પાંચમો વેદ:હું વર્કિંગ વુમન છું અને નિયમિતરૂપે અશ્વગંધા લઉં છું, કોઈ સાઈડ ઇફેક્ટ થઈ શકે?

Magazine6/9/2026, 12:35:00 AM
પાંચમો વેદ:હું વર્કિંગ વુમન છું અને નિયમિતરૂપે અશ્વગંધા લઉં છું, કોઈ સાઈડ ઇફેક્ટ થઈ શકે?
વૈદ્ય પ્રેરક શાહ પ્રશ્ન: મારો પ્રશ્ન છે કે અત્યારે આ ગરમીમાં મને બહુ પરસેવો થાય છે. પરસેવાની ગંધને લીધે ઓફિસમાં કામ કરતા લોકો પણ મારાથી દુર રહે છે. કોઈ ઉપાય ખરો? { નીરવ મોદી, અમદાવાદ ઉત્તર: તીખું, ખારું (મીઠું-સોલ્ટ), લસણ-ડુંગળી, ફાસ્ટ ફૂડ, ચા-કોફી અને ઓછું પાણી પીવાની આદતથી આ સમસ્યા વધે છે. ધાણાનું પાણી, કેરીનો બાફલો અને નાળિયેર પાણી વધારે લઇ શકો. લીમડાના પાનને પાણીમાં પલાળીને તેનાથી નહાવાનું રાખો. બગલમાં ચંદન પાવડરને ગુલાબજળ સાથે મિક્સ કરીને લગાવી શકાય. જો ગંધ વધારે હોય તો ડાયાબિટીસ અથવા અન્ય તપાસ પણ કરાવવી જોઈએ. તેના માટે વૈદ્યને રૂબરૂ મળશો. પ્રશ્ન: મારી ઉંમર 20 વર્ષ છે. મારું વજન 78 કિલો છે. મને આખો દિવસ સુસ્તી અને પેટ ભારે લાગે છે. દિવસ દરમિયાન ગેસ અનુભવાય છે. કંઈ કસરત કરવી જોઇએ અને કયા પ્રકારના આહાર લેવો જોઇએ તે વિશે જણાવો. { હરીશ બદરિયા ઉત્તર: આખો દિવસ સુસ્તી, પેટ ભારે રહેવું અને ગેસ થવો એ મંદાગ્નિની નિશાની છે. બેઠાડું જીવન, જંક ફૂડ, કોલ્ડ ડ્રિંક્સ, ઉતાવળે જમવુ, અનિયમિત ઊંઘ અને ઓછી કસરતથી આ સમસ્યા વધે છે. રોજ ઓછામાં ઓછું 45 મિનિટ મોર્નિંગ વોક કરો, યોગ, સૂર્યનમસ્કાર અથવા સાઈકલિંગ શરૂ કરો. ખોરાકમાં તળેલું, પિત્ઝા-બર્ગર, પેકેટ ફૂડ, વધારે ગળ્યું (સ્વીટ) અને કોલ્ડ ડ્રિંક્સ ટાળો. સારી રીતે ચાવીને, ધીમી સ્પીડથી ખાવાની ટેવ પાડો. જમ્યા પછી થોડું અજમો-જીરું ચાવવું. જમવામાં મગ, દાળ-ભાત-ખીચડી, રાંધેલા શાકભાજી, છાશ અને હળવું ભોજન લેવું. રોજ રાત્રે ત્રિફળા ચૂર્ણ 1 ચમચી નવશેકા પાણી સાથે લેવાનું રાખો. 10-12 દિવસમાં ફાયદો ના જણાય તો નજીકના વૈદ્યને રૂબરૂ બતાવી લેશો. પ્રશ્ન: મારી ઉંમર 72 વર્ષ છે. મને છેલ્લા સાત વર્ષથી મોઢામાં વધારે પડતી નિરંતર લાળ આવ્યા કરે છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી છે. { કે. એમ. ચૌહાણ, અમદાવાદ ઉત્તર: તૂરા ટેસ્ટવાળી વસ્તુઓ, જેવી કે હળદર, ત્રિફળા, હરડે, આમળાં, કાથો લાળનું પ્રમાણ ઓછું કરે છે અને મોંમાં ડ્રાયનેસ કરે છે. હરડેના નાના ટુકડા ચૂસતા રહેવું. ત્રિફળાના પાણીથી કોગળા કરવાથી પણ મોઢાની લાળ અને ચીકાશ ઓછી થાય છે. પ્રશ્ન: મારી ઉંમર 52 વર્ષ છે. મને છેલ્લા સાત વર્ષથી ડાયાબિટીસ છે. હું નિયમિત દવાઓ લઉં છું અને ડોક્ટરના કહ્યા મુજબ જમવામાં પણ બહુ સાચવું છું. છતાં પણ ક્યારેક સુગર વધી જાય છે. ડાયાબિટીસ માટે એલોપથી અને આયુર્વેદ દવાઓ સાથે લઈ શકાય? આજકાલ આયુર્વેદના કે હર્બલના નામે બહુ બધી દવાઓ માર્કેટમાં મળે છે. એમાં મારે કઈ દવા લેવી? { મહેન્દ્ર પંચાલ, ગાંધીનગર ઉત્તર: માનસિક તણાવ-ગુસ્સો–ચિંતા વધારે રહેતા હોય, પૂરતી ઊંઘ ના મળે, કસરતનો અભાવ હોય, પાચન પ્રોપર ના હોય, આવા અનેક પરિબળોને લીધે પણ ઘણીવાર દવા અને ડાયેટ કંટ્રોલ કરવા છતાં સુગર વધઘટ થતી રહે છે. ડાયાબિટીસમાં માત્ર સુગર લેવાની ઘટાડવી નહીં પરંતુ સમગ્ર મેટાબોલિઝમ સુધારવું જરૂરી હોય છે. હા, એલોપથી અને આયુર્વેદિક દવાઓ સાથે લઈ શકાય, પરંતુ તે નિષ્ણાત ડોક્ટર અને વૈદ્યની દેખરેખમાં જ લેવી જોઈએ. કારણ કે કેટલીક દવાઓ સાથે લેતાં સુગર ખૂબ ઓછી થઈ જવાની શક્યતા પણ રહે છે. માર્કેટમાં હર્બલ નામે ઘણી પ્રોડક્ટ્સ મળે છે, પરંતુ દરેક દવા દરેક વ્યક્તિ માટે યોગ્ય હોય એવું નથી. દવા પસંદ કરતાં પહેલાં ઉંમર, શુગર લેવલ, કિડની, લિવર અને અન્ય દવાઓ ધ્યાનમાં લેવી જરૂરી છે. પ્રશ્ન: મારી ઉંમર 23 વર્ષ છે. હું 4-5 વર્ષથી હું દરરોજ સવારે શતાવરી, અશ્વગંધા અને બ્રાહ્મી લઉં છું. મારો પ્રશ્ન છે કે અશ્વગંધા રોજ લેવાય? એની કોઈ સાઈડ ઇફેક્ટ છે? { સોનલ પટેલ ઉત્તર: હા, કેટલાક લોકોમાં અશ્વગંધાથી વજન વધી શકે છે. આયુર્વેદ મુજબ અશ્વગંધા પોષણ આપનાર અને બળવર્ધક ઔષધ માનવામાં આવે છે. જે લોકો બહુ પાતળા હોય, નબળાઈ, થાક, ઊંઘની તકલીફ હોય તેમને અશ્વગંધા વજન અને શક્તિ વધારવામાં મદદરૂપ બને છે. પરંતુ દરેક કેસમાં વજન વધે જ એવું નથી. અશ્વગંધા સૌ માટે રોજ લેવાય એવી હેલ્થ સપ્લિમેન્ટ નથી. વ્યક્તિની પ્રકૃતિ, ઉંમર, જીવનશૈલી અને જરૂરિયાત પ્રમાણે વૈદ્યની સલાહથી લેવી વધુ યોગ્ય છે. પ્રશ્ન: તમે ઉનાળામાં મોગરાનું શરબત બનાવીને પીવાનું સૂચન કરેલું. બનાવવાની રીત બતાવશો. { હિમાલી દલાલ, અમદાવાદ ઉત્તર: મોગરાનું શરબત પિત્તશામક, ઠંડક આપનાર, મન પ્રફુલ્લિત કરનાર છે. તેને બનાવવા તાજા મોગરાના ફૂલ સ્વચ્છ પાણીથી ધોઈ લો. એક વાસણમાં સાકરની એક તારની ચાસણી બનાવી લો. ગેસ પરથી ચાસણીને ઉતારી મોગરાના ફૂલ નાખી લેવા. બીજે દિવસે સવારે તેને ગાળી લેશો એટલે શરબત તૈયાર થઈ જશે. પસંદ હોય તો થોડું ગુલાબજળ, તુલસીના પાન અથવા ઈલાયચી ઉમેરીને ઠંડાં પાણી સાથે પીવાય તો શરીરમાં દાહ-ગરમી, બળતરા, ચીડિયાપણું અને થાકમાં ઉપયોગી બને છે.
Read Original Article →