’ તરીકે ઓળખે છે. ક્રાઈમ અને સસ્પેન્સથી ભરપૂર વાર્તાઓ લખવા માટે વિશ્વપ્રસિદ્ધ થયેલાં અગાથા ક્રિસ્ટીએ પોતાના લગભગ દરેક પુસ્તકમાં નવા સ્થળનું વર્ણન કર્યું છે. 1928માં અગાથા ક્રિસ્ટીએ અવનવાં સ્થળ જોવાનો નિર્ણય કર્યો. તે જ્યાં ફરવા જતા, ત્યાં થોડા દિવસ રોકાઈને પોતાનું લખવાનું કામ કરતા. એટલે તેમનાં મોટાં ભાગનાં પુસ્તકોમાં નવી જગ્યા વિશે વાંચવાનો મોકો મળે છે. તો ચાલો ‘બુક ટૂરિઝમ’ના આ જમાનામાં અગાથા ક્રિસ્ટીએ વર્ણવેલાં કેટલાંક ફરવાનાં સ્થળોની સફર કરીએ…. સાઉથ ડેવોન, યુ. કે. અગાથા ક્રિસ્ટીનો જન્મ યુ. કે.ના ટોર્ક્વેમાં થયો હતો. ટોર્ક્વેમાં ડાર્ટ નદીને કાંઠે આવેલું તેમનું ઘર ‘ગ્રીનવે હાઉસ’ આજે સંગ્રહાલય તરીકે સાચવવામાં આવ્યું છે. અહીં ક્રિસ્ટી વાપરતાં એ ફર્નિચર અને અન્ય સામગ્રીઓ સાચવી રાખવામાં આવી છે. તે ઉપરાંત અગાથા ક્રિસ્ટીનાં પુસ્તકોની ફર્સ્ટ કોપી ધરાવતી નાનકડી લાઈબ્રેરી પણ આ ઘરમાં છે. નજીકમાં ‘ડાર્ટમુર’ ખાતે ‘મુર્લેન્ડ’ હોટલ પણ છે, જ્યાં રોકાઈને જ અગાથાએ પોતાની પહેલી વાર્તા લખી હતી. ટોર્ક્વેમાં ‘અગાથા ક્રિસ્ટી માઈલ’ નામથી પગપાળા પ્રવાસ યોજવામાં આવે છે. જેમાં તમને ક્રિસ્ટીનાં પુસ્તકોમાં જોવાં મળતાં એકાદ ડઝન સ્થળ ફરવાનો મોકો મળે છે. આ પ્રવાસમાં સમગ્ર બ્રિટનમાં અગાથા ક્રિસ્ટી ગેલેરી ધરાવતું એકમાત્ર સંગ્રહાલય ‘ટોર્ક્વે મ્યુઝિયમ’ જોઇ શકાય છે. સાઉથ ડેવોનમાં જ ‘બર્ગ’ ટાપુ આવેલો છે. ક્રિસ્ટીને ‘એન્ડ ધેન ધેર વર નન’ વાર્તામાં વર્ણવેલા ટાપુની પ્રેરણા અહીંથી મળી હતી. તદુપરાંત દર વર્ષે સપ્ટેમ્બરમાં અહીં ડેવોનમાં ‘ઈન્ટરનેશનલ અગાથા ક્રિસ્ટી ફેસ્ટિવલ’નું આયોજન પણ કરવામાં આવે છે. લંડન, યુ. કે. 1930ના દશક સુધીમાં અગાથા ક્રિસ્ટી પાસે પોતાના આઠ મકાન હતાં. જેમાંથી છ લંડનમાં હતાં. હર્ક્યુલ પોઈરો સહિતનાં તેમનાં ઘણાં પાત્રો લંડન સાથે નાતો ધરાવે છે. ‘લંડન વોક્સ’ નામની સંસ્થા ખાસ અગાથા ક્રિસ્ટી સાથે જોડાયેલાં સ્થળોનો પગપાળા પ્રવાસ યોજે છે. જેમાં તમને ક્રિસ્ટીના ઘર, તેમનાં ચરિત્રોના મનપસંદ સ્થળ અને વાર્તામાં વર્ણવેલાં જાણીતાં આકર્ષણો જોવાનો મોકો મળે છે. લંડનમાં જ આવેલ ‘સેન્ટ માર્ટિન થિયેટર’માં પાછલાં 75 વર્ષથી અગાથા ક્રિસ્ટીએ લખેલ વાર્તા ‘માઉસટ્રેપ’ને નાટક તરીકે પ્રદર્શિત કરવામાં આવે છે. જે દુનિયાનું સૌથી લાંબુ ચાલતું નાટક પણ છે. અહીં દર્શકોને ખાસ બહાર જઈને નાટકનો અંત કોઈને ન જણાવવાની ભલામણ કરવામાં આવે છે. અગાથા ક્રિસ્ટી ‘આઈસોકોન’ ફ્લેટમાં રહેતાં હતાં. તે આજે અહીંની ‘આઈસોકોન’ ગેલેરીનો ઈતિહાસ જાણી શકાય છે. ઈસ્તંબુલ, તુર્કિયે અગાથા ક્રિસ્ટી માટે ‘મર્ડર ઓન ઓરિએન્ટ એક્સપ્રેસ’નું અનોખું મહત્ત્વ હતું. 1928માં ડિવોર્સ પછી તેમણે પહેલો પ્રવાસ ઈસ્તંબુલનો કર્યો હતો. પુસ્તકમાં વર્ણવેલી ‘ઓરિએન્ટ એક્સપ્રેસ’ તો 2009માં બંધ કરી દેવામાં આવી છે, પણ વર્તમાનમાં વેનિસ અને સિમ્પલોન વચ્ચે દોડતી ‘ઓરિએન્ટ એક્સપ્રેસ’માં 1920ના જ ડબ્બાને રિસ્ટોર કરી જોડવામાં આવ્યા છે. ક્રિસ્ટીએ ‘મર્ડર ઓન ઓરિએન્ટ એક્સપ્રેસ’નું સર્જન ઈસ્તંબુલની ‘પેરા પેલેસ’ હોટલમાં રોકાઈને કર્યું હતું. આ જગ્યા છેક 1892થી ટ્રેનથી આવતા મુસાફરોમાં રોકાવા માટે જાણીતી છે. આજે પણ અહીં અગાથા ક્રિસ્ટીનો કમરો સાચવી રાખવામાં આવ્યો છે, જેમાં એ વખતનું ફર્નિચર અને ટાઈપરાઈટર પણ મૂકવામાં આવ્યું છે. }
Read Original Article →