જ્ઞાન-વિજ્ઞાન:હિમોગ્લોબિન ઘટે છે: દરેક સ્ત્રીની એક જ ફરિયાદ! ઉપાય શું?
ડો. વિજય દવે ભારતીય મહિલાઓને સૌથી વધુ કનડતો અને તેમની મોટાભાગની મુશ્કેલીઓના મુળ સમો કોઈ રોગ હોય તો તે છે રક્તાલ્પતા. (એનિમીયા = હિમોગ્લોબિનનું ઓછુ પ્રમાણ અથવા લોક બોલીમાં લોહીના ટકા ઓછા હોવા) પુખ્ત ભારતીય સ્ત્રીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ સામાન્યત: 12 ગ્રામથી 15.5 ગ્રામ હોવું ઘટે. ગર્ભાવસ્થા દરમિયાન ઓછામાં ઓછું 11 ગ્રામ હિમોગ્લોબિન જોઈએ.
જ્યારે હિમોગ્લોબિન 10 ગ્રામથી નીચે જાય ત્યારે સતત થાક અને નબળાઈ લાગે. (ઓછું હિમોગ્લોબિન ઓકિસજનનું વહન ઓછું કરે), ચહેરો, નખ અને જીભ ફિક્કા દેખાય. (દૂરની રક્તવાહિનીઓમાં ઓછું રૂધિરાભિસરણ થતા ઓછું હિમોગ્લોબિન દેખાય), થોડું ચાલતા શ્વાસ ચડે અને હૃદયનાં ધબકારા વધી જાય.
(આપણે એક વખતના શ્વાસમાં 500 ક્યુબિક મિલીમીટર ઓક્સિજન લેતા હોઈએ છીએ એમાંથી લગભગ અડધા જેટલો જ ઓકિસજન ફેફસાના વાયુકોષોમાં જઈ તે હિમોગ્લોબિનને ડિલિવર થાય છે. 01 ગ્રામ હિમોગ્લોબિન 19 ક્યુબિક મિલીમીટર ઓકિસજનનું વહન કરે.
શરીરમાં ઓછામાં ઓછું 13 ગ્રામ હિમોગ્લોબિન જરૂરી છે.
હિમોગ્લોબિન કુરિયર સેવા બજાવી આખા શરીરના કોષોને ઓકિસજન પહોંચાડી વળતા પ્રવાસમાં કોષોમાંનો કાર્બન ડાયોકસાઇડ ફરી ફેફસામાંનાં વાયુકોષોને આપે છે.
ઓછા હિમોગ્લોબિનને કારણે ઓકિસજનનું વહન ઓછું થતા શ્વાસ ચડે અને હૃદયના ધબકારા વધી જાય, વારંવાર ચક્કર આવે અને માથામાં દુખાવો રહે (આ પણ ઓછા હિમોગ્લોબિન= ઓછા ઓકિસજનના કારણે), હાથ-પગ ઠંડાં પડી જાય (હિમોગ્લોબિન ઓછું હોવાથી સિમ્પેથેટિક નર્વનો આ પ્રતિભાવ છે.)
રક્તાલ્પતાનાં મુખ્ય કારણોમાં
આહારમાં આર્યનની ઉણપ (પુખ્તવયની સ્ત્રીએ રોજ ઓછામાં ઓછું 18 મિલીગ્રામ આર્યન લેવુ જોઈએ. સગર્ભાવસ્થા દરમિયાન 27, તરૂણીઓએ 15, સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ 10 અને મેનોપોઝ પછીના ગાળામાં સ્ત્રીઓએ 08 મિલીગ્રામ આયર્ન દૈનિક ધોરણે લેવુ જોઈએ.) સ્ત્રીઓને દર મહિને માસિક સ્ત્રાવ દરમિયાન થતાં બ્લડ લોસમાં (30-60 એમએલ )15-30 મિલીગ્રામ જેટલું આર્યન ઓછું થાય. ગર્ભાવસ્થા અને સ્તનપાન દરમ્યાન બાળકને અપાતા પોષણને કારણે પણ હિમોગ્લોબીન ઓછું થાય.
ચા, કોફીનું વધારે પડતું સેવન (એમાંનું ટેનીન ખોરાકમાંના લોહતત્વને શરીરમાં શોષાવા દેતું નથી), તમાકુ અને આલ્કોહોલને કારણે શરીરની ખોરાકમાંના આર્યન, વિટામીન બી12, અને સી, તેમજ ફોલિક એસિડના શોષવાની ક્ષમતા ઘટવાના કારણે હિમોગ્લોબિન ઓછું થાય. ઓછા હિમોગ્લોબિનની સારવાર માટે લીલા શાકભાજી (પાલક, તાંદળજો, મેથી જેવી લીલા પાંદડાની ભાજી, બીટ, ગાજર) દાડમ, સફરજન, અંજીર, ખજુર, કાળી દ્રાક્ષ જેવા સુકામેવા અને ફળો, તમામ કઠોળ અને સોયાબીન, ગોળ અને શેકેલા ચણા લેવા.
જો હિમોગ્લોબિન 10 ગ્રામથી ઓછું હોય તો તુરંત જ ડોકટરની સલાહ મુજબ આયર્નની ગોળીઓ, સીરપ કે ઇંજેકશન લો.
Read Original Article →