કૉલાજ:નેવું વર્ષથી વહેતી આકાશવાણી...
હરદ્વાર ગોસ્વામી બહેન : ‘સર, હું રેકોર્ડિંગ વખતે કેવાં કપડાં પહેરું ?’
સાહેબ: ‘આકાશવાણીમાં તૈયાર થઈને આવો એના કરતાં તૈયારી કરીને આવો એનું મહત્ત્વ વધુ છે.’ આકાશવાણીનો એક એક શબ્દ સાચો હોય એવી વિશ્વસનીયતા આજે પણ છે. દૂરદરાજના ગામમાં આજે પણ લોકોના જીવન સાથે આકાશવાણી વણાઈ ગયું છે. આજે ગળ્યુંગળ્યું અને ગલગલિયાં કરાવે એવી સામગ્રી પીરસવાની હોડ લાગી છે ત્યારે આકાશવાણીએ ગૌરવ-ગરિમાને ન છાજે એવું કશું પ્રસારિત નથી કર્યું. આકાશવાણી એ ધારી લેવાની કલા શીખવે છે. સામે કોઈ ન હોય તોય એવું ધારી લેવાનું કે સામે હજારો માણસો બેઠા છે. આજનો યુવાન ભણતી વખતે એવું ધારી ન લે કે એને ઉત્તમ નોકરી મળવાની છે તો કદાચ એ ભણી જ ન શકે. આખું જગત ધારણાની ધાર પર ઊભેલું છે.
આકાશવાણીનો ‘અર્ચના’ કાર્યક્રમ સાંભળી આપણી સવારની પૂજા થઇ જાય છે. ‘સૂરસરિતા’ સાંભળી થાય છે કે સંગીત એવી ઋતુ છે કે એને કદી પાનખર બેસતી નથી. ‘સહિયર’ બહેનો પણ કશું બોલ્યા વગર સાંભળે છે. ‘સવારે સવારે’ સાંપ્રતનો સરવાળો, ભૂતકાળની ભવ્યતા અને ભવિષ્યની ભીતર લઇ જાય છે. ‘હિન્દી જગત’ કે ‘ઉર્દૂ મજલિસ’ ભાષાના સંસ્કાર અને સંસ્કારની ભાષા પ્રગટ કરે છે. ‘રંગરંગ વાદળિયાં’ બાળકો એક પણ વસ્તુ તોડ્યાફોડ્યા વગર સાંભળે છે. શર્ટમાંથી બહાર ડોકાતી તમારી ફાંદને ઘટાડવા ‘આરોગ્ય પત્રિકા’, ‘વિજ્ઞાન જગત’ મોડર્ન મોમેન્ટના પ્રીઝમમાંથી એક નવો સૂર્ય દેખાડે છે. છેલ્લી સભાના જયહિન્દ સાથે જિવાતા જીવનની તમામ બાબતો આકાશવાણીમાં આવી જાય છે.
8 જૂન, 1936ના રોજ ‘ઇન્ડિયન સ્ટેટ બ્રોડકાસ્ટિંગ સર્વિસ‘ (ISBS)નું નામ બદલીને ઓલ ઇન્ડિયા રેડિયો (AIR) રાખવામાં આવ્યું હતું, જેના આધારે વર્ષ 2026માં આ ઐતિહાસિક સંસ્થા પોતાનાં 90 વર્ષ પૂરાં કરી રહી છે. ભારતમાં રેડિયો ક્લબ દ્વારા 1923માં પ્રસારણ શરૂ થયું હતું. ત્યારબાદ 8 જૂન, 1936 ના રોજ સત્તાવાર રીતે ‘ઓલ ઇન્ડિયા રેડિયો’ અસ્તિત્વમાં આવ્યો. વર્ષ 1956-57માં આ રાષ્ટ્રીય પ્રસારણકર્તા માટે સંસ્કૃત શબ્દ ‘આકાશવાણી’ અપનાવવામાં આવ્યો. આ નામ ‘મૈસૂર યુનિવર્સિટી’ના પ્રોફેસર એમ. વી. ગોપાલસ્વામીના ખાનગી રેડિયો સ્ટેશન પરથી પ્રેરિત હતું. આકાશવાણી તેના પ્રખ્યાત સૂત્ર ‘બહુજન હિતાય, બહુજન સુખાય’ને સાર્થક કરી રહ્યું છે. હાલમાં આકાશવાણી 23 ભાષાઓમાં પ્રસારણ કરીને દેશની 98% વસ્તી સુધી વિસ્તર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો લોકપ્રિય કાર્યક્રમ ‘મન કી બાત’ આકાશવાણીના માધ્યમથી જ દેશના અંતરિયાળ ગામડાંઓ સુધી પહોંચે છે. એમના કાર્યક્રમથી રેડિયોની લોકપ્રિયતામાં વધારો થયો. ગુજરાતમાં રેડિયો પ્રસારણની સફર રસપ્રદ અને રોમાંચક છે.
સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની દીર્ઘદૃષ્ટિથી બ્રિટિશ સરકારની સ્કીમ અંતર્ગત રેડિયો સ્ટેશન સ્થાપવાનું નક્કી થયું. ત્યારબાદ મહારાજા પ્રતાપસિંહરાવ ગાયકવાડે 1 મે, 1939ના રોજ પાદરા પાસેના ગામ નજીક ગુજરાતના પ્રથમ રેડિયો સ્ટેશનનો શિલાન્યાસ કર્યો.
જર્મનીથી રેડિયોનાં સાધનો આયાત કરવાનાં હતાં, પરંતુ 1939માં બીજા વિશ્વ યુદ્ધનો આરંભ થતાં આ પ્રોજેક્ટ વિલંબાયો. વિશ્વ યુદ્ધ પૂરું થયા બાદ, 10 જાન્યુઆરી, 1947ના રોજ મહારાજા પ્રતાપસિંહરાવ દ્વારા ‘બરોડા બ્રોડકાસ્ટિંગ સ્ટેશન‘ (BBS)નું વિધિવત્ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ સ્ટેશન પરથી બ્રિટિશ શાસન હોવા છતાં ‘વંદે માતરમ્‘ પ્રસારિત કરવાનો નિર્ણય લેવાયો હતો. આઝાદી પછી આ સ્ટેશન ઓલ ઇન્ડિયા રેડિયો (AIR) સાથે જોડાઈ ગયું. તે ભારતનું પ્રથમ રજવાડું હતું જેનું રેડિયો સ્ટેશન પણ AIR માં વિલીન થયું. રજવાડાં સાથે રેડિયોનું પણ વિલીનીકરણ થયું હોય એવી આ પ્રથમ ઘટના. ગુજરાતની ધરતી પર સ્ટેશન શરૂ થયું તે પહેલા મુંબઈ રેડિયો સ્ટેશન પરથી ગુજરાતી ભાષાના કાર્યક્રમો અને સમાચારોનું પ્રસારણ શરૂ થઈ ચૂક્યું હતું, કારણ કે તે સમયે ગુજરાત બોમ્બેનો ભાગ હતું. આઝાદી પછી ગુજરાતના મુખ્ય પ્રદેશોને આવરી લેવા માટે અમદાવાદમાં આકાશવાણી કેન્દ્રની સ્થાપના કરવામાં આવી.
ભારતના પ્રથમ માહિતી અને પ્રસારણ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલના નેજા તળે અનેક કેન્દ્રોની શરૂઆત થઇ હતી. વિશ્વનો સૌથી મોટો વિભાગ આકાશવાણીનો ‘સમાચાર વિભાગ’ છે. દરરોજ 27 ભાષાઓમાં પ્રસારણો થાય છે. સમાચાર અને દસ્તાવેજી રૂપકોમાં મેલ્વિલ ડી’મેલોનું નિર્માતા તરીકે ઉત્તમ કામ રહ્યું. 1975ની ‘કટોકટી’માં આકાશવાણી એકતરફી પ્રચાર માધ્યમનો ભોગ બની.
ગુજરાતમાં રેડિયો સ્ટેશનની સ્થાપના પહેલાં રેડિયો લાઇસન્સ ધરાવનાર ગુજરાતીઓની સંખ્યા ઘણી હતી. પહેલાં આકાશવાણીમાં વડોદરા મુખ્ય હતું અને અમદાવાદ પેટા સ્ટેશન હતું પછી અમદાવાદ મુખ્ય બની ગયું. રાજકોટ કેન્દ્ર તા. 4-1-1955ના રોજ અસ્તિત્વમાં આવ્યું. સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિને આ સ્ટેશને બખૂબી રજૂ કરી. આકાશવાણીના નામે આવતા ‘વાચકોના પત્રો’ ટપાલી કોથળો ભરીને લાવતા હતા.
1957માં શરૂ થયેલી આકાશવાણીની વિવિધભારતી સેવા અમદાવાદ અને વડોદરામાં ખૂબ લોકપ્રિય બની. ત્યારબાદ રાજકોટ, ભુજ, સુરત અને ગોધરા જેવા શહેરોમાં પણ આકાશવાણીના કેન્દ્રો શરૂ થયા, જેમણે સ્થાનિક બોલીઓ અને લોકસાહિત્યને મોટું પ્લેટફોર્મ પૂરું પાડ્યું. વર્ષ 2001 પછી ભારતમાં ખાનગી રેડિયો ચેનલોને મંજૂરી મળતા ગુજરાતમાં નવી ક્રાંતિ આવી.
રેડિયો પર માત્ર સંગીત જ નહીં, પરંતુ નાટક અને વાર્તાલાપ પણ ખૂબ લોકપ્રિય થયા. ગુજરાતમાં ‘રેડિયોના પિતામહ‘ ગણાતા સાહિત્યકાર સી. સી. મહેતાએ આ સ્ટેશન માટે પ્રારંભિક નાટકોનું નિર્માણ અને દિગ્દર્શન કર્યું હતું. નાટ્યકાર માર્તંડ ભટ્ટને પણ યાદ કરવા રહ્યા. પરંપરાગત આખ્યાન કલાને રેડિયો દ્વારા લોકો સુધી પહોંચાડવા ધાર્મિકલાલ પંડ્યાએ લાઈવ પર્ફોર્મન્સ આપ્યા હતા.
મહાત્મા ગાંધીના અવસાન બાદ, એક વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉસ્તાદ ફૈયાઝ ખાન, પંડિત ઓમકારનાથ ઠાકુર, અને પંડિત ડી. વી. પલુસ્કર જેવા ભારતના સર્વશ્રેષ્ઠ સંગીતકારોએ એકસાથે મળીને બાપુનું પ્રિય ભજન ‘રઘુપતિ રાઘવ રાજારામ’ ગાયું હતું, જે રેડિયો ઇતિહાસની સૌથી યાદગાર અને અમૂલ્ય ક્ષણોમાંની એક છે.
આકાશવાણીના એનાઉન્સર વન મેન આર્મી છે. એ જાતે સ્ક્રિપ્ટ લખે, રજૂ કરે, એડિટિંગ કરે અને નિર્માણ પણ કરે. સામાન્ય રીતે બીજા માધ્યમમાં એનાઉન્સર માત્ર એનાઉન્સમેન્ટ જ કરે, બીજું કામ બીજા લોકો કરે. એટલે જ આકાશવાણીમાં તૈયાર થયેલી વ્યક્તિ ક્યાંય પણ જાય એ પાછી પડતી નથી.
એક સમયે ગુજરાતમાં જાગરણનું બહુ મહત્ત્વ હતું ત્યારે આકાશવાણીએ આખી રાત કાર્યક્રમ કેમ આપતી ન હતી? કદાચ સ્ટેશન ડિરેક્ટર નોન-ગુજરાતી હતા એટલે? આકાશવાણી સમય સાથે તાલ મિલાવવામાં થોડું મોડું પડ્યું અને સરકારી સોચને કારણે આજે જે મુકામ પર હોવી જોઈએ એ નથી. વિસરાતી જતી કલાને પ્રોત્સાહન આકાશવાણી સિવાય કોણ આપે છે? મોટા ભાગના પ્રતિષ્ઠિત કલાકારોનું પહેલું પગથિયું આકાશવાણી રહ્યું છે. આગામી 90 વર્ષ સુધી આકાશવાણી સંસ્કારયાત્રા જીવંત રહે એમાં સમાજનું હિત સમાયેલું છે.
આવજો…
જે વેચી શકાય તેવું ચીતરે તે ચિત્રકાર અને જે ચીતરે તે વેચી શકે એ કલાકાર. - પિકાસો }
Read Original Article →