ફેશન:સમર સ્પેશિયલ: જૂની સાડીઓમાંથી આઉટફિટ્સ!
ઉનાળો આવતા જ ભારે કપડાં, હેવી વર્ક અને ટાઈટ ફિટિંગ આઉટફિટ્સ કબાટના ખૂણે જતા રહે છે. એવા કપડાં ગમે છે જે એકદમ હળવા અને કમ્ફર્ટેબલ હોય. પરંતુ, દર વખતે ગરમીમાં નવું કલેક્શન ખરીદવાને બદલે, શું તમે ક્યારેય તમારા કબાટમાં નજર કરી છે?
આપણી મમ્મી કે દાદીના કબાટમાં એવી કેટલીય પ્યોર કોટન, લિનન, કોટા ડોરિયા, લાઈટવેઈટ બાંધણી પડી હોય છે, જેનો હવે ઉપયોગ નથી થતો. આ ઉનાળે, આ કિંમતી કાપડને વેસ્ટ થવા દેવાને બદલે તેને ‘અપસાયકલ’ કરીને કૂલ અને કમ્ફર્ટેબલ સમર આઉટફિટ્સ બનાવો!
જૂની સાડીઓમાંથી બનાવો આ 5 ટ્રેન્ડી ડ્રેસ
1 એવરગ્રીન કાફતાન ડ્રેસ: જો તમારી પાસે કોઈ જૂની શિફોન, જ્યોર્જેટ કે સોફ્ટ કોટનની પ્રિન્ટેડ સાડી છે, તો તેમાંથી કાફતાન ક્રેઝી લુક આપી શકે છે. કાફતાન એકદમ લૂઝ હોય છે, જેથી ઉનાળામાં પરસેવો થતો નથી અને તે ખૂબ જ સ્ટાઇલિશ લાગે છે. તેને તમે બીચ વેકેશન કે કેઝ્યુઅલ આઉટિંગમાં પણ પહેરી શકો છો.
2 સ્માર્ટ કો-ઓર્ડ સેટ: અત્યારે ફેશનમાં સૌથી ટોપ પર કો-ઓર્ડ સેટ છે. જૂની ઈક્ત, અજરખ કે પ્યોર કોટનની સાડીમાંથી સુંદર શોર્ટ કુર્તી અને મેચિંગ લૂઝ પેન્ટ અથવા ટ્રાઉઝર તૈયાર કરાવો. આ લુક તમને ઓફિસમાં કે બહાર જતી વખતે એકદમ પ્રોફેશનલ અને સ્માર્ટ લુક આપશે.
3 ફ્લોયી મેક્સી ડ્રેસ: તમારા કબાટમાં રહેલી કોઈ જૂની ઓર્ગેન્ઝા કે ફ્લોરલ પ્રિન્ટની હળવી સાડીમાંથી લોન્ગ વન-પીસ મેક્સી ડ્રેસ બનાવો. આ ડ્રેસ નીચેથી એકદમ ઘેરાવાળો અને ફ્લોયી હોવાથી ઉનાળાના ગરમ પવનમાં પણ તમને ઠંડકનો અહેસાસ કરાવશે.
4 કૂલ પલાઝો અને શોર્ટ કુર્તી: ઘણીવાર સાડીનો પલ્લું બહુ સરસ હોય છે પણ બાકીની સાડી સાદી હોય છે. આવી સાડીમાંથી પલાઝો બનાવો અને પલ્લુંના ભાગમાંથી સરસ સ્માર્ટ શોર્ટ કુર્તી કે ક્રોપ ટોપ તૈયાર કરો. કોટનની સાડીમાંથી બનેલો આ સેટ ઉનાળામાં રોજના વપરાશ માટે બેસ્ટ ઓપ્શન છે.
5 મલ્ટી-યુઝ શ્રગ અને જેકેટ્સ: કોઈ જૂની બાંધણી કે નેટની સાડીમાંથી લોન્ગ લૂઝ શ્રગ બનાવી લો. ઉનાળામાં તડકાથી બચવા માટે તમે પ્લેન વ્હાઇટ કે બ્લેક ટી-શર્ટ અને જીન્સ પર આ શ્રગ કેરી કરી શકો છો. આ લુક કમ્ફર્ટની સાથે ઇન્ડો-વેસ્ટર્ન વાઇબ્સ પણ આપશે.
સમર અપસાયકલિંગ માટે ખાસ ટિપ્સ:
1 યોગ્ય કાપડની પસંદગી: માત્ર લાઇટવેઇટ ફેબ્રિક. ઉનાળા માટે કપડાં બનાવતી વખતે માત્ર પ્યોર કોટન, લિનન, શિફોન, મલમલ કે જ્યોર્જેટ સાડીઓ જ પસંદ કરો. સિલ્ક, બ્રોકેડ કે વેલ્વેટની સાડીઓ ચોમાસા કે શિયાળા માટે સાચવી રાખો.
2 અસ્તરનું પ્લાનિંગ: પ્યોર મલમલ કોટન. નવો ડ્રેસ બનાવતી વખતે અસ્તર પ્યોર કોટન કે મલમલનું જ રાખવાનો આગ્રહ રાખો.
3 ફિટિંગ અને લૂઝનેસ: ઉનાળાના આઉટફિટ્સ હંમેશા થોડા લૂઝ એટલે કે ‘એન્ટી-ફિટ’ સ્ટાઇલમાં સીવડાવો. બોડી-હગિંગ કે બહુ ટાઈટ કપડાં ગરમીમાં અસુવિધા ઉભી કરે છે.
ઉનાળામાં સ્ટાઇલનો અર્થ માત્ર દેખાવ નથી, પણ કમ્ફર્ટ છે. તમારી જૂની સાડીઓને નવો લુક આપીને પ્રકૃતિને પણ સપોર્ટ કરો (સસ્ટેનેબલ ફેશન) અને ગરમીમાં પણ કૂલ દેખાઓ! આ ઉનાળે નવા કપડાં પાછળ ખોટો ખર્ચો બંધ કરો, મમ્મીની સાડી કાઢો અને તમારો પોતાનો કસ્ટમાઇઝ્ડ ડિઝાઇનર ડ્રેસ તૈયાર કરો!
Read Original Article →