માતૃત્વ:ઑફિસની ફાઇલોથી લઈને બાળકના સપનાઓ સુધી
પ્રેરણા કાનાણી આજની સ્ત્રી માત્ર ઘર સુધી સીમિત નથી રહી. તે ઓફિસમાં ફાઈલ સંભાળે છે, મીટિંગમાં નિર્ણય લે છે અને ઘરે આવીને બાળકના હોમવર્કથી લઈને તેના મનના ભાવ સુધી બધું વાંચી લે છે. એક સમય હતો જ્યારે ‘માતા’ અને ‘નોકરી’ બે અલગ શબ્દો માનવામાં આવતા, પરંતુ આજની સ્ત્રીએ આ બંને શબ્દોને એક જ જીવનમાં ખૂબ સુંદર રીતે ગૂંથી દીધા છે. ખરેખર, કામ કરતી સ્ત્રી ઘડિયાળના કાંટા જેવી હોય છે. થાકી જાય તો પણ અટકતી નથી.
‘માતા બનવું એ માત્ર બાળકને જન્મ આપવું નથી,
પરંતુ દરરોજ પોતાને ભૂલીને કોઈને ઘડવાનું નામ છે.’
મનોવૈજ્ઞાનિકો કહે છે કે બાળકના ઉછેરમાં માત્ર ‘સમય’ નહીં, પણ ‘સમજ’ અને ‘સંવાદ’ વધારે મહત્ત્વના છે. ઘણી વખત લોકો માને છે કે નોકરી કરતી માતા બાળકને પૂરતો સમય આપી શકતી નથી, પરંતુ સંશોધનો જણાવે છે કે એવી માતાઓના બાળકો વધુ આત્મનિર્ભર અને જવાબદાર બનતા હોય છે. કારણ કે તેઓ બાળપણથી જ જીવનના સંતુલનને નજીકથી જોતા હોય છે. બાળક માટે મોંઘી રમકડાં કરતાં માતાના પાંચ મિનિટના હાસ્યભર્યા સંવાદ વધારે કિંમતી હોય છે.
ઘણા ઘરોમાં આજે પણ એક અજાણ્યો દબાણ જોવા મળે છે…સ્ત્રી ઓફિસમાં સફળ થાય તો પૂછાય કે ‘બાળકનું શું?’, અને ઘર સંભાળે તો કહેવાય ‘આટલું ભણ્યા પછી?’ આ દ્વંદ્વ સ્ત્રીને અંદરથી થકવી નાખે છે. એક તરફ કરિયરનું દબાણ અને બીજી તરફ ‘પરફેક્ટ મા’ બનવાની સ્પર્ધા. પરિણામે ઘણી સ્ત્રીઓ ‘મોમ ગિલ્ટ’ નામની માનસિક સ્થિતિમાંથી પસાર થાય છે, જેમાં તેઓ સતત પોતાને દોષ આપતી રહે છે. હકીકતમાં, બાળકને પરફેક્ટ મા નહીં, પરંતુ ખુશ અને માનસિક રીતે સ્વસ્થ મા જોઈએ છે.
એક સુંદર વાત છે-
‘બાળકોને માતાની હાજરી યાદ નથી રહેતી,
પરંતુ તેની સાથે અનુભવેલી લાગણીઓ
આખી જિંદગી યાદ રહે છે.’
આજના સમયમાં પિતા અને પરિવારની ભૂમિકા પણ એટલી જ મહત્ત્વપૂર્ણ બની ગઈ છે. બાળ ઉછેર માત્ર માતાની જવાબદારી નથી. તે આખા પરિવારની સંયુક્ત યાત્રા છે. જ્યારે પિતા બાળકને ખવડાવે છે, હોમવર્ક કરાવે છે કે માત્ર તેની વાત સાંભળે છે, ત્યારે બાળકના મનમાં સંબંધોનો વધુ સ્વસ્થ નકશો તૈયાર થાય છે. સમાજે હવે ‘મદદ કરતો પિતા’ નહીં, પરંતુ ‘જવાબદારી વહેંચતો પિતા’ સ્વીકારવો પડશે.
મોબાઇલ અને ડિજિટલ યુગમાં એક નવી સમસ્યા પણ ઊભી થઈ છે. ઘણી વખત નોકરીમાંથી થાકીને આવેલી માતા બાળક સાથે બેઠી હોય છે, પરંતુ તેનું ધ્યાન મોબાઇલમાં હોય છે. મનોવિજ્ઞાન કહે છે કે બાળકને સૌથી વધુ જરૂર ‘ભાવનાત્મક હાજરી’ની હોય છે. દિવસમાં થોડોક સમય પણ જો બાળક સાથે હસતાં, રમતાં અને મનથી વિતાવવામાં આવે તો તેનો આત્મવિશ્વાસ ખૂબ મજબૂત બને છે. કારણ કે બાળક શબ્દોથી ઓછું અને વર્તનથી વધારે શીખે છે.
અંતમાં, નોકરી કરતી સ્ત્રી કોઈ ‘સુપરવુમન’ નથી. તે પણ સામાન્ય માણસ છે. થાકે છે, તૂટે છે, રડે છે, પરંતુ ફરી ઊભી રહે છે. કદાચ એ જ તેની સૌથી મોટી શક્તિ છે. સમાજે હવે તેને ‘બધું સંભાળતી સ્ત્રી’ તરીકે નહીં, પરંતુ ‘પોતાના સપનાઓ અને સંતાન બંનેને સમાન પ્રેમ આપતી વ્યક્તિ’ તરીકે જોવાની જરૂર છે. કારણ કે આખરે, એક સંતુલિત અને ખુશ માતા જ એક સંવેદનશીલ પેઢી ઘડી શકે છે.
‘સ્ત્રી જ્યારે પોતાનું સ્વપ્ન જીવતી હોય છે, ત્યારે તેનો બાળક પણ સપનાઓ જોતા શીખી જાય છે.’
Read Original Article →