ખબરનામા:અવકાશમાં જતી સ્ત્રીના માસિક પર થતી અસર

Magazine6/9/2026, 12:35:00 AM
ખબરનામા:અવકાશમાં જતી સ્ત્રીના માસિક પર થતી અસર
લજ્જા દવે પંડ્યા અત્યાર સુધીમાં વિશ્વના 750થી વધુ અવકાશયાત્રીઓ સ્પેસમાં જઈ આવ્યા છે, જેમાં 100થી વધુ મહિલાઓ છે. માનવ શરીર પર ઝીરો ગ્રેવિટીની અસરો વિશે સ્પેસમાં ઘણું સંશોધન થયું છે. પણ, નવાઈની વાત એ છે કે સ્પેસમાં મહિલાઓના માસિક ધર્મ પર ક્યારેય વિગતવાર સંશોધન થયું જ નથી. વિજ્ઞાનના આ બહુ મોટા ગેપને પૂરવા માટે ભારતીય મૂળની મંજુ બેંગલોર અને માત્ર 22 વર્ષની પ્રિયા અબિરામ વર્ષ 2027માં અમેરિકાની ખાનગી સ્પેસ ટુરિઝમ, એરોસ્પેસ કંપની ‘વર્જિન ગેલેક્ટિક’ની સબઓર્બિટલ ફ્લાઇટ દ્વારા સ્પેસમાં જશે. મંજુ એક ફિઝિસિસ્ટ, અભિનેત્રી અને ભૂતપૂર્વ ‘મિસ ઓરેગોન યુએસએ’ રહી ચૂકી છે અને ‘ઓપરેશન પિરિયડ’ નામની એનજીઓની સ્થાપક પણ છે. જ્યારે પ્રિયા અબિરામ આ મિશનની ડાયરેક્ટર ઓફ રિસર્ચ તરીકે જવાબદારી સંભાળશે. તેઓ બંને ત્યાં ‘ઓપરેશન પિરિયડ-01’ જેને OP-01 નામ પણ અપાયું છે તેનું નેતૃત્વ કરશે. તેનો મુખ્ય હેતુ સ્પેસમાં મહિલાઓના માસિક ધર્મ અને પ્રજનન સ્વાસ્થ્ય પર શું અસર થાય છે તેનો પ્રથમવાર સચોટ વૈજ્ઞાનિક અભ્યાસ કરવાનો છે. આ ખાસ સફરની સાથે જ તેઓ સ્પેસમાં જનારી સૌથી નાની વયની સાઉથ એશિયન મહિલાઓ બનવાનું ગૌરવ પણ મેળવશે. ​આ સંશોધન ભવિષ્યમાં લાંબા સમયના સ્પેસ મિશન પર જતી મહિલા અવકાશયાત્રીઓને તો મદદરૂપ થશે જ, પણ તેનાંથી પૃથ્વી પર મહિલાઓના સ્વાસ્થ્ય અને સારવાર બાબતે પણ નવી માહિતી મળશે તેવું માનવામાં આવે છે. વિમેન હેલ્થને કેન્દ્રમાં રાખીને વિશ્વની પ્રથમ અવકાશયાત્રા કરવાનું આ મહિલાઓનું સાહસ ખરેખર પ્રશંસનીય છે. અજાણ્યા દર્દીને કિડની આપવા કોર્ટમાં ગયેલી ડૉક્ટર એક કિડનીના સહારે પણ માણસ સ્વસ્થ જીવન જીવી શકે છે તે વાત જાણતા હોવા છતાં કોઈ સગાંને કિડની ડોનેટ કરતાં પહેલાં આપણે સો વાર વિચાર કરીએ. પણ, કર્ણાટકમાં ફીટલ મેડિસિનના નિષ્ણાત ડૉ. થંકમે જીવતેજીવ પોતાની એક કિડની જરૂરિયાતમંદ વ્યક્તિને દાન આપવાનો અસાધારણ સંકલ્પ લીધો હતો. લોહીના સંબંધ કે કોઈ ઓળખાણ વગર, માત્ર એક જીવ બચાવવાની આ નિઃસ્વાર્થ ભાવના સાથે લેવાયેલા આ નિર્ણયને અમલમાં મૂકવા માટે તેમને કોર્ટના દરવાજા ખખડાવા પડ્યા હતા. પહેલાં તો તેમના પરિવારે જ તેમના આ નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો. તેમના પતિ અને બાળકોએ તેમને જીવતેજીવ આવું મોટું જોખમ ન લેવા માટે સમજાવ્યા. પરંતુ ડૉ. થંકમે ખૂબ જ ધીરજથી અને વૈજ્ઞાનિક તથ્યોનો હવાલો આપીને પરિવારને તો મનાવ્યો. પરંતુ અસલી સંઘર્ષ તો હજી બાકી હતો. આપણાં દેશમાં અંગોના ગેરકાયદેસર વેપારને રોકવા માટે બહુ કડક કાયદા છે. પરિણામે કોઈ અજાણ્યાને અંગદાન કરવા માટે તેમણે અનેક સરકારી કાગળિયાં રજૂ કરવા પડ્યાં અને લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું. છતાં તેમની ફાઈલ દર વખતે રિજેક્ટ કરી દેવાઈ. આખરે કંટાળીને તેમણે ન્યાયતંત્રના દરવાજા ખખડાવ્યા. કોર્ટમાં લડત દરમિયાન તેમના તમામ મેડિકલ રિપોર્ટ્સ અને તેમના ઉદ્દેશ્યની સાથે તેમના માનસિક સ્વાસ્થ્યની પણ ચકાસણી કરાઈ. અદાલતના ન્યાયાધીશ પણ એ વાતથી સ્તબ્ધ થઈ ગયા કે કોઈ અજાણ્યાનો જીવ બચાવવા એક ડૉક્ટર કેસ લડી રહી છે! અંતે, કોર્ટે માનવતાના પક્ષમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો. મંજૂરી મળતા જ બેંગલુરુની મણિપાલ હોસ્પિટલમાં ડૉ. થંકમની કિડની વર્ષોથી ડાયાલિસિસના સહારે જીવતી સુરેખા નામની મહિલાના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરાઈ અને તેને જીવતદાન મળ્યું. કોઈ ડૉક્ટરે અજાણ્યા દર્દીને જીવતેજીવ કિડની આપી હોય ટીવી આ દેશનો પ્રથમ કિસ્સો છે. ડૉ. થંકમનો આ ત્યાગ સાબિત કરે છે કે દુનિયામાં આજેય માનવતા જીવે છે. વીમેન ઈન સ્પોર્ટસ
Read Original Article →