એન્કાઉન્ટર:પૂરા જીવનમાં એક માણસ કેટલા લિટર આંસુ પાડતો હશે?

Magazine5/3/2026, 12:50:00 AM
એન્કાઉન્ટર:પૂરા જીવનમાં એક માણસ કેટલા લિટર આંસુ પાડતો હશે?
 પૂરા જીવનમાં એક માણસ કેટલા લિટર આંસુ પાડતો હશે? (ડૉ. પ્રવીણ કામળીયા, મહુવા) - એનો આધાર એને કયો ડૉક્ટર મળ્યો છે, એની ઉપર છે!  લગ્ન પછી સુખી રહેવાની ગુરુચાવી? (ડૉ. મહેન્દ્ર મૈસુરીયા, અમદાવાદ) - કૅરેક્ટર ચોખ્ખું રાખો, પણ વાઇફ કાયમ ફફડતી રહેવી જોઇએ!  પરણેલા પુરુષની નિશાની શું?(મહાસુખ દરજી, અમદાવાદ) - જરૂર ન હોય ત્યાંય સ્માઇલો આપતો ફરે!  ધૂળજી રજા પર હોય ત્યારે તમે…(ડૉ.સંકેત શેઠ, કરમસદ) - ત્યારે હું, ‘અશોકજી’ બની જઉં છું!  ‘ધાર’ તેલની જ કેમ જોવામાં આવે છે, ‘ઘી’ની કેમ નહીં? (અમૃત સોલંકી, બોટાદ) - ‘ધાર’ તલવારની જોવાની હોય, તેલ કે ઘાસતેલની નહીં!  શું બદામ ખાવાથી બુદ્ધિ આવે?(કિરણ મોવડીયા, માણસા) - બદામ છોડો … મગજ ખાવાનું રાખો!  વિવાહમાં ‘વાહ’ છુપાયેલું છે… આહ! (હિતેશ દમણીયા, સુરત) - હા, પણ પછી લગ્ન કરવાનું રાખજો!  ખોટું બોલવાનો કોઇ ટેક્સ લાગતો હોત તો? (શિવમ યાજ્ઞિક, રાજકોટ) - તો ‘એન્કાઉન્ટર’ ચાલતું ન હોત!  તંદુરસ્તીની રક્ષા ‘લાઇફબોય’ કરે છે, તો ‘લીરિલ’? (શશિકાંત મશરૂ, જામનગર) - ‘લીરિલ’ તો પાણીના ધધૂડા નીચે નહાઓ તો જ કામ આપે!  હૃદયરોગ નિષ્ણાતને હૃદયરોગ ન થાય?(સુનીલ વર્મા, અમદાવાદ) - કેમ? બાળકોના સ્પેશિયલિસ્ટને બાળકો ન થાય?  ઐયર-બબિતાના કૅસમાં કાગડો દહીંથરું લઇ ગયો, ન કહેવાય? (જીતેન્દ્ર કેલા, મોરબી) - એવું તો આપણા માટેય કોઇ કહેતું હશે!  અડદના અને ચોખાના પાપડ વચ્ચે શું ફેર?(હર્ષ હાથી, ગોંડલ) - બહારના ઑર્ડરો લો છો?  આ ઉનાળામાં એ. સી. ચાલુ કરવાથી બા ખિજાય? (સ્મિત આચાર્ય, અમદાવાદ) - બંધ રાખો તો બા જ નહીં, ઘરના બધા ખિજાય!  સરકાર પાસેથી રૂપિયા કમાવાનો રસ્તો ક્યો? (રિયા ધોકાઇ, મીઠાપુર) - ટૅક્સ ચોરી આવડવી જોઇએ!  શું ‘અશોક દવે’ ઈમાનદાર છે?(પ્રવીણ મહેતા, કેશોદ) - ફક્ત ‘અશોક દવે’ લખો, એમાં ઈમાનદારી, વફાદારી, પ્રામાણિકતા… બધું આવી ગયું!  રોકડા રૂપિયા નદીમાં પધરાવવાનો અર્થ શું? (યોગેશ શાંતિ પટેલ, વડોદરા) - ભારતમાં નદીને ‘માતા’ ગણી છે!  પત્ની સાથે સાત જન્મોના સાથમાં હાલમાં કેટલામો જન્મ ચાલે છે, એની ખબર કેવી રીતે પડે?(કનુ જોશી, વડોદરા) - તમે એક એક જન્મનો હિસાબ રાખો છો અર્થાત્ આ તમારો સાતમો જન્મ જ છે!  એક ન્યાયાધીશ કહે છે, ‘મારે ઘેર કરોડો રૂપિયા કોણ મૂકી ગયું, એની ખબર જ નથી!’(પરેશ અંતાણી, રાજકોટ) - નહીં ખબર હોય! દર અઠવાડિયે કેટલાનાં નામો યાદ રાખે?  લગ્ન પછી યાદશક્તિ કેમ ઘટતી જાય છે? (હંસા ભરૂચા, વિરાર-મુંબઈ) - કઇ યાદશક્તિ...?  ઘીના ઠામમાં ઘી, તો દૂધ અને તેલનું શું?(દીપક પરમાર, જામનગર) - શેનો બિઝનૅસ છે તમારે?  IPL ક્રિકેટને ફાયદો કરી રહ્યું છે કે નુકસાન? (અબ્બાસ કોકાવાલા, સુરત) - ટૅસ્ટ મેચો કરતાં IPL વધારે જોવાય છે!  સુરત સ્વચ્છ સિટી બની ગયું… અમદાવાદ?(બાપુ વાપલીયા, સુરત) - પોતાં મારવાનાં બાકી છે!  આપણું શેરબજારનું કેમનું છે?(હેમંત મહેતા, સુરત) - તમારા તમે વેચી નાખજો… આપણું કાંઇ નક્કી નહીં!  ન્યૂયૉર્કથી અમદાવાદના નારણપુરાનો પુલ ક્યારે બનશે?(મુકેશ ગોહેલ, અમદાવાદ) - બાબાભ’ઇ, દૂધું-બૂધું પીધું?  દરેક સફળ પુરુષની પાછળ સ્ત્રીનો હાથ હોય છે.’ તમે ઘેર પૂછીને જવાબ આપો છો? (શાંતિ પ્રજાપતિ, કલોલ) - અમારામાં હાથ ન હોય… પગ હોય!  ક્રિકેટમાં સ્ટમ્પ્સ પર LED લાઇટ કેમ ગોઠવવામાં આવે છે?(શ્રીરામ ચૌહાણ, વાસદ) - સર્ચ-લાઈટો તો ન ગોઠવાયને?  સાહેબ કહે છે, ‘વરઘોડા તો નીકળશે જ!’ તમારું શું કહેવું છે?(દિલીપસિંહ રાઠોડ, સિહોર) - સાહેબે કીધું છે તો નીકળશે જ!
Read Original Article →