સુનામી:વૃક્ષની જરૂર પર્યાવરણને છે, તમારા સોશિયલ મીડિયાને નથી!
સવાલ 1 તમે વૃક્ષો શેના માટે વાવો છો? સોશિયલ મીડિયા પર ફોટોગ્રાફ્સ મૂકવા માટે? અખબારોમાં પ્રેસનોટ છપાવવા માટે? તમારા વોટ્સએપ ગ્રુપમાં શેખીઓ મારવા માટે? કે પર્યાવરણનાં સંવર્ધન માટે?
સવાલ 2 જો તમે પર્યાવરણનાં સંવર્ધન માટે વૃક્ષ વાવો છો-તો તમે પર્યાવરણનાં સંવર્ધન માટે બીજું શું કરો છો?
સવાલ 3 તમે ક્યારેય પણ વૃક્ષ વાવ્યા હોય અને એનો ફોટોગ્રાફ ના લીધો હોય કે રીલ ના ઉતારી હોય એવું બન્યું છે ખરું?
સવાલ 4 વૃક્ષ વાવતી વખતે તમારું સંપૂર્ણ ધ્યાન ક્યાં હોય છે? મૂળ કેટલા ઊંડે સુધી જશે એમાં કે ફોટોગ્રાફ બરાબર ક્લિક થયો છે કે નહીં એમાં...
સવાલ 5 વૃક્ષ વાવી દીધા પછી તમે અઠવાડિયામાં કેટલીવાર એ જગ્યા પર પાછા જાવ છો? તમે રોપેલા વૃક્ષને પાણી મળે છે કે નહીં એ જઇને જુઓ છો ખરા? તમે રોપેલું વૃક્ષ એ જગ્યા પર છે કે ઉખડી ગયું છે એની તમને ખબર છે ખરી? વિશ્વ પર્યાવરણ દિવસ હવે નજીકમાં છે. દર પર્યાવરણ દિવસે આપણે પર્યાવરણનું સંવર્ધન કરવાની વાતો કરીએ છીએ, પર્યાવરણનાં સંવર્ધનનો સંકલ્પ લઇએ છીએ- વૃક્ષ વાવીએ છીએ-સોશિયલ મીડિયા પર એનાં ફોટોગ્રાફસ શેર કરીએ છીએ અને પછી મોટાભાગે એ વૃક્ષને
ભૂલી જઇએ છીએ. વિશ્વ પર્યાવરણ દિવસ આપણે પર્યાવરણ માટે ઓછો અને સોશિયલ મીડિયા માટે વધારે ઉજવીએ છીએ.
આપણી આજુબાજુ એવા ઘણાં લોકો છે-જે પર્યાવરણ મિત્ર હોવાનો દાવો કરે છે-આવા લોકો જન્મદિવસે, એનિવર્સરી પર કે વર્ષમાં આવતા-જાતભાતનાં દિવસે વૃક્ષો રોપે છે, ટ્રી પાર્ટી કરે છે પણ આ લોકો વચ્ચે આંગળીનાં વેઢે ગણી શકાય એટલા લોકો જ વાવેલા વૃક્ષની ‘ચિંતા’ કરે છે-બાકીનાં મોટાભાગે વૃક્ષની ‘ચિતા’ બનાવી દે છે. આપણું વૃક્ષારોપણ પણ પ્રકૃતિ માટે નહીં, બીજા માટે હોય છે.
એક ઇન્ટરેસ્ટિંગ રીસર્ચ છે. સરકારી કાર્યક્રમો દરમિયાન જે વૃક્ષારોપણ થયા છે એ વૃક્ષારોપણ બાદ રોપાયેલા વૃક્ષોનો સર્વાઇવલ રેટ માત્ર 30 ટકાની આજુબાજુ છે. સંસ્થાઓ કે વ્યક્તિઓ દ્વારા કરાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમો બાદ રોપાયેલા વૃક્ષોનો સર્વાઇવલ રેટ 50 ટકાની આજુબાજુ છે.
એનો અર્થ એ થયો કે સરકારી કાર્યક્રમમાં રોપાયેલા વૃક્ષોમાંથી 70 ટકા અને વ્યક્તિઓ કે સામાજિક સંસ્થાઓ દ્વારા રોપાયેલા વૃક્ષોમાંથી 50 ટકા વૃક્ષો વૃક્ષારોપણનાં ભવ્ય કાર્યક્રમો, પ્રેસનોટો છપાયા બાદ કે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર રીલ અપલોડ થયા બાદ સર્વાઇવ થતા નથી.
જે લોકો વૃક્ષોને પ્રેમ કરે છે, જેમને વૃક્ષોનો અભ્યાસ છે એવા લોકો જ્યારે વૃક્ષારોપણ કરે છે ત્યારે વૃક્ષારોપણ કર્યા બાદ એમાંથી 80 ટકા વૃક્ષો સર્વાઇવ થઇ જાય છે. વૃક્ષારોપણનાં કાર્યક્રમો બાદ વૃક્ષો સર્વાઇવ ન થવાનું મુખ્ય કારણ કાળજીનો અભાવ, અયોગ્ય રોપાની પસંદગી અને પાણીની કમી છે-એટલે કે વૃક્ષ વાવનારે વૃક્ષ વાવ્યા પહેલા ના તો જગ્યાનો અભ્યાસ કર્યો છે, ના તો એને જે-તે જગ્યાની માટીની ખબર છે અને ના તો એણે વૃક્ષ રોપી દીધા પછી કાળજી લીધી છે-એનો સીધો-સાદો અર્થ એ છે કે વૃક્ષારોપણ વૃક્ષ વધારવા નહીં પણ પ્રતિષ્ઠા વધારવા, વજન વધારવા, લાઇક્સ અને ફોલોઅર્સ વધારવા કરાયું છે.
પર્યાવરણ એ માત્ર સરકારની જવાબદારી નથી, આપણી સહિયારી જવાબદારી છે-આપણે જેટલી કાળજી આપણી બાલ્કનીમાં મૂકેલા છોડની લઇએ છીએ, આપણાં ટેરેસની શોભા વધારવા ત્યાં ઉગાડેલા ફૂલ-છોડની લઇએ છીએ એટલી કાળજી વૃક્ષારોપણનાં ભવ્યાતિભવ્ય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રોપાયેલા છોડની લેતા નથી. આપણી બેકાળજીને કારણે, પાણી નહીં પાવાને કારણે એક છોડ વૃક્ષ થતા રહી જાય છે.
જ્યારે પણ તમે વૃક્ષારોપણનાં કાર્યક્રમમાં જાવ કે એ કાર્યક્રમાં એકાદુ વૃક્ષ રોપો એ સમયની રીલ કે ફોટોગ્રાફ્સ અપલોડ કરો છો તો એ પછી જુદા જુદા સમયે, જુદા જુદા મહિને, તારીખ સાથે તમે રોપેલા છોડની કાળજી લેતા, પાણી પીવડાવતા ફોટોગ્રાફ્સ કે રીલ પણ અપલોડ કરજો.
એકવાત ખાસ યાદ રાખજો, વૃક્ષની જરૂર પર્યાવરણને છે તમારા ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકને નહીં! એ પર્યાવરણને સલામત રાખે છે-તમારી પોપ્યુલારિટીને નહીં! વૃક્ષ ત્યારે જ વાવજો જ્યારે એની નિયમિત કાળજી લેવાનાં હો!
Read Original Article →