સુનામી:સંસ્કૃતિ સાચવીને બેઠા છીએ-એવો ભ્રમ પાળીને બેઠા છીએ!
આજે થોડા સવાલો પૂછવા છે. આ સવાલો છાતીની ડાબી બાજુએ હાથ મૂકીને નહીં આપતા-કારણ કે છાતીની ડાબી બાજુ હૃદય આવેલું હોય છે અને હૃદય પર હાથ મૂકીને જવાબ આપો ત્યારે જવાબ સાચા અપાઇ જતા હોય છે. સાચા સવાલો જેટલા ભયાવહ નથી હોતા એટલા ભયાવહ સાચા જવાબો હોય છે, અને ભયાવહતા હંમેશા પચાવી શકાતી હોતી નથી.
સૌથી પહેલો સવાલ એ છે કે-તમે સંસ્કાર કોને કહો છો?
બીજો સવાલ એ છે કે તમે સંસ્કૃતિ કોને કહો છો?
ત્રીજો સવાલ એ છે કે-ક્યારે ક્યારે-કઇ-કઇ પરિસ્થિતિ વચ્ચે તમારા સંસ્કાર લજવાઇ જાય?
આ સવાલનાં સાચા જવાબો તમે એટલા માટે નહીં આપી શકો કારણ કે સંસ્કારની આપણી વ્યાખ્યા જ દોગલી છે, સંસ્કૃતિને સાચવીને બેઠા છીએ-એવો ભ્રમ આપણે પાળીને બેઠા છીએ.
એમ.એસ યુનિવર્સિટીમાં એક છોકરીએ માધુરી દિક્ષિતનાં ગીત પર ભગવા રંગની સાડી અને સ્પગેટી બ્લાઉઝ સાથે ડાન્સ કર્યો એટલે સંસ્કૃતિ નંદવાઇ ગઇ? સંસ્કાર લજવાઇ ગયા? ગોવા અને દમણ કે દારૂબંધીવાળા આપણાં ગુજરાતમાં દારૂ પીને બેફામ નાચનારાઓ સંસ્કાર નથી લજવતા? એમને કારણે સંસ્કૃતિનું પતન નથી થતું?
જે છોકરાઓએ અને જે છોકરીઓએ કે વાયરલ થયેલા વીડિયોને જોઇ જેણે-જેણે પણ આ છોકરીનાં સંસ્કાર અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવ્યા એમાનું એકપણ જણ વરઘોડામાં રસ્તા પર નાચ્યું નહીં હોય-એમણે દારૂને હાથ તો નહીં જ લગાડ્યો હોય પણ એની સામે જોયું પણ નહીં હોય! સિગરેટ એટલે શું એની એમને ખબર નહીં હોય, એમણે જીંદગીમાં કોઇની સાથે ઊંચા અવાજે વાત નહીં કરી હોય, એમને સૌ સાથે સુમેળ હશે?
જે કોઇએ આ છોકરીનાં ડાન્સ સામે વાંધો લીધો-એને અસંસ્કારી કહી એ સૌને સાધુ અને ગોળવાળી વાર્તા ખબર હશે જ-સાધુ ગોળ ખાતા હતા એટલે એમણે છોકરાને ગોળ છોડવા વિશે સલાહ આપી નહીં, એમણે સૌથી પહેલા ગોળ છોડ્યો અને પછી છોકરા પાસે ગોળ છોડાવ્યો. પહેલો પથ્થર એણે જ મારવાનો-જેણે આજ સુધીમાં એકપણ પાપ કર્યું નથી!!!!
ધારો કે આ છોકરી આ જ સાડીનો પલ્લુ માથે ઓઢી-પલાંઠીવાળી બેસી ગઇ હોત અને એકાદું ભજન કે ભક્તિગીત લલકાર્યું હોત તો એની ગણના ‘સંસ્કારી’ તરીકે થઇ હોત? આપણે સંસ્કારને કેટલા સીમિત કરી નાખ્યા છે? જે દેખાય છે એને આપણે સંસ્કાર સમજી બેઠા છીએ પણ સંસ્કાર એ નથી, જે અનુભવાય એ સંસ્કાર છે!
આ છોકરીએ ખુલ્લા દિલે-ભીની આંખે હજ્જારો લોકોની વચ્ચે સોશિયલ મીડિયા પર એવું સ્વીકાર્યું કે મારું સોંગ સિલેક્શન ખોટું હતું-એ એનાં સંસ્કાર છે!! આ છોકરીએ એનાં ખોટા સોંગ સિલેક્શન માટે માફી માગી એ એનાં સંસ્કાર છે-અને આ છોકરીએ પોતે શું ખોટું કર્યું છે એવો સવાલ ઉઠાવ્યો એ પણ એનાં સંસ્કાર છે! કોલેજનાં કલ્ચરલ ફેસ્ટમાં આવું ગીત અસ્થાને હોય એ બની શકે પણ એટલા માત્રથી થઇ આવો હંગામો ઊભો કરવો એ આપણાં સંસ્કાર પણ નથી!
આપણે સંસ્કાર વિશેની આપણી વ્યાખ્યા બદલવાની જરૂર છે. સંસ્કાર પહેરવેશથી નથી હોતા-સંસ્કાર વર્તનથી હોય છે. રોજ સવારે ઊઠીને સૌને પગે લાગતો, જય શ્રી કૃષ્ણ બોલતો છોકરો કોઇને પણ પગે ના લાગતા છોકરા જેટલો સંસ્કારી ના હોય એવું બની શકે! કોલેજનો કલ્ચરલ ફેસ્ટ એ મનોરંજનનું માધ્યમ છે-એટલા માટે આ છોકરીએ કરેલા ડાન્સને વગોવી શકાય નહીં જ!
તમે કેવા કપડાં પહેરો છો, કેવો ડાન્સ કરો છો એનાં પર તમારા સંસ્કારનો આધાર નથી રહેલો-તમે કેવું બોલો છો-શું બોલો છો, તમે તમારા મૂલ્યો પર કાયમ રહો છો કે નહીં, તમે કોઇને છેતરતા તો નથી ને, તમે સંબંધોમાં વિશ્વાસઘાત તો નથી કરતાને-વગેરે વગેરે તમારા સંસ્કારની ધરોહર છે! તમારું વર્તન તમારા સંસ્કાર પર ટકેલું છે અને તમારા સંસ્કાર પર તમારી સંસ્કૃતિ ટકેલી છે-જો તમારે તમારા સંસ્કાર અને સંસ્કૃતિ બંનેને સાચવવા હોત તો તમારે તમારા વર્તનને કંટ્રોલમાં રાખવું ખૂબ જરૂરી છે!
Read Original Article →