ડાયેટિંગ:લોકપ્રિય થઈ રહેલું પ્લાન્ટ બેઝ્ડ ડાયટ
પ્લાન્ટ બેઝ્ડ ડાયટ એ નામમાં જ સ્પષ્ટ થાય છે કે છોડ-વેલા, કાચા શાકભાજી, ફળો વગેરે આરોગવાનું મહત્ત્વ તેમાં દર્શાવાયુ છે.
લોકપ્રિય ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલટા ચશ્મામાં અંજલિ મહેતા સતત આવા ડાયેટિંગને ફોલો કરતા રહે છે અને દર્શકોને મનોરંજન પૂરું પાડે છે.
મનોરંજન બાજુ પર મૂકી અને માહિતીમાં ઉતરીએ તો એ વાત સ્પષ્ટ છે કે કાચા શાકભાજી, છોડ-વેલા, પાંદડાં, ફળો વગેરે આરોગવાથી શરીરને લાભ તો થાય જ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન, યુએસ એકેડમી ઓફ ન્યુટ્રિશિયન એન્ડ ડાયેટ, કેનેડા, ઓસ્ટ્રેલિયાની ન્યુટ્રિશિયન સોસાયટી સહિતની ઘણી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ આ ડાયટને માન્યતા આપી ચૂકી છે.
એટલે લોકોનો તેના પર વિશ્વાસ વધતો જાય છે. કેટલાક સંશોધન પત્રોમાં એ વાત પણ રજૂ થઈ છે કે જો ડાયેટનું મેનેજમેન્ટ બરાબર હોય તો શરીરને જરૂરી બધા પોષકતત્વો મળી રહે છે.
પ્લાન્ટ આધારિત ડાયટના કેટલાક ફાયદાઓ
શરીરને જરૂરી મોટા ભાગના પોષકતત્વો છોડ-વેલા-શાકભાજીમાંથી મળી રહેતા હોય છે. વિજ્ઞાનીઓ અને ન્યુટ્રીશિયનો (ભોજન નિષ્ણાત) એ વાત સ્વીકારી ચૂક્યા છે કે પ્લાન્ટ બેઝ્ડ ડાયટ અપનાવવાથી શરીરને કોઈ નુકસાન નથી, ફાયદા ઘણા છે.
આ ડાયટ તમામ ઉંમર, તમામ વર્ગને ઉપયોગી છે. એટલે તેની સ્વીકાર્યતા વ્યાપક છે.
વિવિધ સંશોધનોમાં જણાયુ છે કે હૃદય સંબંધિત બીમારીઓનું પ્રમાણ ઘટે છે. શરીરમાં કોલેસ્ટ્રોલેલનું પ્રમાણ માપમાં રહે છે.
બોડી માસ ઈન્ડેક્સ એટલે કે ઉંમરના પ્રમાણમાં વજન અને શરીરની ઊંચાઈ વગેરે બરાબર જળવાઈ રહે છે.
ડાયાબીટિસ અને કેન્સર જેવા રોગો સામે અમુક અંશે રક્ષણ આપે છે.
અલબત્ત, પ્લાન્ડ બેઝ્ડ ડાયટ શરૂ કરતી વખતે જાણકાર ડાયેટિશિયન કે પછી ડોક્ટરની સલાહ લેવી જોઈએ, કેમ કે દરેક શરીરની તાસીર સરખી હોતી નથી.
શા માટે આ ડાયટનું ચલણ વધી રહ્યું છે?
એ વાત સાબિત કરવાની કોઈ જરૂર નથી રહેતી કે નોન-વેજ વાનગીઓ ખાવાથી અનેક પ્રકારનું નુકસાન થાય છે. શરીરને ખાસ ફાયદો થતો નથી, તો બીજી તરફ જીવ હિંસા અને પર્યાવરણ નુકસાન તો થાય જ છે. સદભાગ્યે દુનિયાનો મોટો વર્ગ આ વાત સ્વીકારવા લાગ્યો છે.
તેના પરિણામે શાકાહારી ભોજન તરફ અને કેટલોક વર્ગ તેનાથી પણ એક ડગલું આગળ વધીને પ્લાન્ટ આધારિત ડાયટ તરફ આકર્ષાયો છે.
આપણા પૂર્વજો આદિ માનવ મોટે ભાગે કાચી સામગ્રી જ ખાઈને ગુજરાત ચલાવતા હતા. અગ્નિની શોધ થયા પછી ભોજન પકવવાની પંરપરા આવી. પરંતુ આપણુ શરીર હજુય કાચી સામગ્રી ખાવા અને પચાવવા સક્ષમ છે. અલબત્ત, બધાના પેટને તુરંત છોડ-વેલા આધારિત ખોરાક માફક ન આવે અને થોડો સમય લાગે.
તો બીજી તરફ પ્લાન્ટ બેઝ્ડ ડાયટમાં પણ સ્વાદ માટે જરૂરી સામગ્રી ઉમેરીને ટેસ્ટી બનાવી શકાય જ છે. માટે સ્વાદ શોખીનોને આ વિકલ્પ સામે બહુ વાંધો પડતો નથી.
એક મોટો વર્ગ દૂધને શાકાહારી વાનગી તરીકે સ્વીકારતો નથી. કેમ કે દૂધ આવે છે, તો છેવટે કોઈ સજીવના શરીરમાંથી. તો પછી ભોજન માટે જે વિકલ્પ બચે છે એ પ્લાન્ટ આધારિત ડાયટનો જ છે.
આટલી વાતનું ધ્યાન રાખવું
આહારમાં મગ, ચણા, મસૂર, તોફુ અને બદામ-અખરોટ જેવા નટ્સ નિયમિત લો જેથી પ્રોટીનની ઉણપ ન થાય. પ્લાન્ટ-બેઝ્ડ આહારમાં વિટામિન B12 કુદરતી રીતે ઓછું મળે છે, તેથી ડૉક્ટરની સલાહ મુજબ તેના સપ્લીમેન્ટ્સ લેવાનું શરૂ કરી શકાય.
Read Original Article →