થેન્ક યૂ:આવી પીડા આપણને થાય છે?
ડો. જયેશ વાછાણી
ગુજરાતી મૂવી ‘લાલો’ તો જોઈ જ લીધી હશે.
નહીં જોઈ હોય તોય એના વિશે સાંભળ્યું તો હશે જ.
આ મૂવીમાં મુખ્ય પાત્ર લાલાના જીવનને સુધારવા,
ભગવાન લાલો માર્ગદર્શન આપે છે,
મદદ કરે છે એ વાત તો હવે સૌ જાણે છે.
પણ, આ મૂવીમાં લાલાની પાડોશમાં રહેતાં માસીના પાત્રમાંથી
સમાજે ઘણું સમજવા જેવું છે.
દારૂ પીને લાલો જ્યારે પત્ની તુલસી સાથે માથાકૂટ કરતો હોય ત્યારે
કે ઉઘરાણી માટે આવેલા શેરીના ગુંડા મવાલીઓ
તુલસી સાથે અજુગતું વર્તન કરતાં હોય ત્યારે કે જ્યારે જ્યારે તુલસી સાથે
ખોટું થતું હોય ત્યારે, પોતાને પર્સનલ કશી લેવાદેવા ન હોવા છતાં
પાડોશમાં રહેતા માસી તુલસીની વહારે આવે છે.
ભગવાન લાલો તો ભગવાન થઈ, લાલાની મદદ કરે છે જ્યારે
આ માસી તો એક સામાન્ય માણસ હોવા છતાં પોતાની જટાયુવૃત્તિનો પરિચય
આપી અન્યાય કે ખોટું થતું હોય ત્યાં સાચાની પડખે ઊભું રહેવાનું
શિખવાડે છે. ખોટો કે ખરાબ હોય તેને છડેચોક, લાલ આંખ બતાવી;
આંખે થઈને પણ, સાચા સાથે રહેવાનું આ પાડોશી માસી સમજાવે છે.
આજના સમયમાં પરિવાર પાડોશ કે સમાજમાં,
આવી જટાયુવૃત્તિની ખૂબ અછત છે.
જે સાચો છે, સારો છે એની પડખે રહી,
ખોટા કે ખરાબને ડારો દેવાનું ચૂકી જવાય છે.
કોઈને થતા અન્યાય વખતે, સંવેદનાની કમી વર્તાય છે.
બીજાને એના દ્વારા પડતી હેરાનગતિ સમજતાં હોવા છતાં,
એની મથરાવટી મેલી છે એવું જાણતા હોવા છતાં,
આપણને અત્યારે એનાથી કશું નુકશાન નથી એવું માની,
એને ટકોર કરવાની કે પડતા મેલવાની, અરે, ઓછામાં ઓછું એની સાથે
આપણો વ્યવહાર સીમિત કરવાની પણ આપણે હિંમત કે પહેલ કરતાં નથી.
ઊલટાનું, આવા અસામાજિકોને ભાઈ ભાઈ કરી,
મંચ મહત્ત્વ માન આપી, આપણે જ મોટા કરીએ છીએ!
ગાંધીજીએ આવા અનિષ્ટો સાથે અસહકારને પવિત્ર ફરજ ગણાવી છે!
એમણે કીધેલું કે; non-cooperation with evil is sacred duty.
બીજા સાથે ખોટું કે ખરાબ કરે ત્યારે જ એને ઓળખીને આઘો કરાય કે
આપણી સાથે એ ખોટું ખરાબ કરે એની રાહ જોવાય?
યુરિપિડિસની એક વાત વાંચેલી કે
જ્યારે જ્યારે કોઈ સજ્જન વ્યક્તિ ઘવાય ત્યારે,
જેઓ સારા ગણાય છે તેવા સૌને, એ વ્યક્તિને થાય તેવી પીડા થવી જોઈએ.
આવી પીડા આપણને થાય છે? નથી થતી! તો આપણે સારા ગણાઈએ?
ક્યાંક વાંચેલું; જ્યારે સત્યની જગ્યાએ મૌન ગોઠવાય જાય ત્યારે
મૌન પણ અસત્ય બની જાય. વિચારજો.
Read Original Article →