ક્રાઇમ સિક્રેટ:8 મૌન સાક્ષી, 1 ભયાનક ફરિયાદ
રાજ ભાસ્કર કુરાર કેસ - 1 13 ડિસેમ્બર, 2025. શનિવારનો દિવસ. મુંબઈના મલાડ પૂર્વમાં આવેલું કુરાર પોલીસ સ્ટેશન. બપોરના સમયે સબ ઇન્સ્પેક્ટર ગણેશ આવટે પોતાની ખુરશી પર બેસીને રૂટિન ડાયરી તપાસી રહ્યા હતા. બહાર કમ્પાઉન્ડમાં 8 લોકોનું ટોળું ઊભું હતું. આ ટોળામાં 3 મહિલાઓ અને 5 પુરુષો હતાં. ત્યાં કોઈ અવાજ નહોતો! તેઓ ફક્ત અંદરોઅંદર કંઈક ઈશારા કરી રહ્યાં હતાં.
કુતૂહલવશ ઈન્સ્પેક્ટર આવટેએ તેમને અંદર બોલાવ્યાં. ઇન્સ્પેક્ટર બોલ્યા, ‘હા, બોલો... શું તકલીફ છે?’
સામેથી કોઈ જવાબ ન મળ્યો. એ પછી થોડીવારે ઈન્સ્પેક્ટરને ખબર પડી કે ત્યાં આવેલાં બધાં જ બહેરા અને મૂંગા હતાં. તેઓ સાઈન લેંગ્વેજમાં પોલીસને કંઈક કહેવા માંગી રહ્યાં હતાં. ઇન્સ્પેક્ટર મૂંઝવણમાં મુકાયા. કાયદો સાંભળવા માટે કાન અને લખવા માટે જુબાની માંગે છે, પણ અહીં તો બધું જ ઈશારામાં હતું. ઈન્સ્પેક્ટર કંઈ સમજે એ પહેલાં જ એક 34 વર્ષની મહિલા આગળ વધી. તેની આંખો લાલચોળ હતી. તેણે ધ્રૂજતા હાથે પોતાના પર્સમાંથી એક સફેદ કાગળ કાઢ્યો અને ટેબલ પર મૂક્યો.
એમાં અંગ્રેજીમાં કંઈક લખેલું હતું. એ વાંચતા જ ઈન્સ્પેક્ટર ગણેશ આવટેના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા. કાગળમાં કોઈ સામાન્ય લૂંટ કે મારામારીની વાત નહોતી, પણ 16 વર્ષ પહેલાં થયેલા બળાત્કારની હકીકત લખેલી હતી. ઈન્સ્પેક્ટર જેમ જેમ વાંચતા ગયા તેમ તેમ એ ઘટના ફિલ્મની જેમ તેમની આંખો સમક્ષ ભજવાતી ગઈ.
ઘટના જુલાઈ 2009ની હતી. ફરિયાદ લખાવા માટે આવેલી પીડિતા ત્યારે સગીર હતી. સાન્તાક્રુઝના વાકોલા વિસ્તારમાં રહેતા મહેશ પવાર નામના શખ્સે તેને વિશ્વાસમાં લીધી હતી. મહેશે એક મિત્રના જન્મદિવસે તેને પોતાના ઘરે બોલાવી. યુવતી તેની બે બહેનપણીઓ સાથે મહેશના ઘરે ગઈ. ત્યાં તેને સમોસા અને એક કોલ્ડ્રિંક આપ્યું. એ ડ્રિંકમાં નશીલો પદાર્થ મેળવેલો હતો. જેવું પીડિતાએ એ પીણું પીધું કે તરત જ તેનું મગજ શૂન્ય થઈ ગયું. એ બેભાન થઈ ગઈ અને બાકીના મિત્રો ચાલ્યા ગયા. એ પછી અર્ધબેભાન અવસ્થામાં મહેશ પવારે તેના પર બળાત્કાર કર્યો. અને સૌથી ભયાનક વાત એ હતી કે, તેણે આ આખી ઘટનાનો વીડિયો પણ ઉતારી લીધો!
સાંજે ભાનમાં આવી ત્યારે તેને અહેસાસ થયો કે બેભાન અવસ્થામાં તેની સાથે રેપ થયો છે. સામે મહેશ બેઠો હતો. એણે તેને ધમકી આપી કે જો આ વાત એ કોઈને કરશે તો તેનો વીડિયો વાઈરલ કરી દેશે. છોકરી રડતી રડતી ઘરે ગઈ અને પોતાની માતાને બધી વાત કરી. માતાએ તેને સમજાવી કે ‘જો પોલીસ કેસ કરીશું તો પછી તું આખા સમાજમાં વગોવાઈ જઈશ અને તારી સાથે કોઈ લગ્ન નહીં કરે.’
આમ, આખા પરિવારે હોઠ સીવી લીધા. વખત જતાં એ છોકરીનાં લગ્ન એક મૂક-બધિર યુવક સાથે થયાં. વર્ષો વીતી ગયાં. પીડિતાએ ડર અને બદનામીના કારણે આખી જિંદગી મોઢું ન ખોલ્યું, પણ ઓક્ટોબર 2025માં એક અજીબ ઘટના બની. મૂક-બધિર સમુદાયનું એક વોટ્સએપ ગ્રૂપ ચાલતું હતું. તેમાં 250થી વધુ સભ્ય હતા. એક દિવસ તેમાં મહેશ પવારના વાંધાજનક વીડિયો અને અન્ય યુવતીઓને બ્લેકમેઈલ કરવાના સમાચાર ફરતા થયા. મહેશના આ વીડિયો જોતા જ પીડિતાને ભૂતકાળ સાંભરી આવ્યો. એ હચમચી ગઈ.
16 વર્ષ જૂનો જખમ ફરી તાજો થયો. એ નરાધમે અનેક યુવતીઓના વીડિયો બનાવી તેમને બ્લેકમેઈલ કરી હતી અને લાખો રૂપિયા અને ઘરેણાં પડાવ્યાં હતાં. પીડિતાને થયું પોતે ચૂપ રહેશે તો હજુ આવી ઘણી છોકરીઓ આ નરાધમનો ભોગ બનશે. તેણે નક્કી કર્યું કે 16 વર્ષે તો 16 વર્ષે પણ એ હવે હોઠનાં તાળાં ખોલશે. આથી તેણે પોતાના પતિને સાઈન લેંગ્વેજમાં બધી વાત કરી. પતિએ એનો સાથ આપ્યો અને મક્કમતાથી કહ્યું, ‘તું ચિંતા ના કર! હું તારી સાથે છું. આપણે પોલીસ પાસે જઈશું!’ આમ 8 લોકો મળીને મલાડના કુરાર પોલીસ સ્ટેશને પહોંચ્યાં હતાં.
આ મૂક-બધિર યુવતી અને તેની સાથે આવેલાં લોકો FIR લખાવવા આવ્યાં હતાં, પણ સાઈન લેંગ્વેજ પોલીસ સમજતી નહોતી. થોડો વિચાર કરીને ઈન્સ્પેક્ટર આવટેએ ઈશારામાં પૂછ્યું, ‘આ અંગ્રેજી પત્ર કોણે લખ્યો છે?’ તરત જ પીડિતાના પતિએ પોતાના મોબાઈલમાંથી એક વીડિયો કોલ જોડ્યો. સ્ક્રીન પર એક 60 વર્ષની મહિલા દેખાઈ. એણે ઈન્સ્પેક્ટર સાથે વાત કરી કે ‘સાહેબ, મારું નામ મધુ કૈની છે. હું સાઈન લેંગ્વેજ એક્સપર્ટ છું. બહેરા-મૂંગા લોકોની સામાજિક કાર્યકર છું. આ લોકોને મેં જ ફરિયાદ કરવા મોકલ્યાં છે અને પત્ર પણ મેં જ લખ્યો છે.’
ઈન્સ્પેક્ટર કહ્યું, ‘હા, પણ FIR માટે અમારે કોઈ બોલે એવી વ્યક્તિ જોઈએ.’
મધુ કૈનીએ કહ્યું, ‘સર, હું મુંબઈમાં જ છું. અડધા કલાકમાં આવી જાઉં. પીડિતા સાઈન લેંગ્વેજમાં જે ફરિયાદ કરશે એ બધું હું બોલીને તમારી સામે રજૂ કરીશ.’
સાંજે 4 વાગ્યે મધુ કૈની પોલીસ સ્ટેશન પહોંચ્યાં. એક તરફ કેમેરા ચાલુ થયો અને બીજી તરફ મધુ કૈનીએ પીડિતાના એક-એક ઈશારાને શબ્દોમાં ઢાળવાનું શરૂ કર્યું. સતત 3 કલાક સુધી ‘મૂક વેદના’ શબ્દ બનીને કાગળ પર ઉતરતી રહી. ઇન્સ્પેક્ટર આવટેએ કેસને ગંભીરતાથી લઈને આવનાર તમામ મૂક-બધિર લોકોને આશ્વાસન આપ્યું કે એ કોઈ પણ ભોગે ગુનેગારને છોડશે નહીં. આમ કહી તેમણે સૌને ઘરે પરત મોકલ્યાં. 16 વર્ષથી રાક્ષસ બનીને ફરતા મહેશને પોલીસ કેવી રીતે પકડશે એ જોઈશું આવતા બુધવારે.(ક્રમશ:)
Read Original Article →