મૂડ માઈન્ડ:શું હું હવે એટ્રેક્ટિવ નથી?

Magazine5/26/2026, 12:35:00 AM
મૂડ માઈન્ડ:શું હું હવે એટ્રેક્ટિવ નથી?
ડો. સ્પંદન ઠાકર રાત્રે અઢી વાગ્યા હતા. વૃષિકા બાલ્કનીમાં એકલી બેઠી હતી. હાથમાં ફોન હતો… અને આંખોમાં પાણી. થોડા સમય પહેલાં જ એને પોતાના પતિના મેસેજિસ દેખાયા હતા. કોઈ બીજી સ્ત્રી સાથેની નિકટતા, પ્રેમભરી વાતો અને જૂઠ્ઠાણાં. ઘરમાં બધું શાંત હતું, પણ વૃષિકાના મનમાં તોફાન ચાલતું હતું. થોડીવાર પછી તેનો પતિ રૂમમાં આવ્યો. વૃષિકાએ સીધી વાત કરી દીધી. વૃષિકાને લાગ્યું કે કદાચ હવે એ માફી માગશે. કદાચ પસ્તાવો દેખાશે. કદાચ સંબંધ બચાવવાની વાત કરશે. પણ એ શાંતિથી બોલ્યો, ‘હવે ડ્રામા ન કર,તું ક્યારેય મને સમજતી જ નહોતી, દરેક માણસને થોડી ખુશી જોઈએ.’ વૃષિકાના હાથ ઠંડાં પડી ગયા. એને એ ક્ષણે સમજાયું, કેટલાક લોકો ભૂલ કર્યા પછી પણ સ્વીકારતા નથી. ઉલ્ટું, તેઓ સામેની વ્યક્તિને જ એવું ફીલ કરાવે છે કે જાણે બધી એની જ ભૂલ હોય. આજે ઘણી મહિલાઓ આ જ માનસિક પીડામાંથી પસાર થાય છે. ઘણી વખત અફેર કરતાં પણ વધારે દુઃખ એ વાત આપે છે કે સામેની વ્યક્તિને જરા પણ અફસોસ નથી હોતો. ધીરે ધીરે વૃષિકા બદલાવા લાગી. એ પહેલાં જેવી હસતી નહોતી. રાત્રે ઊંઘ આવતી નહોતી. દરેક નૉટિફિકેશન પર દિલ ધબકતું. એ વારંવાર અરીસામાં પોતાની જાતને જોતી અને વિચારતી, ‘શું હું હવે એટ્રેક્ટિવ નથી?’ ‘શું મારી અંદર જ કંઈક ખામી છે?’ આ ઈમોશનલ તિરસ્કારની મન પર ખૂબ ઊંડી અસર પડી હતી. વ્યક્તિ ધીમે ધીમે સેલ્ફ-ડાઉટમાં ફસાઈ જાય છે. સતત વિચારો, એંક્ઝાયટી અને ઉદાસીનતાના લક્ષણો દેખાવા લાગે છે. ઘણી વખત સ્ત્રી એ જ વ્યક્તિ પાસે ક્લોઝર શોધતી રહે છે… જેણે એને સૌથી વધારે તોડી હોય. પણ હીલિંગ ત્યાંથી શરૂ થાય છે, જ્યાં આપણે એક કડવું સત્ય સ્વીકારીએ, ‘જે વ્યક્તિ વારંવાર દુઃખ આપે છે, એ જ વ્યક્તિ આપણને શાંતિ પાછી આપી શકતા નથી.’ એક દિવસ વૃષિકા થેરપિસ્ટ પાસે ગઈ. એણે સતત એક જ પ્રશ્ન પૂછ્યો, ‘એને જરા પણ ગિલ્ટ કેમ નથી?’ થેરપિસ્ટે શાંતિથી કહ્યું, ‘કારણ કે કેટલાક લોકો પ્રેમથી નહીં… ઈગોથી સંબંધ ચલાવે છે.’ આ વાત વૃષિકાના દિલમાં ઊતરી ગઈ. એ દિવસ પછી એણે ધીમે ધીમે ફરી જીવવાનું શરૂ કર્યું. રોજ એક્સપ્લનેશન માગવાનું બંધ કર્યું. ફોન ચેક કરવાનું બંધ કર્યું. પોતાની જાતને બીજી સ્ત્રી સાથે સરખામણી કરવાનું બંધ કર્યું. કારણ કે દરેક સરખામણી એને અંદરથી વધુ તોડી રહી હતી. જૂના મિત્રો સાથે ફરી વાતો શરૂ કરી. પોતાની કરિયર અને ફાઇનાન્શિયલ ઇન્ડિપેનડેન્સ પર ધ્યાન આપવાનું ચાલુ કર્યું. અને સૌથી મહત્ત્વનું એણે રડતાં રડતાં જીવવાનું બંધ કર્યું. કેટલાક સંબંધોમાં સૌથી મહત્ત્વનો ઉપાય ચીસો પાડવી નથી હોતી…પણ શાંતિથી લાગણીમુક્ત થઈ જવું હોય છે. કારણ કે ટોક્સિક લોકોને તમારા આંસુથી કોઈ ફરક પડતો નથી. પણ એક દિવસ જ્યારે તમે અંદરથી મજબૂત બની જાઓ… ત્યારે તેમને સમજાય છે કે હવે તેઓ તમારું મન કંટ્રોલ કરી શકતા નથી. મૂડ મંત્ર : કોઈનો દગો તમારી કિંમત નક્કી કરતો નથી…પણ તૂટ્યા પછી તમે પોતાને કેવી રીતે ફરી સંભાળો છો, એ તમારી સાચી ઓળખ બને છે.
Read Original Article →