સજાવટ:ઝીરો વેસ્ટ કિચન: રસોડાના કચરામાંથી બનાવો ‘કાળું સોનું’
દિવ્યા દેસાઇ રસોડામાં કામ કરતી વખતે આપણે ઘણી બધી વસ્તુઓ કચરા તરીકે ફેંકી દઈએ છીએ. પરંતુ આ કચરો તમારા બગીચા માટે સોનું સાબિત થઈ શકે છે.
ઘરે ખાતર બનાવવું ખૂબ જ સરળ છે. તેના માટે તમારે માત્ર બે પ્રકારના કચરાની જરૂર છે:
લીલો કચરો: શાકભાજી-ફળોની છાલ, ચાની ભૂકી અને ફૂલો. આ નાઇટ્રોજનનો સ્ત્રોત છે.
સૂકો કચરો: સૂકા પાંદડા, પૂંઠા કે છાપાના ટુકડા. આ કાર્બન પૂરો પાડે છે.
પદ્ધતિ
એક પ્લાસ્ટિકની ડોલ કે માટીના કુંડામાં નીચે કાણાં પાડો.
નીચે સૂકા પાંદડા-પૂંઠાનું એક સ્તર બનાવો.
તેના પર રસોડાનો લીલો કચરો નાખો.
આ પ્રક્રિયા ચાલુ રાખો અને વચ્ચે-વચ્ચે થોડી માટી છાંટો, જેથી વિઘટન ઝડપથી થાય.
મિશ્રણને અઠવાડિયામાં એકવાર ઉપર-નીચે કરો. 2થી 3 મહિનામાં કાળું, ગંધરહિત, પોષક તત્વોથી ભરપૂર ખાતર તૈયાર થઈ જશે.
બગીચામાં ખાતરનો ઉપયોગ કેવી રીતે કરવો? સીધો ઉપયોગ: જ્યારે તમે નવો છોડ રોપતા હો, ત્યારે 30% ખાતર અને 70% માટીનું મિશ્રણ તૈયાર કરો. આનાથી છોડના મૂળને શરૂઆતથી જ પૂરતું પોષણ મળશે.
ટોપ ડ્રેસિંગ: કુંડામાં રહેલા છોડ માટે ઉપરની 1-2 ઈંચ માટી હળવેથી ખોદી લો, તેમાં મુઠ્ઠીભર ખાતર ઉમેરી હળવું પાણી આપો. આવું મહિનામાં એકવાર કરવું પૂરતું છે.
લિક્વિડ ફર્ટિલાઇઝર: સુતરાઉ કાપડમાં થોડું ખાતર બાંધી તેને પાણી ભરેલી ડોલમાં 24 કલાક પલાળી રાખો. આ પાણીનો છંટકાવ છોડના પાંદડા કે મૂળમાં કરવાથી છોડમાં તુરંત ચમક અને વૃદ્ધિ જોવા મળશે.
વધેલા ખાતરનો સંગ્રહ કેવી રીતે કરવો?
ભેજ જાળવી રાખો: જેથી તેમાં રહેલા ઉપયોગી બેક્ટેરિયા જીવંત રહે.
હવાની અવરજવર: હવાચુસ્ત નહીં સહેજ કાણાંવાળા શણના કોથળા શ્રેષ્ઠ છે.
ઠંડી જગ્યા: સીધા સૂર્યપ્રકાશથી દૂર રાખો તૈયાર ખાતર જો યોગ્ય રીતે સંગ્રહ કરવામાં આવે, તો તે 6થી 12 મહિના સુધી સારું રહે છે.
Read Original Article →