સુનામી:ગૃહિણીને ઘરકામ માટે વેતન, તો પુરૂષને ઘર ચલાવવા કમિશન?

Magazine6/2/2026, 12:35:00 AM
સુનામી:ગૃહિણીને ઘરકામ માટે વેતન, તો પુરૂષને ઘર ચલાવવા કમિશન?
આર્ટિકલ વાંચવાનું શરૂ કરો એ પહેલા થોડા સવાલો... શું તમે એવું માનો છો કે-આપણાં દેશની ગૃહિણીઓ ઘરમાં-ઘર માટે-પતિ માટે-પરિવાર માટે જે કંઇપણ કામ કરે છે એનું એમને વેતન મળવું જોઇએ? શું તમે એવું પણ માનો છો કે-ગૃહિણીઓ વગર વેતને કામ કરી રહી છે-એમને વેતન નથી મળી રહ્યું એ એમની સાથે થઇ રહેલો અન્યાય છે? હમણાં થોડા દિવસ પહેલા આપણાં દેશની સંસદમાં એક ઇન્ટરેસ્ટિંગ મુદ્દા પર ચર્ચા થઇ. મુદ્દો હતો-ગૃહિણીઓ. આપણાં દેશની ગૃહિણીઓ ઘરમાં જે કંઇપણ કામ કરી રહી છે એનાં બદલામાં એને વેતન મળવું જોઇએ, એનું પી.એફ હોવું જોઇએ, એમને પેન્શન મળવું જોઇએ. ગૃહિણીઓ જે ઘરકામ કરે છે, જે જવાબદારીઓનું વહન કરે છે એ તમામ ‘કામ’ની કેટેગરીમાં મૂકાવા જોઇએ. આપણે ત્યાં ઘણી ગૃહિણીઓ એવું માનતી પણ હોય છે અને વારંવાર એવું કહેતી પણ હોય છે કે અમે તો વગર પગારની નોકરી કરીએ છીએ. આમ જોવા જઇએ તો એક ગૃહિણીએ દિવસભરમાં કેટલા કામો એકસાથે કરવાનાં હોય છે. એણે સવારનાં વહેલા ઉઠવાનું હોય છે, પરિવારનાં દરેક સભ્યો માટે ચા મૂકવાની હોય છે, ભગવાનની પૂજા કરવાની હોય છે, પતિને પર્સ-રૂમાલ અને ચાવી આપવાની હોય છે, પતિ અને બાળકોનું ટિફિન ભરવાનું હોય છે. કપડાં ધોવાનાં હોય છે. ધોવાયેલા કપડા સૂકવવાનાં હોય છે, સૂકાયેલા કપડાની ઘડી કરવાની હોય છે, રસોઇ કરવાની હોય છે, રસોડું ધોવાનું હોય છે, વાસણો કરવાનાં હોય છે, વાસણો ગોઠવવાનાં હોય છે-બાળકોને ભણાવવાનાં હોય છે-શાકભાજીની જેમ બાળકો બગડી ના જાય એનું ધ્યાન રાખવાનું હોય છે-પતિનાં મૂડને સાચવવાનો હોય છે-સાસુનાં મહેણાં સાંભળવાનાં હોય છે-સસરાની દવા યાદ રાખવાની હોય છે-સામાજિક વ્યવહાર જાળવવાનો હોય છે-રાત્રે બધા ઊંઘે એ પછી ઊંઘવાનું હોય છે. હવે ઘણા ઘરોમાં આ બધા કામો કરવા માટે ગૃહિણી પાસે હેલ્પર હોય છે. કપડાં-વાસણ-ઝાડૂ-પોતા માટે માસી આવતા હોય છે. જે ગૃહિણી પાસે આ સવલત નથી એમણે કામ જાતે કરવું પડે છે. ગૃહિણી જે કામ કરે છે-એ વંદનીય છે-પણ સવાલ એ છે કે-આ બધા કામ માટે ગૃહિણીને ચોક્કસ વેતન મળવું જોઇએ? જો આનો જવાબ હા હોય તો-વેતન લઇને ઘરનું કામ કરતી ગૃહિણીનો ઘર પરનો-પતિ પરનો-બાળકો પરનો-પરિવાર પરનો અધિકાર એટલો જ ગણાશે? ધારો કે-એને ઘરનું કામ કરવા માટે વેતન મળ્યું, પી.એફ મળ્યું-પેન્શન મળ્યું-તો જ્યારે છૂટાછેડા થશે ત્યારે એ એલીમની માટે હકદાર ગણાશે? મને એવું લાગે છે કે-આપણે ગૃહિણીને વેતન આપવાની વાત કરી એનું જ સન્માન ઓછું કરી રહ્યા છીએ-કારણ કે આપણાં ઘરે પગાર લઇને કામ કરવા આવતી બહેનો, માસીઓ અને તમારા ઘરની વહુ, પત્ની-કે તમારા બાળકોની મા વચ્ચે બહુ મોટો ફર્ક છે. એક સ્ત્રી જ્યારે લગ્ન કરે છે ત્યારે એ પતિ સાથેનાં સહજીવનનો સ્વીકાર કરે છે. સપ્તપદીનાં સાત વચનોમાં સુખ અને દુખમાં સરખા હિસ્સાની પાર્ટનરશીપનું પણ વચન અપાય છે. ઘરનું કામ-બાળકોનો ઉછેર-પરિવારનાં અન્ય સભ્યોની કાળજી એ સહજીવન પેટે એનાં હિસ્સે આવેલી જવાબદારી છે. આ જવાબદારી માટે એને વેતન આપવું એ એનાં સન્માનને ઓછું કર્યા જેવું ગણાશે. ધારો-કે આપણે ગૃહિણીને ઘરકામ બદલ વેતન આપીએ છીએ તો પુરૂષોને ઘર ચલાવવા બદલ કમિશન આપવાનું? જો ગૃહિણીને ઘરકામ બદલ વેતન આપવાનું તો એનાં લગ્નને લગ્ન જ ગણવાનાં કે બિઝનેસ ડિલ ગણવાની? ગૃહિણીઓને વેતન આપવું હોય તો એને આત્મસન્માનનું વેતન આપો. એણે લીધેલી તમારી કાળજીની વેલ્યુ કરો, એણે તમને સમર્પિત કરેલો સમય, સમર્પિત કરેલું જીવન-એની કદર કરો. ગૃહિણીને જો વેતન આપવું જ હોય તો તમારા સ્નેહનું, તમારા સમયનું, તમારા સમર્પણનું, તમારા કમિટમેન્ટનું વેતન આપો. જે સ્ત્રીએ આખી જીંદગી તમારા ઘરનાં રસોડામાં પૂરી કરી હોય એ સ્ત્રીને બાજુએ મૂકી બીજી સ્ત્રી તરફ નજર ના માંડો-આ તમે આપેલું વેતન ગણાશે. બાકી, ગૃહિણીઓની સલામતી માટે કાયદાઓ છે-જે એની પડખે અડીખમ ઊભા છે જ!!
Read Original Article →