જીવનના હકારની કવિતા:આદરનો દરકાર, સંગાથનો સાક્ષાત્કાર

Magazine4/12/2026, 12:50:00 AM
જીવનના હકારની કવિતા:આદરનો દરકાર, સંગાથનો સાક્ષાત્કાર
હે… ક્યારે પૂરા થશે મનના કોડ ? કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ ઢળતો દેખાય છે સૂરજ આકાશમાં ઘેલો થઇ ખેલે છે ફૂલોથી બાગમાં ભમરાની જેમ તોય માની જો જાય તો કહેવી છે વાત એવી મારે પણ કાનમાં હે… મારા જોબનનું ઊગ્યું પરોઢ કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ કલકલતાં ઝરણાંમા નદીયું છલકાય છે નદીયુંના વ્હેણમાં સાગર મલકાય છે ચાંદાને જોઇ સાગર ઝૂલે છે ગેલમાં ધરતીનો છેડો જઇ આભમાં લહેરાય છે હે… નદીને સાગર થવાના જાગ્યા કોડ કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ આંખોની વાત હવે હોઠો પર લાવીએ ફૂલોની પાસ જઇ કોરા થઇ આવીએ રોપીને આસપાસ મહેંદીના છોડને માટીના કુંડામાં તુલસી ઉગાડીએ હે… હવે હમણાં તો હાથ મારો છોડ કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ - કૈલાસ પંડિત ગીત વાંચતા જ એની ધૂન કાનમાં માળો બાંધે! આ ગીત સંગીતના માધ્યમથી કવિતાના ઘર સુધી પહોંચ્યું છે. એની તરજમાં જ સંગાથનો સાક્ષાત્કાર છે. આ ગીત વિશે પુરુષોત્તમ ઉપાધ્યાયે જ કહેલું કે એના મુખડામાં મારો સ્વરકાર તરીકેનો અનુભવ છે. મુખડું પહેલાં સ્વરબદ્ધ થયેલું. એના અંતરાઓ કૈલાસ પંડિતે એમના પેડર રોડ પરના એવરેસ્ટ ફ્લેટની નીચે આંટો મારતાં મારતાં લખેલા. સિચ્યુએશન આધારિત ગીત છે. ફિલ્મમાં લેવા માટે તૈયાર કરેલું પણ પછી સુગમ સંગીતની એમની રેકોર્ડ માટે હંસા દવે સાથે ડબ થયું. હંસા દવેના અવાજને અને એમની ગણનાને ગુજરાતી સંગીત ક્યારેય ભૂલી શકે એમ નથી જ. એકવાર સાંભળ્યા પછી આ ડ્યુએટ વારંવાર સાંભળવું ગમે એવું છે. આખા ગીતમાં સંવાદ છે. પ્રેમમાં પડ્યા પછીનો સંગાથ છે. સાથે ચાલવાની તત્પરતા બંનેવ પક્ષે એનો ઉમળકો છે. બાકીના જીવનને સંગના ઉમંગમાં તરબતર કરીને જીવવાનો ઉલ્લાસ છે. નક્કી થયાં પછી આગળ વધવાનો રોમાંચ છે. પ્રેમના એકરાર પછી બે માંથી એક થવા મથતાં યુગલત્વનો અભિસાર છે. હૃદયે તો પ્રેમની ચૂપચાપ સંમતિ આપી દીધી પણ, મનના કોડ તો ગુલાબના રજવાડી ઠાઠ જેવા છે. ગુલાબ કુદરતના કારખાનામાં કામ કરતાં કારીગર જેવું થોડું છે? રોજ હાજરી પુરાવતાં ફૂલો જેવું ગુલાબને કંઈ ન ખપે! એ તો એની મોજના દરબારનો રાજા છે. સાહ્યબો પણ આવી જ સાહ્યબી સાથે રાજવણને (પ્રિયતમાને) પસંદ પડ્યો છે. જેના રાજમાં રાજવણ થવાનું વલણ દુનિયામાં હોવા છતાં નોખું પડે એવી વ્યક્તિની આ વાત છે. હજુ તો કોડ છે. મરોડ તો પ્રગટવાનો બાકી છે. ઝરણામાં નદી છલકાય અને નદીના વહેણમાં સાગર મલકાય એવો ઘાટ છે. પૂનમનો ચાંદ જોઈને ગેલમાં આવતા સાગરની જેમ શરીરની ધરતીમાં સંઘરેલું ધૈર્ય અને શાણપણ સોંપવાના અવસરની અરસપરસ તાલાવેલી છે. આંખોની વાત હોઠો પર આવે ત્યારે? ફૂલોની નજીક અનુભવાતી સુગંધ એકબીજાના સંગાથમાં આવે ત્યારે? તુલસીના છોડમાં મહેંદીની વાડની સુગંધ આપોઆપ જ ઉમેરાય! જોબનનું પરોઢ હજુ તો હમણાં જ ઊગ્યું છે એના વળાંકે વળાંકે સ્નેહના સોપાનની સુગંધ છે. એના આસોપાલવનું તોરણ બાંધીને ભવોભવના ફેરાને સાર્થક કરવાની વાત છે. સુગમ સંગીતના યાદગાર ડ્યુએટની વાત કરીએ ત્યારે ત્રણ-ચાર ગીતોનો કોઈ જોટો ન જડે! એમાંનું આ ગીત છે. ગઝલકાર કૈલાસ પંડિત ગીતકાર તરીકે કેવા જુદાં પડે છે? એમના પ્રદાનને ભૂલી જવું એ તો સુગંધ વિના ઊગતાં ફૂલો જેવું લાગે! આખા ગીતમાં સ્નેહ અને સ્વમાન અડોઅડ ચાલે છે. આપવાથી વધે એ સ્નેહ પામવાથી અળગું રહે એ સ્વમાન. આદરની દરકાર કરતું ગીત રવિવારની સુગંધને વધુ તરોતાજા કરે છે.
Read Original Article →