પહેલું સુખ તે...:ચાલતાં-ચાલતાં કરેલી વાતચીતથી લાભ

Magazine4/14/2026, 12:35:00 AM
પહેલું સુખ તે...:ચાલતાં-ચાલતાં કરેલી વાતચીતથી લાભ
ક્યારેક મીટિંગ રૂમને બદલે બહારના વાતાવરણમાં યોજવામાં આવે ત્યારે એકદમ અનોખું પરિણામ જોવા મળે છે, તેનું કારણ છે, લોકો ચાલતાં હોય છે. ચાર્લ્સ ડિકન્સ જેવા લેખકે જણાવ્યું છે કે જ્યારે તેઓ ચાલવા જતાં ત્યારે તેમના વિચારો વધારે વ્યવસ્થિત થતા. આજે આધુનિક સશોધન અને કાર્યસ્થળે આ જ ટ્રેન્ડની પુન:શરૂઆત થઇ છે. ચાલતાં-ચાલતાં વાતચીત કરતા મીટિંગ પણ કરે છે, તેમાં સંવાદની સાથોસાથ વિચારોનું આદાનપ્રદાન પણ થતું હોય છે, જે સ્પષ્ટતા, રચનાત્મકતા અને નિર્ણાયકક્ષમતામાં ફેરફાર લાવે છે. મૂવમેન્ટથી મગજ સક્રિય બને છે: જ્યારે તમે ચાલતાં હો ત્યારે હૃદયનું પમ્પિંગ વધવાથી શરીરમા લોહીનું પરિભ્રમણ વધારે ઝડપથી થાય છે, જે મગજને પણ પહોંચે છે. આના કારણે મગજના કોષોને વધારે ઓક્સિજન પ્રાપ્ત થાય છે. પરિણામે મગજમાં સ્મૃતિ, એકાગ્રતા અને સમસ્યાનો ઉકેલ લાવતાં સંબંધિત હિસ્સા વધારે સક્રિય બને છે. જ્યારે એક જ જગ્યાએ લાંબો સમય બેસી રહેવાથી ઊર્જામાં ઘટાડો થાય છે. આથી જ ઘણા લોકો જે કલાકો સુધી એક જગ્યાએ બેસી રહે છે, તેમને માનસિક થાક વધારે અનુભવાય છે. ચાલવાથી મગજ વધારે સજાગ બને છે, જેથી કુદરતી રીતે જ વધારે આઇડિયા આવે છે. ચાલવાથી માનસિક દબાણમાં ઘટાડો થાય છે: સામાન્ય રીતે મીટિંગ દરમિયાન વાતાવરણ થોડું ટેન્શનભર્યું હોય છે. મીટિંગમાં હાજર રહેનારે એકબીજાની સામે બેસવાની સાથે આંખોનો સંપર્ક જાળવવાનો હોય છે અને ઝડપથી પ્રતિભાવ આપવાનું દબાણ રહે છે. એવામાં તેઓ દબાણ અનુભવતા વિચારે છે. જ્યારે ચાલવાથી મનોવૈજ્ઞાનિક વાતાવરણમાં ફેરફાર થાય છે. જ્યારે બે વ્યક્તિઓ સાથે ચાલતાં જતાં હોય ત્યારે તેમની વચ્ચે મતભેદ ઓછા થાય છે અને વધારે સહયોગ જણાય છે. શરીર રીલેક્સ થાય છે, ઊંડા શ્વાસોચ્છવાસ લેવાય છે અને વિચારો મુક્ત મને આવે છે. ઘણી વાર વાતચીત અને પ્રતિક્રિયા મુક્ત રીતે વ્યક્ત થાય છે. મગજને લયસભર ગતિ ગમે છે: ચાલવાથી શરીરમાં એક પ્રકારનો લય ઉત્પન્ન થાય છે. એક ડગલા પછી બીજું ડગલું, શ્વાસ લેવો અને છોડવામાં એક પ્રકારનો લય આવે છે. આ લય નર્વ સિસ્ટમને શાંત કરે છે અને વિચારોને આપમેળે ઓર્ગેનાઇઝ કરે છે. ઘણા લોકોએ નોંધ્યું છે કે જ્યારે તેઓ કોઇ મુશ્કેલી કે સમસ્યાનો ઉકેલ શોધતાં હોય ત્યારે એક જગ્યાએ બેસીને તે અંગે વિચારવાને બદલે ચાલતાં-ચાલતાં તેનો ઉકેલ ઝડપથી મળે છે. કુદરતની પણ અસર થાય છે: ઘર કે ઓફિસની બહાર ચાલતી વખતે એક અન્ય લાભ પણ થાય છે. કુદરતી પ્રકાશ, તાજી હવા અને નજર સામે દેખાતી લીલોતરી સ્ટ્રેસ ઘટાડે છે અને એકાગ્રતા વધારે છે. બહારના દૃશ્યો નજરને સ્ક્રીન્સ અને આર્ટિફિશિયલ લાઇટિંગથી મુક્તિ આપે છે. આનાખી મગજ પુન: સજાગ થાય છે, વિચારોમાં સ્પષ્ટતા આવે છે અને વાતચીતમાં વધારે સારી રીતે ધ્યાન આપી શકાય છે. જ્યારે શરીર હલનચલન કરે છે, ત્યારે મગજ શારીરિક પ્રવૃત્તિ સાથે વધારે સંકળાય છે, રચનાત્મકતામાં વધારો થાય છે અને નવા-નવા આઇડિયા આવે છે. હવે પછી જ્યારે તમારે વાતચીત કરવાની હોય ત્યારે કોન્ફરન્સ રૂમની ખુરશી પર બેસવાનું છોડો. ચાલવાની શરૂઆત કરો. ડેસ્કની સરખામણીએ વધારે સારી રીતે વિચારી શકશો.
Read Original Article →