રસથાળ:કાચી કેરી સાથે ઉનાળાની મોજ

Magazine4/7/2026, 12:35:00 AM
રસથાળ:કાચી કેરી સાથે ઉનાળાની મોજ
ઉનાળાની તપતી ગરમીમાં કાચી કેરી માત્ર સ્વાદ માટે નહીં, પરંતુ તાજગી અને આરોગ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક છે. ખાટ્ટી-મીઠી સ્વાદવાળી કાચી કેરી ભારતીય રસોડામાં ખાસ સ્થાન ધરાવે છે. તેની મદદથી બનાવાતી વિવિધ વાનગીઓ ગરમીમાં શરીરને ઠંડક આપે છે અને ભૂખને પણ વધારી દે છે. કાચી કેરીમાં વિટામિન C ભરપૂર માત્રામાં હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. આજના રસથાળમાં કાચી કેરીથી બનતી સ્વાદિષ્ટ અને સરળ વાનગીઓ વિશે જાણો, તેને બનાવો અને ઉનાળાને વધુ મજેદાર બનાવો કાચી કેરીના ખાસ સ્વાદ સાથે! કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું સામગ્રી કાચી કેરી-2 કપ, મેથી મસાલો-4 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, તેલ-4 ચમચી, લીલાં મરચાં-7થી 8 નંગ, લીંબુનો રસ-2 ચમચી, હળદર-અડધી ચમચી, લાલ મરચું પાઉડર-અડધી ચમચી, રાઈના કુરિયા-2 ચમચી રીત કેરી ધોઈ ટુકડા કરી લેવા. લીલાં મરચાંના ઊભા ચીરા કરી લીંબુનો રસ, મીઠું, હળદર ઉમેરી બે કલાક રહેવા દો. હવે કેરીના ટુકડામાં રાઈના કુરિયા, મીઠું, હળદર, લાલ મરચું, મેથી મસાલો અને નવશેકું તેલ મિક્સ કરી લો. લીલાં મરચાં ઉમેરી બરણીમાં ભરી લો. કેરીના આંબોળિયા સામગ્રી કાચી કેરી-3 નંગ, હળદર-અડધી ચમચી, મીઠું-સ્વાદ મુજબ, બૂરું ખાંડ-4 ચમચી, મરી પાઉડર-પા ચમચી, ચાટ મસાલો-2 ચમચી, લાલ મરચું પાઉડર-અડધી ચમચી, જીરું પાઉડર-અડધી ચમચી રીત કાચી કેરીને પાણી વડે સાફ કરી કોરી કરી લો. તેને લાંબી સમારી બધા મસાલાને તેની પર નાખી મિક્સ કરી લો. એક દિવસ ઘરમાં જ સુકવણી કરો. બીજા દિવસે આંબોળિયાને કોટન કપડાં પર પાથરી તડકામાં બે દિવસ સૂકવો. ડબ્બામાં ભરી ચટપટા કેરી આંબોળિયાનો સ્વાદ માણો. કેરીની ચટણી સામગ્રી કેરીના ટુકડા-2 કપ, ઝીણા સમારેલા લીલાં મરચાં-3 નંગ, આદુ-નાનો ટુકડો, શેકેલા સીંગદાણા-2 ચમચી, સમારેલી કોથમીર-1 કપ, ફુદીનાના પાન-1 કપ, મીઠું-સ્વાદ મુજબ, જીરું-1 ચમચી, સમારેલો ગોળ-1 ચમચી, પાણી-જરૂર મુજબ, બરફ-4થી 5 ટુકડા રીત મિક્સર જારમાં કાચી કેરી, ફુદીનાના પાન, કોથમીર, લીલાં મરચાં, આદુ, ગોળ, જીરું, સીંગદાણા, મીઠું અને બરફને ક્રશ કરી લો. જરૂર લાગે તો થોડું પાણી ઉમેરો. આ ચટણી ફ્રિજમાં 15 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. કાચી કેરી રસમ સામગ્રી કાચી કેરી-1 નંગ, તુવેર દાળ-અડધો કપ, મીઠું-સ્વાદ મુજબ, લાલ મરચું પાઉડર-અડધી ચમચી, સાંભર મસાલો-1 ચમચી, ગોળ-1 ચમચી, તેલ-1 ચમચી, લીમડાના પાન-4થી 5, આદું-નાનો ટુકડો, રાઈ-અડધી ચમચી, મેથી દાણા-ચપટી, હિંગ-પા ચમચી રીત કૂકરમાં કેરીના ટુકડા, દાળ, લીલાં મરચાં ઉમેરી બે સીટી વગાડી ક્રશ કરી લો. તપેલામાં પાણી ઉકળવા મૂકો. તેમાં સૂકા મસાલા, બાફેલું દાળ-કેરી મિશ્રણ, છીણેલું આદું ઉમેરી ઉકાળો. અંતે, રાઈ, હિંગ, લીમડો અને મેથી દાણાનો વઘાર કરો. કેરીનું વઘારિયું સામગ્રી સમારેલી કાચી કેરી-2 કપ, તેલ-3 ચમચી, મેથી દાણા-ચપટી, રાઈ-પા ચમચી, સૂકું લાલ મરચું-1 નંગ, તજ-મોટો ટુકડો, હિંગ-પા ચમચી, મીઠું-સ્વાદ મુજબ, હળદર-પા ચમચી, લાલ મરચું પાઉડર-1 ચમચી, ધાણાજીરું-1 ચમચી, સમારેલો ગોળ-4થી 5 ચમચી રીત કેરીમાં મીઠું ઉમેરી 5 મિનિટ માટે રહેવા દો. કડાઈમાં તેલ ગરમ થાય એટલે રાઈ, મેથી, તજ, હિંગ અને સૂકા લાલ મરચાંનો વઘાર કરો. કેરીના કટકા અને હળદર ઉમેરી 2-3 મિનિટ ઢાંકીને ચડવા દો. હવે તેમાં ગોળ, લાલ મરચું પાઉડર, ધાણાજીરું ઉમેરી સરસ મિક્સ કરી ગેસ બંધ કરી દો. કેરીનું વઘારિયું રસકસતું સારું લાગે છે. કેરી પપૈયાનો સંભારો સામગ્રી સમારેલી કાચી કેરી-અડધો કપ, સમારેલું કાચું પપૈયું-1 કપ, સમારેલા લીલાં મરચાં-2 નંગ, ગોળ-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, હળદર-પા ચમચી, લાલ મરચું પાઉડર-પા ચમચી, તેલ-2 ચમચી રીત કેરી અને પપૈયાને ધોઈ મીડિયમ ટુકડા કરી લો. લીલાં મરચાંની ઊભી ચીરી કરી લો. કડાઈમાં તેલ ગરમ થાય એટલે રાઈ અને હિંગનો વધાર કરી કેરી,પપૈયા અને મરચાંને વઘારી લો. મીઠું ઉમેરી ધીમા તાપે ઢાંકીને થવા દો.થોડું નરમ થાય એટલે હળદર, ગોળ, લાલ મરચું સારી રીતે મિક્સ કરી લો. તૈયાર છે કેરી-પપૈયાનો સંભારો.
Read Original Article →