પાંચમો વેદ:સળંગ 7-8 કલાક ચેરમાં બેસી રહેવું પડે છે, કમરમાં દુખાવો થાય છે
વૈદ્ય પ્રેરક શાહ પ્રશ્ન: મને 2 વર્ષથી ડાબા ઘૂંટણમાં દુખાવો થાય છે. સીડીઓ ચઢવામાં સામાન્ય તકલીફ પડે છે. મારી ઉંમર 52 વર્ષ છે. મારે સાંધાના વા થી બચવા માટે શું કરવું જોઈએ?{ રમેશભાઈ ત્રિવેદી, અડાલજ
ઉત્તર: સંધિવાથી બચવા માટે રોજ હળવી કસરત કરવી જરૂરી છે, જેમકે સવારે થોડું ચાલવાનું કરી શકાય. લાંબા સમય સુધી ઉભા રહેવાનું ટાળો અને વજન વધે નહીં તેનું ધ્યાન રાખશો. ઠંડીમાં રોજ બંને ઘૂંટણ પર હળવા હાથે તેલથી માલીશ કરીને, ગરમ પાણીથી નહાવાથી સાંધાની જક્ડાહટ દુર થશે અને તમારી હલન-ચલનની તકલીફ દુર થશે. છતાં પણ દુખાવો ચાલુ રહે તો નજીકના વૈદ્યને રૂબરૂ બતાવીને સારવાર કરાવશો.
પ્રશ્ન: મારી ઉંમર 38 વર્ષ છે, હું સેલ્સમેનની જોબ કરું છું. મને છેલ્લા 6 મહિનાથી ગેસ, એસીડીટી અને અપચો રહ્યા કરે છે. શું કારણ હોઈ શકે? એસિડિટીની દવાઓ નિયમિત લઇ શકાય?{ મિનેષ રાણા, અમદાવાદ
ઉત્તર: સેલ્સમેનની જોબમાં વારંવાર મુસાફરી કરવાની આવે, સમય-કસમયે જમવું પડે, વળી સતત બહારનું જમવાનું, તેલ-મસાલાનો અતિરેક પાચનની તકલીફો ઉભી કરે છે. ઉપરાંત મોટા ભાગે સેલ્સમેન લોકોને ફટાફટ જમવાની આદત હોય છે. નોકરીની ભાગદોડ, માનસિક તણાવ પણ પાચનની ફરિયાદો ઉભી કરે છે. તમે જમવાનો સમય નિશ્ચિત કરીને, ધીમેથી ચાવીને જમવાની ટેવ પાડો તે યોગ્ય રહેશે. એસિડિટીની કોઈ પણ દવાઓ નિયમિતપણે લેવાને બદલે ખોરાકમાં થોડો બદલાવ લાવીને, પાચન સુધરે તેવી આદતો અપનાવો તો બધું સારું થઇ જશે.
પ્રશ્ન: હું કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરું છું. મને હમણાંથી બહુ વાળ ખરે છે. મારા વાળ પાતળા થઇ રહ્યા હોય તેવું લાગે છે અને મને આખો દિવસ થાક લાગ્યા કરે છે. { મીતા મોદી, શાહપુર
ઉત્તર: તમે સૌ પહેલા કેલ્શિયમ, વિટામીન B12 અને આયર્નની તપાસ કરાવો. ઘરનો, તાજો બનાવેલો – સાત્વિક ખોરાક અને સારી ઊંઘ બહુ જ જરૂરી છે. નિયમિત હેડ મસાજ કરવાથી વાળ સારા થશે, સાથે ઊંઘ પણ સારી આવશે. ખરતા વાળ એ બહુ કોમન ફરિયાદ છે, એના માટે ઘણા કારણો હોઈ શકે. કેટલીક વાર થાયરોઈડ, શરીર ધોવાતું હોય કે અન્ય માસિકના રોગોમાં પણ વાળ ખરતા હોય છે. આવા કેસમાં વાળની સારવાર કરવાને બદલે જે મુખ્ય રોગ હોય તેની સારવાર કરવાથી વાળ ખરતા અટકી જાય છે.
પ્રશ્ન: હું 34 વર્ષનો યુવાન છું, MNCમાં જોબ કરું છું. મારે સળંગ 7-8 કલાક ચેરમાં બેસી રહેવું પડે છે. મને છેલ્લા 3-4 મહિનાથી કમરમાં દુખાવો થાય છે. લાંબું બેસતાં દુખાવો વધે છે ત્યારે મારે પેઇન્કિલર દવાઓ લેવી પડે છે.
{ સિરાજ લોખંડવાલા, વડોદરા
ઉત્તર: મલ્ટીનેશનલ કંપનીઓમાં કામ કરતા યંગસ્ટર્સને, લાંબો સમય સુધી, એક જ પોઝિશનમાં બેસી રહેવાથી કમરમાં દુખાવો થતો હોય છે. તમારે દર કલાકે – બે કલાકે ઊભા થઈને ઓફિસમાં થોડા આંટા મારવા, કમરની સ્ટ્રેચિંગ એકસરસાઈઝ કરવી, ખુરશીમાં બેસવાના સાચા પોશ્ચર વિશે જાણવું જરૂરી છે. જો વજન વધારે હોય તો, વજન ઘટાડો, સાથે સાથે સમય મળ્યે કમર પર થોડી તેલ-માલીશ પણ કરાવી શકો, અથવા સ્પાનો અનુભવ પણ લઇ શકાય.
પ્રશ્ન: મારું નામ પ્રશાંત પટેલ છે. મારી ઉંમર 46 વર્ષ છે. ઘણા સમયથી મારા માથાના વાળ બહુ ખરેછે. કૃપા કરીને કોઈ આયુર્વેદિક ઉપાય જણાવશો.
{ પ્રશાંત પટેલ
ઉત્તર: નમસ્તે પ્રશાંતભાઈ, વાળ ખરવું આજકાલ સામાન્ય સમસ્યા બની ગઈ છે. આયુર્વેદ મુજબ તેનું મુખ્ય કારણ પિત્ત અને વાત દોષનું અસંતુલન છે, પરંતુ તેની પાછળ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે. માનસિક તણાવ વાળની જડોને નબળી બનાવે છે, અપૂરતું પોષણ, પ્રોટીન, આયર્ન, વિટામિનની કમી, અનિયમિત જીવનશૈલી, ઊંઘની અછત, ઉજાગરા, અયોગ્ય આહાર, ડાયાબિટીસ, એનિમિયા, લાંબા સમયની બીમારીઓ જેવી કે થાઇરોઇડ, ઉપરાંત સ્ત્રીઓમાં મેનોપોઝ જેવા રોગોમાં પણ વાળ ખરતા હોય છે. શેમ્પૂ, ડાય, હેર ટ્રીટમેન્ટ્સનો વધુ પડતો ઉપયોગ, પાણીની ગુણવત્તા એટલેકે (Hard water) ના કારણે પણ વાળ ખરતા હોય છે. કેટલીક દવાઓની સાઇડ ઇફેક્ટમાં પણ વાળ ખરે છે.
આયુર્વેદના મતે પિત્તવર્ધક આહાર વધુ પડતું તીખું, ખાટું, તળેલું ખાવાથી વાળ ખરી શકે છે. આથી, યોગ્ય ઉપચાર માટે મૂળ કારણ શોધવું અત્યંત મહત્ત્વનું છે. તમે દરરોજ અથવા અઠવાડિયામાં 3-4 વખત નાળિયેર તેલમાં આમળા અથવા ભૃંગરાજ તેલ મિશ્રિત કરીને માથાની મસાજ કરવાનું રાખશો. તણાવ ઘટાડવા માટે પ્રાણાયામ અને યોગ કરો. પૂરતી ઊંઘ લો, ગુસ્સો બહુ રહેતો હોય તો તેને કંટ્રોલ કરો. જમવામાં બહુ તીખું, તળેલું અને ફાસ્ટફૂડ લેવાનું ટાળો. આમળા, તલ, લીલા શાકભાજી, દાળ -કઠોળ લેવાનું રાખો. રાતના ઉજાગરા કરશો નહીમ. કવોલિફાઈડ વૈદ્યની સલાહથી જ ભૃંગરાજ, આમળા અથવા બ્રાહ્મી જેવી દવાઓ લઈ શકાય, અથવા શિરોધારા ટ્રીટમેન્ટ કરાવશો. જો સમસ્યા વધુ હોય અથવા લાંબા સમયથી ચાલુ હોય, તો ઉપર બતાવેલા કારણોમાંથી મૂળ કારણ શોધીને તેની સારવાર કરવી જરૂરી બને છે.
Read Original Article →