મીઠી મૂંઝવણ:પ્રેમિકાને એની ઓફિસના યુવાનો કિંમતી ગિફ્ટ આપતાં હોય છે, મને તેમના પર શંકા જાય છે

Magazine6/9/2026, 12:35:00 AM
મીઠી મૂંઝવણ:પ્રેમિકાને એની ઓફિસના યુવાનો કિંમતી ગિફ્ટ આપતાં હોય છે, મને તેમના પર શંકા જાય છે
મોહિની મહેતા પ્રશ્ન: મારા પતિ મારાથી બે વર્ષ નાના છે. અમારા લગ્ન થયાં, ત્યારે જ આ વાતની જાણકારી મારાં સાસરિયાંને હતી, પણ હવે બધાં કહે છે કે મારાં માતા-પિતાએ તેમને કહ્યું નહોતું અને તેઓ ખોટું બોલ્યા છે. જોકે મારા પતિ કંઇ કહેતા નથી. મારે શું કરવું? { એક મહિલા ઉત્તર: તમારાં લગ્નને કેટલાં વર્ષ થયાં તે તમે જણાવ્યું નથી. તમારા પતિ તમારાથી બે વર્ષ નાના છે, એમાં આટલો બધો સ્ટ્રેસ લેવાની જરૂર નથી. કેટલીક વાર જો યોગ્ય પાત્ર ન મળે તો પોતાનાથી નાની કે મોટી વયની વ્યક્તિને જીવનસાથી તરીકે અપનાવવા પડે છે. આ કોઇ એટલો મોટો મુદ્દો નથી જેના માટે તમારાં સાસરિયાંના લોકો તમને અથવા તમારાં માતા-પિતાને દોષી ઠેરવે. પ્રશ્ન: મારા દીકરાને છેલ્લા કેટલાક સમયથી મોબાઇલની એવી લત લાગી ગઇ છે કે રાત્રે મોડે સુધી એ મોબાઇલમાં કંઇ ને કંઇ જોયા કરતો હોય છે. અમે એને ટોકીએ તો એ કહે છે કે હું મારા અભ્યાસ માટે જોતો હોઉં છું. પણ એની આ વાત સાચી જ છે, તેની ખાતરી કઇ રીતે કરવી? { એક મહિલા ઉત્તર: હવે તો નાનાથી લઇને મોટા દરેકની પાસે મોબાઇલ હોય છે અને મોટા ભાગના લોકો મોબાઇલ દ્વારા જ બધાના સંપર્કમાં રહેવા ઉપરાંત, કામ પણ કરતાં હોય છે. બનવાજોગ છે કે તમારો દીકરો સાચું બોલતો હોય. છતાં તમારે ખાતરી કરવી હોય તો એના અભ્યાસ સંબંધિત કોઇક પ્રશ્નો પૂછો. એનું રિપોર્ટકાર્ડ પણ તમને મળતું હશે. તેના પરથી પણ ખ્યાલ આવી શકે કે દીકરો અભ્યાસ માટે જ મોબાઇલનો ઉપયોગ કરે છે. પ્રશ્ન: હું જે યુવતીને પ્રેમ કરું છું, એને એની ઓફિસના બે-ત્રણ યુવાનો સાથે પણ સારી મિત્રતા છે. મને એમાં પહેલાં કંઇ વાંધાજનક નહોતું લાગતું, પણ છેલ્લા કેટલાક મહિનાથી એ યુવાનો મારી પ્રેમિકાને જે ગિફ્ટ્સ આપે છે, તેના પરથી મને શંકા જાય છે કે તેમની વચ્ચે માત્ર મિત્રતાનો જ સંબંધ નથી. મારે શું કરવું? { એક યુવાન ઉત્તર: તમારી પ્રેમિકાને એની ઓફિસના યુવાનો સાથે મિત્રતા છે, તો એમાં કંઇ ખોટું નથી. મિત્રતામાં ક્યારેક કોઇ મિત્રો એકબીજાને કિંમતી ગિફ્ટ આપતાં હોય છે. એ યુવાનો છે એટલે તમારા મનમાં એમના માટે શંકા જાગે છે, જો તેમના સ્થાને યુવતીઓએ કિંમતી ગિફ્ટ્સ આપી હોત, તો તમારા મનમાં આવો વિચાર સુધ્ધાં ન આવ્યો હોત. મનમાં વિચારોને ઘર ન કરવા દો, પરંતુ તમારી પ્રેમિકા સાથે આ અંગે કોઈ લડાઈ વગર નિખાલસતા સાથે વાત જરૂર કરો. પ્રશ્ન: મને એક યુવાન ગમે છે, પણ એ મારાથી ઓછું ભણેલો છે અને સામાન્ય નોકરી કરે છે. મારાં માતા-પિતાને મેં એના ‌વિશે વાત કરી, તો એમનું કહેવું છે કે ઓછું ભણેલા અને સામાન્ય નોકરી કરનારો યુવાન સાથે લગ્ન કરીને મને કોઇ જાતનું સુખ નહીં મળે. હું એની સાથે જ લગ્ન કરવા માગું છું. શું કરું? { એક યુવતી ઉત્તર: તમને જે યુવાન ગમે છે તે તમારાથી ઓછું ભણેલો છે અને સામાન્ય નોકરી કરે છે, એનો અર્થ એવો નથી કે એ ક્યારેય ઉચ્ચ હોદ્દા પર પહોંચી નહીં શકે. તમારાં માતા-પિતાને એની સાથે તમારાં લગ્ન કરાવવા સામે વાંધો એ જ છે કે એ તમને સુખી નહીં કરી શકે, પણ ભવિષ્યમાં કદાચ એ યુવાન એની કાબેલિયતથી આગળ વધે અને ધાર્યા કરતાં વધારે સુખ પણ તમને આપી શકે એવું બને. તમને તેની કાબેલિયત પર ભરોસો હોય તો માતા-પિતાને આ અંગે વિચારવા સમજાવો. પ્રશ્ન: અમારી સોસાયટીમાં રહેતા ભાડૂઆતના ઘરમાં અવારનવાર ઝઘડા થતા હોય છે અને ક્યારેક તો વાત એટલી હદે વણસી જાય છે કે પોલીસ પણ આવે છે. એમનાથી સોસાયટીના બધા લોકો ત્રાસી ગયા છે, પણ કોઇ બોલતું નથી. એ લોકોને ઘર ખાલી કરવા કઇ રીતે કહેવું? { એક પુરુષ ઉત્તર: તમારી સોસાયટીમાં જે પરિવાર રહે છે એમના ઘરમાં થતા ઝઘડાથી સોસાયટીનાં બધા લોકો ત્રાસી ગયા હોય એ સ્વાભાવિક છે કેમ કે આ એક પ્રકારનું ન્યૂસન્સ જ ગણાય. આ રીતે અવારનવાર ઝઘડા થાય અને પોલીસ આવે તેનાથી તેમના પરિવારની તો ઠીક, પણ સોસાયટીનું નામ પણ ખરાબ થાય. આ માટે તમારે બધાએ સાથે મળીને જેમના મકાનમાં તેઓ ભાડે રહે છે, તેમને વાત કરવાની જરૂર છે. એ પરિવાર તો ભાડેથી રહે છે, માટે સોસાયટીના લોકો તેમને કંઇ ન કહી શકે, પરંતુ મકાનમાલિકને આ માટે ચોક્કસ ફરિયાદ કરી શકાય. મકાનમાલિક તેમને ઘર ખાલી કરવાનું કહેશે, તો વાંધો નહીં આવે. પ્રશ્ન: મારા દીકરાની ઉંમર લગ્ન કરવા જેટલી થઇ ગઇ છે. એને અનેક યુવતીઓ બતાવી, પણ એ કોઇને હા કહેતો નથી. મારી ઉંમર થઇ છે અને હવે મારાથી ઘરનું કામકાજ પણ થતું નથી. ઘરમાં પુત્રવધૂ હોય તો કામકાજમાં મદદ કરે અને સમય પણ પસાર થઇ જાય. એને લગ્ન માટે કઇ રીતે સમજાવવો? { એક મહિલા ઉત્તર: તમારો દીકરો હા કહેતો નથી, તેની પાછળનું કારણ જાણવાનો પ્રયત્ન કરો. એને એ પણ સમજાવવાનો પ્રયત્ન કરો કે પુત્રવધૂ હોય તો તમને કામકાજમાં મદદ થવાની સાથે કંપની પણ મળી રહે. કદાચ એને કોઇ યુવતી ગમતી હોય. જો એવું હોય તો એનાં માતા-પિતાને મળી, દીકરાનાં લગ્ન કરાવી દેવા માટે વાત કરો.
Read Original Article →