રસથાળ:‘ઝીરો-ઓઈલ’ રેસિપી; ખરેખર, સ્વાદમાં મજેદાર હોય શકે?
પાલક પનીર સામગ્રી : પાલક-2 કપ, લો-ફેટ પનીર-1 કપ, ડુંગળી-2 નંગ, ટામેટાં-1 નંગ, આદુ-નાનો ટુકડો, લસણ-5થી 6 કળી, લીલાં મરચાં-2 નંગ, કાજુ-7થી 8 નંગ, જીરું-અડધી ચમચી, ગરમ મસાલો-અડધી ચમચી, કસૂરી મેથી-ચપટી, મીઠું-સ્વાદ મુજબ રીત : એક વાસણમાં થોડું પાણી ઉકળવા મૂકો. તેમાં ડુંગળી, ટામેટાં, આદું, લસણ, લીલાં મરચાં અને કાજુ ઉમેરી 10 મિનિટ માટે બાફી લો. પાણીમાંથી ગાળી ઠંડી પડે એટલે મિક્સરમાં સ્મૂધ ગ્રેવી બનાવી લો. પાલકને પણ બાફી તેની પ્યુરી બનાવી લો. હવે નોન-સ્ટીક પેન ગરમ કરી તેમાં જીરુંને કોરું જ શેકો. જીરું શેકાઈ જાય એટલે તૈયાર કરેલી ડુંગળી-ટામેટાંવાળી ગ્રેવી ઉમેરો. તેલ નથી એટલે ગ્રેવી પેનમાં ચોંટે નહીં તે માટે 1-2 ચમચી પાણી ઉમેરતા જઈને ગ્રેવીને 5 મિનિટ સાંતળો. ત્યારબાદ તેમાં હળદર, ગરમ મસાલો અને મીઠું ઉમેરો. હવે પાલકની પ્યુરી મિક્સ કરો. ગ્રેવી ઉકળવા લાગે એટલે પનીરના ટુકડા અને હાથથી મસળેલી કસૂરી મેથી ઉમેરીને 2 મિનિટ ઢાંકીને ચડવા દો. ગરમાગરમ હેલ્ધી પાલક પનીર તૈયાર છે! ભરેલાં રવૈયા-બટાકા સામગ્રી : નાના રીંગણ (રવૈયા)-8-10, નાના બટાકા-3થી 4 નંગ,
મસાલા માટે: શેકેલા સીંગનો ભૂકો-અડધો કપ, ચણાનો લોટ- ૩ ચમચી, સફેદ તલ-2 ચમચી, આદુ-મરચાંની પેસ્ટ-1 ચમચી, કાશ્મીરી મરચું-1 ચમચી, ધાણાજીરું-1 ચમચી, હળદર-અડધી ચમચી, હિંગ-ચપટી, ખાટું દહીં અથવા લીંબુનો રસ-૨ ચમચી, મીઠું-સ્વાદ મુજબ, ઝીણી સમારેલી કોથમીર રીત : રવૈયાને ધોઈને વચ્ચેથી કાપો મૂકો. બટાકાની છાલ ઉતારી તેના પણ એ જ રીતે કાપા પાડી લો. એક વાસણમાં સીંગનો ભૂકો, ચણાનો લોટ, તલ, આદુ-મરચાંની પેસ્ટ અને બધા સૂકા મસાલા તેમજ મીઠું અને કોથમીર ભેગા કરો. આ મસાલામાં તેલના બદલે દહીં અથવા લીંબુનો રસ અને સહેજ પાણી મિક્સ કરો, જેથી મસાલો ભીનો થાય અને બાઈન્ડિંગ આવે. હવે મસાલાને રીંગણ અને બટાકામાં બરાબર દબાવીને ભરી લો. થોડો મસાલો પાછળથી ગ્રેવીમાં ઉમેરવા માટે બચાવી રાખવો. હવે કૂકર ગરમ કરો. તેમાં હિંગ, મસાલો બચ્યો હોય તે અને 1 ચમચી પાણી સાંતળો. હવે ભરેલા રવૈયા-બટાકા ગોઠવી દો. ઉપરથી અડધો કપ પાણી સાઈડમાંથી ઉમેરો. કૂકરનું ઢાંકણ બંધ કરી ધીમા તાપે 2થી 3 વ્હીસલ વગાડી લો. તેલ વગરનું મસાલેદાર ભરેલું શાક તૈયાર છે. છોલે મસાલા
સામગ્રી : કાબુલી ચણા-1 કપ, ડુંગળી-1 નંગ, ટામેટાંની પ્યુરી-1 કપ, આદુ-લસણની પેસ્ટ-1 ચમચી, ટી-બેગ-1, છોલે મસાલો-1 ચમચી, લાલ મરચું-1 ચમચી, ધાણાજીરું-1 ચમચી, આમચૂર-અડધી ચમચી, મીઠું-સ્વાદ મુજબ, કોથમીર રીત : પલાળેલા ચણાને ટી-બેગ, મીઠું અને પાણી સાથે બાફી લો. કડાઈમાં ડુંગળી-આદુ-લસણની પેસ્ટ ધીમા તાપે શેકો. ટામેટાંની પ્યુરી મિક્સ કરી છોલે મસાલો, લાલ મરચું, ધાણાજીરું અને આમચૂર મસાલો મિક્સ કરો. બાફેલા ચણા પાણી સાથે ઉમેરો. ચણાને થોડા મસળવા જેથી ગ્રેવી ઘટ્ટ બને. ઢાંકણ ઢાંકીને ઉકળવા દો. કોથમીરથી ગાર્નિશ કરો. ક્રીમી કાજુ મખાણા કરી
સામગ્રી : મખાણા-1 કપ, આખા કાજુ-10થી 12 ગ્રેવી માટે: ડુંગળી-2 નંગ, ટામેટાં-2 નંગ, આદુ- ટુકડો, લસણ-4 કળી, કાજુ-5 નંગ (પાણીમાં બાફીને પેસ્ટ બનાવી લેવી), અડધો કપ લો-ફેટ દૂધ, જીરું-અડધી ચમચી, તજ-નાનો ટુકડો, તમાલપત્ર-1 નંગ, હળદર-પા ચમચી, લાલ મરચું-1 ચમચી, ધાણાજીરું-1 ચમચી, ગરમ મસાલો-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ રીત : કડાઈમાં મખાણા અને કાજુને ક્રિસ્પી થાય ત્યાં સુધી ડ્રાય રોસ્ટ કરી પ્લેટમાં કાઢી લો. એ જ કડાઈમાં જીરું, તજ, તમાલપત્ર શેકો. સુગંધ આવે એટલે ડુંગળી-ટામેટાંની પેસ્ટને ધીમા તાપે સાંતળો. સૂકા મસાલા અને સ્વાદ મુજબ મીઠું નાખો. ગ્રેવી પાકી જાય એટલે લો-ફેટ દૂધ ઉમેરી ઉકળવા દો. શેકેલા મખાણા -કાજુ મિક્સ કરી ધીમા તાપે બે મિનિટ સીઝવા દો. દાલ મખની સામગ્રી : આખા અડદ-1 કપ, રાજમા-પા કપ (બંને આખી રાત પલાળેલા), ટામેટાંની પ્યુરી-1 કપ, આદુ-લસણની પેસ્ટ-1 ચમચી, કાશ્મીરી લાલ મરચું-1 ચમચી, ગરમ મસાલો-અડધી ચમચી, લો-ફેટ દૂધ-અડધો કપ, મીઠું-સ્વાદ મુજબ, કસૂરી મેથી-ચપટી રીત : કૂકરમાં અડદ, રાજમા, મીઠું અને પાણી ઉમેરી 6-7 વ્હીસલ વગાડી એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી બાફી લો. બફાયા પછી તેને ચમચા વડે સહેજ મસળી લો. પેનમાં આદુ-લસણની પેસ્ટ અને ટામેટાંની પ્યુરી તેલ વગર જ ઉમેરો. ટામેટાંનું પાણી બળી જાય ત્યાં સુધી તેને સાંતળો. હવે તેમાં કાશ્મીરી મરચું અને ગરમ મસાલો મિક્સ કરો. આ ગ્રેવીમાં બાફેલી દાળ-રાજમા ઉમેરી દો. દાલ મખનીનો અસલી સ્વાદ તેને ધીમા તાપે લાંબો સમય ઉકાળવાથી આવે છે, તેથી તેને 15-20 મિનિટ ઉકળવા દો (વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું). દાળ થોડી ઘટ્ટ થવા લાગે એટલે તેમાં અડધો કપ લો-ફેટ દૂધ ઉમેરો, જેનાથી માખણ વગર જ ક્રીમી ટેક્સચર આવશે. કસૂરી મેથી મસળીને ઉમેરી લો. ગેસ બંધ કરી પાંચ મિનિટ સીઝવા દો.
Read Original Article →