આરોગ્ય:PMS : સ્ત્રીના મન, શરીર, લાગણીઓ વચ્ચે નિઃશબ્દ સંવાદ

Magazine6/2/2026, 12:35:00 AM
આરોગ્ય:PMS : સ્ત્રીના મન, શરીર, લાગણીઓ વચ્ચે નિઃશબ્દ સંવાદ
પ્રેરણા કાનાણી આજના સમયમાં ‘PMS’ શબ્દ ઘણા લોકો સાંભળે છે, પરંતુ હજુ પણ તેને સંપૂર્ણ રીતે સમજવામાં સમાજ પાછળ છે. ઘણીવાર PMS ને માત્ર ‘મૂડ સ્વિંગ’, ‘ચીડિયાપણું’ અથવા ‘હોર્મોનલ બદલાવ’ કહીને હળવાશથી લેવામાં આવે છે. પરંતુ હકીકતમાં PMS માત્ર શરીરમાં થતી તકલીફ નથી, તે સ્ત્રીના મન, ભાવનાઓ અને સતત ચાલતા આંતરિક સંઘર્ષ સાથે પણ ખૂબ ઊંડે જોડાયેલો વિષય છે. PMS નું પૂરું નામ Premenstrual Syndrome છે. એટલે કે માસિક આવવાના થોડા દિવસો પહેલાં થતી શારીરિક, માનસિક અને ભાવનાત્મક અસ્વસ્થતા. સામાન્ય ભાષામાં તેને ‘માસિક પહેલાં થતી તકલીફો’ કહી શકાય. સામાન્ય રીતે માસિક શરૂ થાય તેના ચારથી દસ દિવસ પહેલાં આ લક્ષણો અનુભવાય છે અને પિરિયડ શરૂ થયા પછી ધીમે ધીમે ઓછા થવા લાગે છે. ‘સ્ત્રીનું મન ઘણીવાર ત્યાં તૂટી પડે છે, જ્યાં તે લાંબા સમયથી મજબૂત બનવાનું નાટક કરતી હોય છે.’ PMS દરમિયાન શું અનુભવાય છે? દરેક સ્ત્રીનો અનુભવ અલગ હોઈ શકે છે. કેટલીક સ્ત્રીઓને ખૂબ ઓછી તકલીફ થાય છે, જ્યારે કેટલીક માટે આ દિવસો માનસિક રીતે ખૂબ ભારે બની જાય છે. PMS ના સામાન્ય લક્ષણો શરીરમાં થાક લાગવો કમર અથવા પેટમાં દુખાવો માથાનો દુખાવો ઊંઘ વધારે આવવી અથવા ઓછી થવી શરીરમાં ફૂલાવો લાગવો નાની વાતમાં ગુસ્સો આવવો અચાનક રડવું એકલતા અનુભવવી ચિંતા અથવા ઉદાસીનતા અનુભવવી કોઈ સાથે વાત ન કરવાની ઈચ્છા થવી ઘણીવાર સ્ત્રી પોતે પણ સમજી શકતી નથી કે ‘મને આવું કેમ થાય છે?’ કારણ કે આ ફક્ત શરીરની પ્રક્રિયા નથી, આ મનની સ્થિતિ સાથે પણ જોડાયેલું હોય છે. ઘણી વખત સ્ત્રીઓ ફક્ત ગુસ્સે નથી હોતી, તે ફક્ત લાંબા સમયથી અંદરથી થાકી ગઈ હોય છે. ‘હું ઠીક છું’ પાછળનું સત્ય ઘણી સ્ત્રીઓ દરેક પરિસ્થિતિમાં પોતાને મજબૂત દેખાડવાનો પ્રયત્ન કરે છે. તેઓ બીમાર હોવા છતાં કામ કરે છે, દુઃખી હોવા છતાં હસે છે અને થાકી જવા છતાં બધાને સંભાળે છે. પરંતુ PMS દરમિયાન મન થોડું નબળું પડી જાય છે. એ સમય દરમિયાન અંદરની થાકેલી લાગણીઓ બહાર આવવા લાગે છે. તેથી ઘણીવાર નાની વાત પણ મોટી લાગી શકે છે. સમાજ ઘણીવાર સ્ત્રીઓને ‘ઓવરરિએક્ટિંગ’ કહે છે, પરંતુ કદાચ તે ફક્ત લાંબા સમયથી પોતાની લાગણીઓને દબાવી રાખવાના પરિણામો હોય છે. PMS દરમિયાન સ્ત્રીઓને શું જોઈએ? ઘણીવાર દવા કરતાં પણ વધારે જરૂરી હોય છે- સમજણ. સ્ત્રીઓને એ દિવસોમાં જરૂર હોય છે: થોડા આરામની ભાવનાત્મક સહારાની શાંતિપૂર્ણ વાતાવરણની કોઈ એવા વ્યક્તિની જે તેમની વાત સાંભળે અને સૌથી મહત્ત્વનું- જજમેન્ટ વગરની સમજણ જો કોઈ સ્ત્રી PMS દરમિયાન વધુ શાંત રહે, વધુ રડે અથવા ચીડિયાળી બને, તો તેને ‘ડ્રામા’ કહેવાની જગ્યાએ તેની સ્થિતિ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. પરિવાર અને સમાજની જવાબદારી: PMS ફક્ત સ્ત્રીઓનો વિષય નથી; તે પરિવાર અને સમાજની સમજણ સાથે પણ જોડાયેલો વિષય છે. ઘણી સ્ત્રીઓ માટે સૌથી મોટી પીડા શરીરની નહીં, પરંતુ ‘સમજ ન મળવાની’ હોય છે. જો પરિવાર એ દિવસોમાં સહકાર આપે, કામમાં મદદ કરે અને પ્રેમથી વર્તે, તો સ્ત્રી માનસિક રીતે ઘણું હળવું અનુભવી શકે છે. ઘણીવાર સ્ત્રીઓ પોતે પણ પોતાના મનને આરામ આપતી નથી. તેઓ સતત બધું પરફેક્ટ કરવાની દોડમાં રહે છે. પરંતુ દરેક સ્ત્રીને દર મહિને થોડા દિવસો માટે પોતાની જાતને પણ મહત્વ આપવાની જરૂર હોય છે. અંતમાં… PMS કોઈ કમજોરી નથી. તે સ્ત્રીના શરીર અને મનનો સ્વાભાવિક ભાગ છે. પરંતુ સમાજે હવે તેને ફક્ત ‘મૂડ સ્વિંગ’ તરીકે નહીં, પણ સ્ત્રીના માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલા વિષય તરીકે પણ સમજવાની જરૂર છે.
Read Original Article →