સ્ત્રીત્વ:પવિત્ર કે અપવિત્ર?
નેન્સી શાહ સ્ત્રીના શરીરનું એક એવું અંગ, જે તેને તેની સ્ત્રીત્વની ઓળખ આપે છે… એ જ અંગ ઘણીવાર તેની શરમ, અસુરક્ષા અને જજમેન્ટનું કારણ કેમ બને છે?
આ પ્રશ્નનો જવાબ શોધવા માટે કેટલીક મહિલાઓ સાથે વાત કરી તો જવાબ ચોંકાવનારા નહોતા… પરંતુ વિચારવા મજબૂર કરે એવા હતા…
અને આ જવાબોથી એક જ વાત સ્પષ્ટ થાય છે કે જે અંગ સ્ત્રીનું અસ્તિત્વ અને ગૌરવ છે, એ જ અંગ તેના માટે ગૂંચવણ અને ક્ષોભનું કારણ પણ છે.
પ્રશ્ન: શરીરનું એવું કયું અંગ છે, જે દેખાય તો તમને સૌથી વધુ શરમ આવે છે અને જેને તમે ઢાંકી રાખવા માગો છો?
ઉત્તર: સ્તન.
પ્રશ્ન: શરીરનું એવું કયું અંગ છે, જે તમને સૌથી વધુ સ્ત્રી હોવાનો અહેસાસ કરાવે છે?
ઉત્તર: સ્તન.
પ્રશ્ન: તમને સૌથી વધુ અસુરક્ષિત અને અસ્વસ્થતા ક્યારે લાગે છે, જ્યારે કોઈની નજર તમારા શરીરના કયા અંગ પર હોય?
ઉત્તર: સ્તન.
પ્રશ્ન: કોઈ મહિલાનું ફિગર સારું છે કે ખરાબ, લોકો સૌથી વધુ કયા અંગને જોઈને આંકે છે?
ઉત્તર: સ્તન.
હવે તમે આ બે સવાલના જવાબ આપો...
પ્રશ્ન: શું તમે ક્યારેય તમારા બ્રેસ્ટ/ક્લિવેજને લઈને સચેત અથવા અસ્વસ્થ અનુભવો છો?
ઉત્તર: હા / ના
પ્રશ્ન: શું તમને ક્યારેય સ્તન અંગે લોકોનાં જજમેન્ટ, લોલુપ નજર અથવા બિનજરૂરી સલાહોનો સામનો કરવો પડ્યો છે?
ઉત્તર: સપાટ હોવાને કારણે.
ભારે હોવાને કારણે.
ક્યારેય કોઈ પ્રકારની પ્રતિક્રિયા કે અસ્વસ્થતા અનુભવી નથી.
મહિલાઓનું શરીર ખાસ કરીને તેમનાં સ્તન, સદીઓથી સમાજ માટે માત્ર આકર્ષણનું કેન્દ્ર જ નહીં, પણ ચર્ચા અને વિવાદનો વિષય પણ રહ્યાં છે. એક તરફ ધાર્મિક માન્યતાઓમાં સ્તનને માતૃત્વ, પવિત્રતા અને દેવી શક્તિનું પ્રતીક માનવામાં આવે છે, તો બીજી તરફ આધુનિક પોપ કલ્ચરમાં તેને ફેશન, સ્ટાઇલ કે ગ્લેમર તરીકે રજૂ કરવામાં આવે છે. આ બે વચ્ચે મહિલાઓએ હંમેશાં સમાજની ડબલ સ્ટાન્ડર્ડ વિચારસરણીનો સામનો કરવો પડ્યો છે.
ઇતિહાસથી આજ સુધી
2004માં મણિપુરની મહિલાઓએ સુરક્ષા દળોના અત્યાચારના વિરોધમાં નિર્વસ્ત્ર થઈને પ્રદર્શન કર્યું. મહિલાઓએ પોતાના અધિકારો અને સુરક્ષા માટે આ કઠોર પગલું લીધું.
ફીમેન નામનું એક આંતરરાષ્ટ્રીય ગ્રુપ પોતાનાં શરીર પર સૂત્ર લખીને મહિલાઓ પર હિંસા, પિતૃસત્તા અને શોષણ સામે અવાજ ઉઠાવે છે.
2002માં નાઇજીરિયામાં હજારો મહિલાઓએ ત્યાંની તેલ કંપનીઓ સામે નિર્વસ્ત્ર થવાની ધમકી આપી વિરોધ કર્યો. આ વિરોધ બાદ કંપનીઓએ તેમની માગણીઓ પર ધ્યાન આપવું પડ્યું.
સવાલ ઊભો થાય છે કે મહિલાઓને પોતાની વાત સંભળાવવા માટે આટલું તીવ્ર પગલું કેમ ભરવું પડ્યું? કદાચ કારણ એ છે કે જ્યાં સુધી કંઈક સ્પષ્ટ રીતે દેખાતું નથી, ત્યાં સુધી સમાજનું ધ્યાન ખેંચાતું નથી.
સિંધુ ઘાટી સંસ્કૃતિથી લઈને આજ સુધી, મહિલાઓના શરીરને આકર્ષણ તરીકે જોવામાં આવ્યું છે. પ્રાચીન મૂર્તિઓ, મંદિરો (ખજુરાહો, મોઢેરા, રણકપુર વગેરે)માં પણ નગ્ન સ્ત્રી મૂર્તિઓ જોવા મળે છે. દક્ષિણ ભારતમાં લગ્ન સમયે પહેરાવવામાં આવતા મંગળસૂત્રમાં બે સોનાનાં ગોળ પેન્ડન્ટ હોય છે, જે સ્તનનું પ્રતીક માનવામાં આવે છે અને માતૃત્વના આશીર્વાદ આપે છે.
પણ જ્યારે કોઈ મહિલા જાહેરમાં પોતાના બાળકને દૂધ પિવડાવે છે, ત્યારે સમાજ તેની તરફ કેવી નજરે જુએ છે? ઇતિહાસમાં એવા કિસ્સાઓ પણ છે, જ્યાં મહિલાઓને પોતાનાં સ્તન ઢાંકવાની પણ મંજૂરી નહોતી. જે સમય દરમિયાન કેરળમાં નીચી જાતિની મહિલાઓને પોતાનાં સ્તન ઢાંકવા માટે પણ ટેક્સ ચૂકવવો પડતો હતો, જેને ‘મુલક્કરમ’ કહેવામાં આવતો. આ એક અત્યંત અપમાનજનક અને ભેદભાવભર્યો નિયમ હતો. આ અત્યાચારના વિરોધ સામે નંગેલી નામની એક મહિલાએ પોતાનાં સ્તન કાપી નાખ્યાં હતાં.
મીડિયા અને ગ્લેમરની ગેમ
ફિલ્મો અને એડવર્ટાઇઝિંગ દુનિયામાં સ્ત્રીનાં સ્તન ઘણીવાર માત્ર કામુકતા તરીકે બતાવવામાં આવે છે.પરંતુ સવાલ એ છે... શું આ સ્ત્રીની પસંદગી છે કે માર્કેટિંગની માગ? દરેક મહિલાને પોતાના શરીર વિશે નિર્ણય લેવાનો અધિકાર છે. બ્રેસ્ટ કેન્સર જેવી પરિસ્થિતિમાં મહિલાઓ માટે આ વિષય વધુ સંવેદનશીલ છે, કારણ કે તે માત્ર શરીરનો ભાગ નથી, પણ ભાવનાઓ સાથે જોડાયેલો છે. આજના સમયમાં પણ મહિલાઓને પોતાનાં સ્તનને લઈને ટિપ્પણીઓ, સલાહો અને અસુરક્ષાનો સામનો કરવો પડે છે એ વાત સત્ય છે...
Read Original Article →