સ્માર્ટફોન છોડો:એક મહિનો સ્માર્ટફોન વગર રહેવાની ચેલેન્જ સ્વીકારી શકો?
બસની રાહ જોઈને યુવાન ઊભો છે. નજર મોબાઈલને બદલે રસ્તા પર છે. મોબાઈલમાં નોટિફિકેશન આવે તેની રાહ જોવાને બદલે બસ ક્યારે આવે એની રાહ જુએ છે. બસ ક્યાંથી ચાલશે અને પહોંચતા કેટલો સમય લાગશે એ ગૂગલ મેપ્સમાં તપાસવાને બદલે સાથી મુસાફરોને પૂછે છે.
કારણ એટલું જ કે તેના હાથમાં સાદો (ફીચર અથવા બેઝિક) ફોન છે, સ્માર્ટફોન નથી. અત્યારે આપણે ફોન શબ્દ વાપરીએ ત્યારે સ્માર્ટ જ હોય એવું આપોઆપ માની લઈએ છીએ. પરંતુ એક સમયે નોકિયાના (અગિયારસો, તેંત્રીસ દસ વગેરે) ફોનની બોલબાલા હતી. ત્યારે સ્માર્ટફોન આવ્યા ન હતા એટલે ફોન કહીએ ત્યારે આપોઆપ નોકિયા કંપની જ લોકોનાં મનમાં ચમકતી. સમય સાથે નોકિયા જોકે તાલ મિલાવી શકી નહીં એટલે વૈશ્વિક ફોન માર્કેટમાં નોકિયાનો હિસ્સો એક સમયે 33 ટકાથી વધુ હતો, આજે 1 ટકાથી ઓછો છે.
આપણે ત્યાં વેદ તરફ પાછાં ફરવાની વાત છે એમ વિશ્વમાં હવે સાદા ફોન તરફ પાછાં ફરવાની વાતનો અમલ થઈ રહ્યો છે. શરૂઆતમાં જે ઉદાહરણ ટાંક્યું એ અમેરિકાનું છે. કોઈ વ્યક્તિના હાથમાં ફોન ન હોય, હાથમાં હોય ત્યારે સ્ક્રીન પર નજર ન હોય અને સ્ક્રીન પર નજર હોય ત્યારે એમાં સોશિયલ મીડિયા કે વીડિયો ચાલતા ન હોય એવી શક્યતા સાવ ઓછી છે.
પણ અમેરિકામાં એવી શક્યતા વધી રહી છે. ત્યાં સ્માર્ટફોનને એક મહિના માટે છોડી દેવાની ચેલેન્જ શરૂ થઈ છે. સ્માર્ટફોન છોડી દેવાનો અને સાદો ફોન રાખવાનો. એવું કરનારો વર્ગ અમેરિકામાં વધી રહ્યો છે.
કામ અઘરું છે એટલે જ એને ચેલેન્જનું નામ અપાયું છે. વળી કામ અઘરું છે એટલે શરૂઆતમાં અમુક દિવસથી માંડીને મહિના સુધીની ચેલેન્જ અપાય છે. ‘મને તો ફોન ગમતો જ નથી પણ શું કરવું, બધું કામ એમાં જ કરવું પડે છે. હું ફોન વાપરું છું કે ફોન મને વાપરે છે, ખબર જ નથી પડતી.’ આવા મતલબની ફરિયાદ કરનારો વર્ગ આપણે ત્યાં વધી રહ્યો છે.
સમસ્યા એ છે કે આપણી ઘણીખરી કામગીરી ફોન આધારિત થઇ ગઈ છે એટલે પ્રાણ જાય, વચન જાય પણ ફોન તો આપણાથી દૂર ન જ જાય. અમેરિકામાં જે યુવાનો છોડી રહ્યા છે, એ ઓફિસમાં કામ પતાવ્યા પછી ફોન પર આધારિત નથી રહેતા.
ઓફિસમાં તો તેમની પાસે જે સુવિધા જોઈએ એ છે. પણ ઘરે આવ્યાં પછીય ઓફિસના મેસેજ, મેઈલના જવાબ આપવા પડે કે પ્રોજેક્ટ ક્યાં પહોંચ્યો એ અપડેટ લેવી પડે એ તેમને પસંદ નથી. એમાંથી મુક્ત થવાની હિંમત પણ કરી ચૂક્યા છે. અત્યારે તો અમેરિકામાં આ ચેલેન્જ પ્રસરી રહી છે, પણ વૈશ્વિક સ્તરે સાદા ફોનની ડિમાન્ડ ફરીથી વધી રહી છે.
હવે તો સાદા ફોનમાં પણ ઇન્ટરનેટ હોય છે, પરંતુ નોકિયાના ફોન જેવા નાનકડા સ્ક્રીન હોય તો પછી એ ઇન્ટરનેટ ન હોવા બરાબર છે. આવા ફોનની ડિમાન્ડ સૌથી વધુ અમેરિકામાં વધી રહી છે. કોને સાદો ફોન ગણવો?
અમેરિકા, ચીન, જર્મની, જાપાન, કેનેડા વગેરે દેશો સમૃદ્ધ ગણાય છે અને ત્યાં જ ફીચર ફોનની ડિમાન્ડ સતત વધી રહી છે. સાદા અથવા તો ફીચર ફોનની વ્યાખ્યા પણ જોકે સ્માર્ટ થઈ રહી છે. ઇન્ટરનેટ ચાલતું હોય, એપ્સ કામ કરતી હોય, ઓફિસનાં વિવિધ કામ થઈ શકતા હોય, કદ મોટું હોય, સ્ક્રીન મોટો હોય, સુવિધાઓનો પાર ન હોય એ સ્માર્ટફોન થયો.
માત્ર ફોન આવે-જાય, મેસેજ થાય, અનિવાર્ય હોય એટલી જ એપ હોય અને ફોરજીથી વધારે નેટવર્ક ન આવતું હોય એવો ફોન ફીચર ગણાય છે. એમાં પણ બેટરી લાંબી ચાલે એ સૌથી મોટી ઓળખ થઈ. જોકે, હવે કંપનીઓ સાદા ફોનમાં સ્માર્ટ જેવી સુવિધાઓ ઉમેરવા લાગી છે, એ પછી સાદો ફોન સાદો રહેતો નથી. જોકે, વપરાશકારો અને કંપનીઓએ વચ્ચેનો હાઈબ્રિડ રસ્તો અપનાવ્યો છે. ફીચર ફોન હોય અને એમાં વોટ્સએપ હોય. બાકીની એપ્સ ન હોય. ફોરજી સુધીનું કનેક્શન હોય. એટલે કામ અટકે નહીં અને ફાઈવજીના નામે ફોનનો વધતો વપરાશ પણ રોકી શકાય. વચ્ચેનો રસ્તો સાવ નાખી દીધા જેવો નથી.
લોકોની ડિમાન્ડ વધી રહી છે એટલે કંપનીઓ ઓછી સુવિધાઓ સાથેના સાદા ફોન પર વધુ ધ્યાન આપી રહી છે. સ્માર્ટફોનનો ઉપયોગ આરોગ્યને ઘણાં નુકસાન કરે છે એ વાત હવે અજાણી નથી. આંખોને નુકસાન, શરીરને નુકસાન, ચાલતાં-ઊઠતાં-બેસતાં હાથમાં ફોન હોય એટલે દુનિયામાં શું ચાલે એ ખબર રહેતી નથી.
ફોનમાં મોઢું નાખીને ચાલતાં લોકો અથડાઈ ન પડે એટલા માટે બેંગ્લુરુમાં તો બિવેર ઓફ સ્માર્ટફોન ઝોમ્બી (સ્માર્ટફોનમાં ખૂંપેલા સજીવોથી સાવધાન) એવાં બોર્ડ માર્યાં છે. દક્ષિણ કોરિયાના નગર સેઉલમાં તો 2016થી બોર્ડ લાગવા શરૂ થઈ ચૂક્યાં છે, જેમાં લખ્યું છે : ‘માથું ઊંચું રાખો!’
ભારતમાં પણ જગતની સાથે સાદા ફોનની ડિમાન્ડ છે, પરંતુ ભારત જગત માટે મોટું બજાર છે. અહીં જેમને પહેલી વાર મોબાઈલ લેવો હોય એ સ્માર્ટફોન જ પસંદ કરે. એટલે ટિનેજમાં આવતાં સંતાનો કે માતા-પિતા માટે નવો ફોન ખરીદાય એ સ્માર્ટ જ હોવાનો. એટલે ભારતમાં ફીચર ફોનનો જમાનો આવતા થોડો સમય લાગશે, પણ ત્યાં સુધી અમેરિકામાં મહિનો સ્માર્ટફોન વગર રહેવાની ચેલેન્જ છે, તો આપણે એક દિવસની ચેલેન્જ તો ટ્રાય કરી જ શકીએ ને!
Read Original Article →