હૂંફ:સિંગલ મધરનો સંધર્ષ

Magazine4/28/2026, 12:35:00 AM
ધર્માંશુ વૈદ્ય એકલતા એ માણસનું સ્થાયી સરનામું છે. માણસ એકલો જન્મે છે અને એકલો જ વિદાય લે છે. પણ જે એકલતા સિંગલ મધર ભોગવે છે, તેની તાસીર જુદી છે. એ એકલતા ખાલી નથી, પણ જવાબદારીઓના કોલાહલથી ભરેલી છે. સમાજમાં એક વિચિત્રતા કાયમ છે. આ વિચિત્રતા એટલે પતિના મૃત્યુ કે છૂટાછેડા પછી પોતાના બાળકોને એકલા હાથે ઉછેરતી સ્ત્રી ઉપર સુપરવુમન કે મર્દાનીનું લેબલ ચોંટાડી દઈને એને એબ્નોર્મલ બનાવી દેવાનું કાવતરું. આવું કરીને સમાજ બહુ સિફતપૂર્વક એકલ પંડે લડતી સ્ત્રીને મદદ કરવાની જવાબદારીમાંથી હાથ ખંખેરી લે છે. તમે કોઈ સિંગલ મધરને જોઈ છે? સવારના એલાર્મથી રાતના હાલરડાં સુધીની દોડધામમાં આ એકલ માતા હંમેશાં ખોવાયેલી રહે છે. એકલ માતાને બે મોરચે લડવાનું હોય છે. પહેલો મોરચો બહાર છે, જ્યાં તેને સતત શંકા અને કુતૂહલથી જોવામાં આવે છે. બીજો મોરચો એનું ઘર છે, જ્યાં તેને મા-બાપનો બેવડો રોલ ભજવવાનો છે. આ બેવડી ભૂમિકાનો સ્ટ્રેસ માપવાનું કોઈ મેજરમેન્ટ મશીન શોધાયું હોય એવું મારા ધ્યાનમાં નથી. મનોવિજ્ઞાન પ્રમાણે બાળકને શ્રેષ્ઠ ઉછેર આપવા માતા અને પિતા બંનેનો પ્રેમ જરૂરી છે, પણ જ્યારે પિતાની ગેરહાજરી હોય, ત્યારે માતા અજાણતા જ બાળકને પોતાના જીવનનું કેન્દ્રબિંદુ બનાવી દે છે. ઘણીવાર આ પ્રેમ ઓબ્સેશન બની જાય છે. માતા પોતાની બધી જ ઈમોશનલ જરૂરિયાતો બાળક દ્વારા પૂરી કરવા મથે છે. આ સ્થિતિ લાંબે ગાળે માતા અને બાળક બંને માટે ઘાતક નીવડે છે. બાળક મોટું થાય અને પોતાની જિંદગી પોતાની રીતે જીવવા જાય ત્યારે માતાને લાગે છે કે પોતે ફરીથી લૂંટાઈ ગઈ. આ ખાલીપો સુપરવુમનના લેબલ નીચે ઢંકાયેલો રહે છે. આર્થિક અસલામતી એ બીજો મોટો દાનવ છે. ભારતમાં હજુ પણ સિંગલ મધર્સ માટે ફાઈનાન્શિયલ સ્ટેબિલિટી બહુ મોટો પડકાર છે. કોર્પોરેટ જગતમાં પણ "આને તો નોકરીની ગરજ છે, ગમે તેટલું કામ આપશો, નહીં બોલે.’ – આ માનસિકતા શોષણ તરફ દોરી જાય છે. તેમ છતાં ઘરે આવીને એણે હસતા મોઢે- ‘બેટા, બધું બરાબર છે.’, કહેવું પડે છે. આ જુઠ્ઠું બોલવા માટે કેટલી તાકાત જોઈએ, ખબર છે? કોઈ સિંગલ મધર આ વાંચતી હોય તો એટલું જ કહેવું છે કે તમે સુપરવુમન નહીં, પણ હ્યુમન છો અને એ પૂરતું છે. ક્યારેક બહારથી જમવાનું મગાવવું પડે તો ગિલ્ટ ફીલ ન કરો. ક્યારેક બાળક મામા કે દાદી જોડે હોય ત્યારે તમને ગમતી નોવેલ વાંચી લો. તમે ખુશ રહેશો તો જ તમારું બાળક ખુશ રહેશે. પોસ્ટ સ્ક્રિપ્ટ: આજે સવારે એમ થયું કે થોડુંક ઊંઘી હોત તો સારું થાત.
Read Original Article →