મધુરિમા ન્યૂઝ:આદિવાસી મહિલાઓની પેડ વુમન

Magazine4/14/2026, 12:35:00 AM
મધુરિમા ન્યૂઝ:આદિવાસી મહિલાઓની પેડ વુમન
લજ્જા દવે પંડ્યા સામાજિક કાર્યકર એવાં સ્વાતી બેડેકર છેલ્લા 25 વર્ષથી વડોદરાની આસપાસના ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોની મહિલાઓના જીવનમાં બદલાવ લાવવાનું કાર્ય કરી રહ્યાં છે. તેમના ‘વાત્સલ્ય ફાઉન્ડેશન’ હેઠળ શરૂ થયેલો ‘સખી’ પ્રોજેક્ટ આજે મહિલા સશક્તિકરણની એક મજબૂત ચળવળ બની ચૂક્યો છે. છેવાડાની મહિલાઓને સસ્તા અને સ્વચ્છ સેનિટરી પેડ પૂરા પાડવાના હેતુ સાથે શરૂ કરાયેલો આ પ્રોજેક્ટ મહિલાઓને પેડ બનાવવાની તાલીમ આપીને રોજગારી પણ અપાવી રહ્યો છે. તાજેતરમાં સ્વાતીબેને પેડ ગાથા નામનું પુસ્તક પણ લખ્યું છે. જેમાં તેમણે પોતાના વર્ષોના અનુભવો અને પ્રોજેક્ટને કારણે મહિલાઓના જીવનમાં આવેલા પરિવર્તનોનું ખૂબ જ જીવંત રીતે દસ્તાવેજીકરણ કર્યું છે. આ પુસ્તકમાં લીધેલી દાહોદની શાંતિ રાઠવાની કહાની અત્યંત પ્રેરણાદાયી છે. એક સમયે અંધશ્રદ્ધાનો ભોગ બનેલી શાંતિને ગામના લોકોએ ‘ડાયણ’ કહીને ગામની બહાર કાઢી મૂકી હતી. સ્વાતિબેનના સહયોગથી શાંતિએ સમાજના અન્યાયને સ્વીકારી લેવાને બદલે મહેનત કરી નસીબ બદલવાનો માર્ગ પસંદ કર્યો. અન્ય કોઈ જગ્યા ન મળતાં તેણે ગામના હનુમાન મંદિરના પરિસરમાં સેનિટરી પેડ બનાવવાનું યુનિટ શરૂ કર્યું. આજે એ જ શાંતિ રાઠવા પોતાના ગામની 20 જેટલી મહિલાઓને રોજગાર આપે છે અને અંધશ્રધ્ધા સામે જાગૃતિ ફેલાવે છે! દેશના પ્રથમ સમલૈંગિક સાંસદ મેનકા ગુરુસ્વામી આઇપીસીની કલમ 377 હેઠળ, 2018 સુધી આપણા દેશમાં સમલૈંગિકતા સજાપાત્ર ગુનો ગણાતી હતી. 2018માં ‘નવતેજ સિંહ જોહર વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા’ના ઐતિહાસિક કેસ દ્વારા આ કલમને રદ કરાવવામાં જેમનો મહત્ત્વનો ફાળો છે તે બાહોશ વકીલ એવા મેનકા ગુરુસ્વામીએ તાજેતરમાં રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લીધા છે. મેનકા પોતે સમલૈંગિક હોવાનું જાહેરમાં સ્વીકારનારા દેશના પ્રથમ સાંસદ બન્યા છે. તેઓ તૃણમૂલ કોંગ્રેસ તરફથી પશ્ચિમ બંગાળના પ્રતિનિધિ તરીકે ચૂંટાયા છે. ભારતીય લોકશાહીમાં LGBTQ+ સમુદાયના પ્રતિનિધિત્વ માટે આ એક સીમાચિહ્નરૂપ ઘટના છે. તેમને સુપ્રીમ કોર્ટમાં વકીલ તરીકેનો બહોળો અનુભવ પણ છે. તેમના પ્રવેશથી જ્યાં કાયદાઓ બને છે તે રાજ્યસભામાં હક અને સમાનતા અંગે ચર્ચાઓ વધુ અસરકારક બનશે તેવી આશા જાગી છે. 11 વર્ષની બાળકી બ્રિટનની નંબર 1 મહિલા ચેસ ખેલાડી ભારતીય મૂળની અને લંડનમાં જન્મેલી ફ્કત 11 વર્ષની બોધના સિવાનંદન બ્રિટનની નંબર 1 મહિલા ચેસ ખેલાડી બની ગઈ છે. તેનો હાલનો FIDE રેટિંગ 2366 છે. કોરોનાકાળમાં માત્ર પાંચ વર્ષની ઉંમરે તેણે યુટ્યુબ પરથી ચેસ શીખવાનું શરૂ કર્યું હતું. ટૂંક સમયમાં જ તેણે આ રમત આત્મસાત કરી લીધી. સાત વર્ષે તેણે યુરોપિયન સ્કૂલ્સ ચેમ્પિયનશિપમાં તમામ મેચો જીતીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. નવ વર્ષે તે ઇંગ્લેન્ડની સૌથી નાની ઓલિમ્પિયાડ ખેલાડી બની ગઈ હતી. દસ વર્ષે તેણે એક ગ્રાન્ડમાસ્ટરને હરાવી ‘વુમન ઇન્ટરનેશનલ માસ્ટર’નો ખિતાબ મેળવ્યો હતો! આટલી નાની ઉંમરે આટલી સફળતા મેળવનારી બોધના ઘણા બાળકો માટે પ્રેરણા બની છે. આ સિદ્ધિ માટે બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ઋષિ સુનક અને ચાન્સેલર રેચલ રીવ્સે પણ તેની પ્રશંસા કરી છે. એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી સાઈકલ ચલાવીને પહોંચી 28 વર્ષની દિવ્યા સિંઘે અનોખું એડવેન્ચર પાર પાડ્યું છે. તે સાઈકલ લઈને એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા બની છે. દિવ્યાએ પોતાની યાત્રા કાઠમંડુથી શરૂ કરી હતી. નમચે બજાર અને લોબુચે જેવા અઘરા માર્ગો પરથી પસાર થઈને તે અંતે બેઝ કેમ્પ સુધી પહોંચી. 17560 ફૂટની ઊંચાઈએ આવેલા આ સ્થળ સુધી પહોંચવું અઘરું છે. ઘણા સ્થળે -12°C જેટલી અતિશય ઠંડી, ઉબડ ખાબડ રસ્તા અને ઓક્સિજનની અછત જેવી પરિસ્થિતિ હતી. તો વળી, કેટલીક જગ્યાએ તો રસ્તો જ નહોતો ત્યાં તેને સાઈકલ ખભા પર ઉંચકી ને ચાલવું પડતું. તેમ છતાં, તેણે દરરોજ 10થી 12 કલાક સુધી સાઈકલ ચલાવીને 14 દિવસમાં આ યાત્રા પૂર્ણ કરી. તેની આ સિદ્ધિ હવે સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા મેળવી રહી છે અને ઘણા લોકો માટે પ્રેરણાનું કારણ બની છે. એક સામાન્ય શિક્ષિકાએ પોતાની અસામાન્ય હિંમતનું ઉદાહરણ બેસાડીને સાબિત કર્યું છે કે સપનાઓ પૂરા કરવા માટે હિંમત અને લગન સૌથી મહત્ત્વની છે.
Read Original Article →