ખોબામાં દરિયો:બારી બહારની દુનિયા
રેખાબા સરવૈયા ટ્રેનની મુસાફરી હોય છે જ નવી નવી ઓળખાણ માટે! આવું કોઈકે લખ્યાનું મને યાદ આવ્યું અને મારી આદત મુજબ જ મેં મારી સામેની સીટ પર બેસેલા એક બહુ જ પ્યારા લાગતાં કુટુંબનાં વ્યક્તિઓમાંય ટપુકડી- મીઠી લગતી નાની છોકરી સામે સ્મિતની આપ-લે કરી.
છોકરી આઈપેડની અંદર આંખો ફોડીને તલ્લીન હતી. એની મમ્મી મોબાઈલ પર પોતાની બહેનોને આ વખતની ટ્રીપ કેટલી જલ્દી પ્લાન થઈ એની વાતો રસથી કરી રહી હતી અને એની બાજુમાં સીટની કોર્નર પર બેઠેલા પતિદેવ માંડ નિરાંત મળી હોય એમ સૂઈ ગયા હતા.
પેલી ટપુકડી છોકરી આઈપેડમાં ક્યાંક અટકી પડી એટલે મૂંઝાઈને એણે મમ્મીને હલબલાવીને મદદ માગી પણ મમ્મી તો બહેનો સાથે નિરાંતે ઠહાકા લગાવવા મશગુલ હતી.
આખરે મેં સસ્મિત એ વ્હાલકુડી છોકરીનું આઈપેડ હાથમાં લઈ ઠીક કરીને એને પાછું આપ્યું ત્યારે એ કંઈકે આભારવશ થઈને હસી અને પછી થોડીવારમાં અમે વાતોએ એવા વળગ્યાં કે ન પૂછો ને વાત!
મને જાણવા મળ્યું કે એ છોકરી દેશનાં મોટા મહાનગરની સૌથી પ્રતિષ્ઠિત સ્કૂલની બ્રિલિયન્ટ સ્ટુડન્ટ હતી. હમણાં જ આવેલા રિઝલ્ટમાં એણે સમગ્ર સ્કૂલમાં ટોપ કર્યું હતું.
એણે પોતાની વાતોમાં જ મને જણાવ્યું કે એનાં મામુ દુબઈમાં રહે છે અને એ ગયા વેકેશનમાં દુબઈ ગઈ હતી. હવાઈ જહાજની કમ્ફર્ટ મુસાફરી, એરહોસ્ટેસ દ્વારા અપાતી સ્વિસ-ચોકલેટ્સ, બુર્ઝ ખલિફા ઇમારતનાં 124માં માળે માત્ર 1 જ મિનિટમાં પહોંચાડતી લિફ્ટ, ઊંચામાં ઊંચી ઈમારતો, સાફ સુથરા રસ્તા, ભૂલા પડી જવાય એટલા મોટા-મોટા શોપિંગ મોલ્સની દિલ ખોલીને વાતો કરી.
ફોન પૂરો કર્યા પછી એની મમ્મીએ મારી સામે ફોર્મલી સ્માઈલ ફેંકીને ક્ષોભપૂર્વક કહ્યું: ‘આઈ એમ એક્સ્ટ્રીમ્લી સોરી, માય ડોટર ઈઝ ક્વાયેટલી બકબકાટ પકાઉ...’ -મેં સહ્રદયતાથી એમને રોકીને કહ્યું કે...‘નો...નો...નોટ એક્ચ્યુલી....મને ખૂબ મજા આવી તમારી ડોટર સાથે વાત કરવાની, -એ પછી એમણે બહુ જ ગર્વિષ્ઠ સ્વરે મને જણાવ્યું કે....‘સફીનાની દૃષ્ટિ બહુ જ નબળી છે એની આંખોમાં માઈનસ નંબરનાં ચશ્મા છે એટલે એને વીકમાં ફક્ત શનિથી રવિ એમ 24 કલાક માટે જ મોબાઈલ, આઇપેડ કે ટી.વી.નો ઉપયોગ કરવાનું ટાઈમટેબલ સેટ કરેલું છે.’
હવે છેક મારું ધ્યાન સફીનાએ પહેરેલાં જાડી ફ્રેમનાં ચશ્મા ઉપર ગયું. આઈપેડમાંથી માથું ઊંચકીને એણે મારા તરફ એક આત્મીય સ્મિત કર્યું.
સફીનાની મમ્મી સફીના વિશે બહુ બધી વાતો મને કરતી રહી. અચાનક જ મેં સફીનાને પૂછ્યું, ‘સફીના, બેટા! તારી ફેવરિટ સ્ટોરી કઈ? આઈ મીન...તારા મમ્મા તને વાર્તાઓ તો કહેતાં હશે ને...એમાંથી તને કઈ ગમે?’
સફીનાએ તુરંત ઉત્તર આપતાં કહ્યું, ‘આંટી, મમ્મા મને વાર્તા જ નથી કરતી.’ એ સાથે જ મમ્મીનો ચહેરો ઉતરી ગયો. નાનકડી દીકરીને એ ખ્યાલ આવતાં જ એણે ત્વરિત પોતાનાં જવાબમાં સુધારો કરીને કહ્યું, ‘એટલે હું એમ કે'તી તી આન્ટી કે મમ્મા પોતાની બનાવેલી કોઈ વાર્તા મને ન કહે. હા...બુકમાંથી કે ગુગલમાંથી શોધીને સંભળાવે ખરી!’
આઠ-દસ વર્ષની છોકરીએ કેટલી સરસ રીતે પોતાની મમ્મીની પ્રતિષ્ઠાને સાચવી લીધી હતી મારી સામે!!
હું એકદમ વહાલથી સફીનાને જોઈ રહી. કેટલી સંવેદનશીલ અને સમજણી આ દીકરી! એનો I.Q. પણ ઊંચો જ હશે. પણ મને અપાર દુઃખ થયું કે....અત્યાર સુધીમાં એણે કરેલી એકેય વાતોમાં પ્રકૃત્તિ, દરિયો, રણ, રસ્તા, ઝાડ, પહાડ, આકાશ કે સૂરજ-ચાંદ-તારાનો જરા સરખો ઉલ્લેખ પણ નહોતો આવ્યો.
મેં નોંધ્યું ચાલતી ટ્રેનની બારી બહાર પસાર થતાં કુદરતનાં બેનમૂન દૃશ્યોથી બિલકુલ અજાણ એવી સફીના એની મમ્મીએ એના માટેની જ્ઞાન પ્રાપ્ત કરવાની એક આખી દુનિયા જ જાણે કે બારીની બહાર રાખી દીધી હતી...નહીંતર આ છોકરી તો...
Read Original Article →